Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

૧૫ મહિના વીતી ગયા... કાં અમારી 'બેટી'ને શોધો કાં 'બેટી બચાવો'નું સુત્ર બદલાવોઃ વ્યાકુળ પિતાનો વલોપાત

ચોટીલામાં ૧૧-૮-૧૮ના સવારે કોલેજ ગયેલી ૧૮ વર્ષની એકની એક દિકરી બપોરે ઘરે પાછી ન આવતાં માતા-પિતા હિબકે ચડ્યાઃ તપાસ કરતાં આજીવન સજાનો કેદી ૫૦ વર્ષનો બળાત્કારી શખ્સ ધવલ ત્રિવેદી ભગાડી ગયાનું સામે આવ્યું હતું: ધવલને શોધી દિકરીને પાછી અપાવવા દેશભરની પોલીસને કામે લગાડવા માતા-પિતાની મોદીજી સમક્ષ માંગણીઃ ૨૦૧૨માં પડધરીની બે છાત્રાને એક સાથે ભગાડી જઇ સર્વસ્વ લૂંટી લીધુ હતું: ૨૦૧૪માં સીઆઇડીએ લુધીયાણાથી પકડ્યો એ પછી જેલમાંથી પેરોલ મળતાં ચોટીલામાં અંગ્રેજીના વર્ગો ચાલુ કરી ૧૮ વર્ષની બાળાને ફસાવી ઢગો ફરાર થઇ ગયો છેઃ સીબીઆઇ પણ હવસખોરને શોધી ન શકતાં માતા-પિતા ઉંડા આઘાતમાં

પ્રથમ તસ્વીરમાં નિધી ખખ્ખર ઉ.વ. ૧૯ છે જ્યારે બીજી તસ્વીરમાં નિધી ખખ્ખરના પિતા મુકેશભાઇ ખખ્ખર તથા ત્રીજી તસ્વીરમાં લંપટ ધવલ ત્રિવેદી ઉ.વ. ૫૦ છેઃ આકુળ વ્યાકુળ પિતા મુકેશભાઇ ખખ્ખર... કોઇને પણ નિધી કે ધવલ વિશે માહિતી મળે તો મો. ૬૩૫૧૯ ૬૪૩૬૪ ઉપર અથવા પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે

રાજકોટ તા. ૧૮: 'પંદર-પંદર મહિના વિતી ગયા છે, સીબીઆઇના હાથ પણ ટૂંકા પડી રહ્યા છે...એ હવસખોર અમારી એકની એક લાડકવાયીને કોણ જાણે કયાં લઇને જતો રહ્યો છે?...હવે સહન નથી થતું...આતંકવાદીઓને પકડી લેતું તંત્ર એક અમારી દિકરીને નથી શોધી શકતું...હવે તો એવું કહેવું પડે છે કે કાં અમારી બેટીને શોધો કાં પછી બેટી બચાવોનું સુત્ર બદલાવી નાંખો'...આ વલોપાત ભર્યા શબ્દો છે એક આકુળ વ્યાકુળ બાપના. ચોટીલામાં રહેતાં મુકેશભાઇ મનહરલાલ ખખ્ખર અને કિર્તીબેન મુકેશભાઇ ખખ્ખરની એકની એક દિકરી નિધીને તા. ૧૧-૦૮-૨૦૧૮ના રોજ ચોટીલાથી ૫૦ વર્ષનો ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદી નામનો શાતીર ગુનેગાર પોતાની જાળમાં ફસાવી ભગાડી ગયો છે. ૨૦૧૨માં પડધરીની સ્કૂલની એક સાથે બે છાત્રાને ભગાડી હવસખોરી આચરનારા આ શખ્સને ૨૦૧૪માં  સીઆઇડીએ પકડ્યો હતો. એ પછી તેને આજીવન કેદની સજા પડી હતી. રાજકોટ જેલમાંથી તે પેરોલ પર છુટ્યા પછી ચોટીલાના પરિવારની દિકરીને ભગાડી ગયો છે. જેનો કોઇ જ પત્તો નથી.

