Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

દેશભરમાં પોલીસને ગુન્હા ડીટેકટ કરવામાં હેલ્મેટ બાધારૂપ બનશે

કેન્દ્ર સરકારે શહેરોમાં ફરજીયાત હેલ્મેટનો કાયદો ભલે અમલી બનાવ્યો પરંતુ : સાતીર દિમાગના ગુન્હેગારો હેલ્મેટ પહેરીને જ ચોરી-લૂંટ-ચેઇન સ્નેચીંગ જેવા ગુન્હા આચરશે પછી પોલીસ માટે તેની ઓળખ મુશ્કેલ બનશે : દેશભરમાં ગુન્હાના ઝડપી ડીટેકશન માટે જ સીસીટીવી પ્રોજેકટ અમલી બનતા ગુન્હા ડીટેકશનનું પ્રમાણ નોંધપાત્ર વધ્યુ છે પરંતુ હવે આવા ગુન્હેગારોની ઓળખ માટે હેલ્મેટ બાધારૂપ બનશે : તેથી ગુન્હા ડીટેકશનનો ગ્રાફ ફરી નીચે આવી જશે : દેશભરની પોલીસ આ વાત સારી રીતે સમજે છે છતા પોલીસ ડીપાર્ટમેન્ટ સરકારના આદેશનું પાલન કરવા બંધાયેલા