હવસખોર, હલકટ,  દુષ્કર્મી...જેવા અનેક વિશેષણો પણ જેના માટે ઓછા પડે અને પડધરીની ગાર્ડી સ્કૂલની બે  છાત્રાઓના અપહરણ-બળાત્કારના ગુનામાં બે વર્ષ બાદ સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાયા બાદ જેને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે તે લંપટ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ આ ચોટીલાથી ૧૮ વર્ષની છાત્રાને ફસાવીને રફુચક્કર થઇ જતાં ખળભળાટ મચી ગયાને આજે પંદર-પંદર મહિના વિતી ગયા છે. છતાં તેનો કોઇપત્તો નથી. પોતાની એકની એક દિકરીની શું હાલત હશે? કયાં હશે? શું કરતી હશે? એવા વિચારો માતા-પિતાની આંખો સુકાવા જ નથી દેતાં. નાની એવી દૂકાન ચલાવી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ ખખ્ખર અને કિર્તીબેન ખખ્ખરની ૧૮ વર્ષની દિકરી નિધી ગયા વર્ષે ચોટીલામાં અંગ્રેજી ભાષાના વર્ગોમાં જતી હતી. ત્યાંનો લંપટ શિક્ષક ધવલ તેણીને ભગાડી જતાં આ મામલે પોલીસે જે તે વખતે ગુનો નોંધ્યો હતો.

ગુનો નોંધાયા બાદ ધવલ દિલ્હીમાં હોવાનું પોલીસને લોકેશન પણ મળ્યું હતું. પોલીસની ટૂકડી દિલ્હી પહોંચી હતી. પરંતુ ધવલનો મોબાઇલ ફોન કરોલબાગના એક દૂકાનદાર પાસેથી મળ્યો હતો. એ દૂકાનદારને ધવલ પોતાની સાથેની છોકરી (નિધી) પોતાની દિકરી હોવાનું અને તે બિમાર હોવાથી તાત્કાલીક મોબાઇલ ફોન વેંચવો પડે તેમ છે તેવું કહી ૪ હજારમાં ફોન વેંચી ગયો હોવાની માહિતી મળી હતી. પરંતુ પોલીસને ત્યાંથી ધવલને શોધવામાં સફળતા મળી નહોતી અને માત્ર તેનો મોબાઇલ ફોન લઇને પરત આવી ગઇ હતી. આ મામલે બાદમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રીને રજૂઆતો થઇ હતી. હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પણ દાખલ કરવામાં આવી હતી અને છેલ્લે સીબીઆઇને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ પંદર મહિના વીતી ગયા છતાં સીબીઆઇ પણ આ રીઢા ગુનેગારને શોધી શકી નથી. આ કારણે માતા-પિતા આકુળ વ્યાકુળ થઇ ગયા છે.

લંપટ ધવલને અગાઉ પકડવામાં આવ્યો ત્યારે તેણે એવું કહ્યું હતું કે- 'હું દસ છોકરીઓને ફસાવીનેબાદમાં ટેન પરફેકટ વુમન નામે પુસ્તક લખવાનો છું'. પોતાનો આ ટાર્ગેટ પુરો કરવાનો ભયાનક ઇરાદો ધરાવતો આ શખ્સ તાબડતોબ પકડાઇ જાય તે માટે ડીઆઇજી શ્રી સંદિપસિંઘ સમક્ષ જે તે વખતે વાત પહોંચાડવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતો અને લંપટગીરીમાં જેને કદાચ કોઇ ન પહોંચી શકે તેવો અને પોતાને શિક્ષક તરીકે ઓળખાવતો મુળ વડોદરાના ધવલ હરિશ્ચંદ્ર ત્રિવેદી (ઉ. ૫૦) નામનો ઢગો વર્ષ ૨૦૧૨માં પડધરીની ગાર્ડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રિન્સીપાલ હતો ત્યારે ત્યાંની બે છાત્રાને મોહજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. આ બંને છાત્રાને અલગ-અલગ રાજ્યોમાં સતત બે વર્ષ સુધી ફેરવી પોતાની ઓળખ સતત બદલીને બંને છાત્રા સાથે શરીર સંબંધો બાંધી સર્વસ્વ લૂંટી લેનારો આ શખ્સ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ ચોટીલાની એક દિકરીને લઇને ફરાર થઇ ગયો છે.

૨૦૧૨માં આ વાસનાખોર ધવલ ત્રિવેદી પડધરી ગાર્ડી સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે તે એક સાથે બબ્બે છાત્રાને ભગાડી ગયો હતો. આ બનાવથી જે તે વખતે ખળભળાટ મચી ગયો હતો. બબ્બે વર્ષ સુધી પડધરી પોલીસે મહેનત કરવા છતાં ધવલનો કે અપહૃત બંને બાળાઓનો પત્તો ન મળતાં તેના સ્વજનો આકુળ વ્યાકુળ થયા હતાં. બાદમાં આ તપાસનો દોર સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવતાં તે વખતના ડીવાયએસપી શ્રી દિગુભા વાઘેલા અને ટીમના પીએસઆઇ સાધુ, પદુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે દોડધામ શરૂ કરી હતી અને લાંબી મથામણને અંતે છેક ૨૦૧૪માં આ હવસખોર ધવલને બે છાત્રા સાથે પંજાબના લુધીયાણાથી દબોચી લીધો હતો. તેની સામે કોર્ટમાં કેસ ચાલી જતાં ગયા વર્ષે જ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે રાજકોટ જેલમાં સજા કાપતો હતો.

ધવલ ત્રિવેદીએ કોર્ટમાં પોતાના વિરૂધ્ધનો કેસ ચાલુ થયો ત્યારે વકિલ રાખ્યા નહોતાં અને તે જાતે જ પોતાનો કેસ લડ્યો હતો. દરમિયાન રાજકોટ જેલમાંથી જુલાઇ-૨૦૧૮માં  તેને પેરોલ મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો. સાત-આઠ મહિના જેલમાં રહેવા છતાં સુધરવાને બદલે આ લંપટીયો પોતાનો ૧૦ છોકરીઓનો 'શિકાર' કરાવનો ટાર્ગેટ પુરો કરવાના કામે લાગી ગયો હતો. જેમાં તેને સફળતા પણ મળી ગઇ અને ચોટીલાથી ૧૮ વર્ષની યુવતિને લઇ નાશી ગયો છે.

ધવલે પેરોલ પર છુટ્યા બાદ જેલમાં જ પોતાની સાથે રહેલા કોઇ શખ્સની મદદથી ચોટીલા પંથકમાં બે-ત્રણ સ્કૂલોમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતાં. પોતે અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવે છે અને શિક્ષક તરીકે તેના સિવાય બીજું કોઇ સવાયું હોય ન શકે તે રીતે સામેની વ્યકિત પર હાવભાવ જમાવવામાં પાવરધો એવો ધવલ ચોટીલા પંથકમાં નોકરી ન મળે ત્યાં સુધી કુંભારા ગામે આવેલી હોસ્ટેલમાં રોકાણ કરવામાં સફળ થઇ ગયો હતો!

તે  દસ જ દિવસ માટે ચોટીલાના કુંભારામાં રોકાયો હતો અને ચોટીલા ખાતે અંગ્રેજીના ટ્યુશન કલાસ શરૂ કરી દીધા હતાં. આ કલાસીસમાં આવનાર છાત્રાઓને તે સો ટકા નોકરી અપાવી દેશે તેવી વાત વહેતી કરી હતી. આ કારણે કોલેજની સાત-આઠ છોકરીઓએ તેના કલાસીસમાં જવાનું શરૂ કર્યુ હતું. તે સાથે જ ધવલે પોતાના શૈતાની દિમાગને કામે લગાડી દીધુ હતું અને ચાર-પાંચ દિવસમાં જ એક ૧૮ વર્ષિય યુવતિને માઇન્ડવોશ કરી પોતાની 'જાળ'માં ફસાવવામાં સફળ થઇ ગયો હતો. તેના પેરોલ ૧૨-૮-૧૮ના રોજ પુરા થવાના હતાં. એ પહેલા શનિવારે ૧૧-૮-૧૮ના રોજ તે યુવતિને લઇને ભાગી ગયો હતો! જેનો આજ સુધી પત્તો નથી. પોતાની દિકરીને શોધવા નક્કર કાર્યવાહી થાય તેવી આજીજી સતત દુઃખી અને દિકરીની યાદમાં ઝુરતા પિતાએ કરી છે.

દિકરીને શોધવા પિતાની નેપાળ, યુપી, રાજસ્થાન સહિત ઠેર-ઠેર રઝળપાટ

સોશિયલ મિડીયામાં પણ દિકરીના ફોટા સાથે માહિતી આપવા અપિલ કરી

વ્યથિત પિતા મુકેશભાઇ ખખ્ખરે દિકરીને શોધવા માટે ઠેકઠેકાણે રઝળપાટ કરી છે. અગાઉ લંપટ ધવલ નેપાળમાં રહી નોકરી કરતો હતો આથી ત્યાં જઇને તપાસ કરી હતી. ત્યાં પણ તે ચીટીંગ કરીને ભાગી ગયાની ખબર પડી હતી. આ ઉપરાંત રાજસ્થાન, યુપી સહિતના રાજ્યોમાં પણ મુકેશભાઇએ તપાસ કરી હતી. પરંતુ દિકરીનો કે તેને ભગાડી જનાર ધવલનો કોઇ પત્તો મળ્યો નથી. મુકેશભાઇએ દિકરીના ફોટા સાથે સોશિયલ મિડીયામાં પણ ઓડિયો મેસેજ વાયરલ કરાવ્યો છે અને પોતાની દિકરી વિશે કોઇને પણ માહિતી મળે તો પોતાને અથવા પોલીસને જાણ કરવા અપિલ કરી છે.

રોજ પાન ખાવાનું બંધાણ હતું, દિકરી ગઇ ત્યારથી બંધાણ છોડી દીધું: માતાએ પણ અનેક માનતાઓ રાખી છેઃ દોરા-ધાગા પણ કરાવ્યા

એકની એક દિકરી લંપટની જાળમાં ફસાઇ જતાં માતા કિર્તીબેન અને પિતા મુકેશભાઇ સતત પંદર મહિનાથી ગમગીની ભરેલી જિંદગી જીવી રહ્યા છે. દિકરી પાછી આવી જાય એ માટે માતાએ અનેક માનતાઓ રાખી છે. ઠેકઠેકાણે દોરા-ધાગા કરાવ્યા છે. તો પિતા મુકેશભાઇએ પણ અનેક બાધા રાખી છે. તેમને વર્ષોથી રોજ પાન ખાવાનું બંધાણ હતું. દિકરી ગૂમ થઇ ત્યારથી તેણે પાન ખાવાનું જ બંધ કરી દીધું છે.

દિકરીને શોધવા નક્કર કાર્યવાહી માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, આઇજી સંદિપસિંઘ, પોલીસવડા શિવાનંદ ઝાને પિતાની અપિલ

દિકરી માટે વલખા મારતાં પિતા મુકેશભાઇ ખખ્ખરે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, આઇજી સંદિપસિંઘ તથા પોલીસવડા શિવાનંદ ઝાને ઉદ્દેશીને અપિલ કરી છે કે-મારી લાડકવાયીને શાતીર ગુનેગાર ધવલ ત્રિવેદી ફસાવીને ભગાડી ગયાની વાતને આજે પંદર-પંદર મહિના થઇ ગયા છે. છતાં દિકરીનો કે આ ગુનેગારનો પત્તો નથી. ત્યારે હવે આ અંગે નક્કર કાર્યવાહી થાય તે જરૂર છે. વિનંતી કરતી વેળાએ પિતા મુકેશભાઇ રડી પડ્યા હતાં.

વડાપ્રધાન મોદીજીને આજીજી

કાળજાનો કટકો એવી દિકરીને  લંપટ ભગાડી ગયો હોઇ અને પંદર મહિના થવા છતાં સીબીઆઇ પણ જેને શોધી શકી નથી એ દિકરીને શોધવામાં હવે નક્કર કાર્યવાહી થાય તે માટે વ્યથિત પિતા મુકેશભાઇ ખખ્ખરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પણ આજીજી કરતી અરજી કરી છે.

(10:19 am IST)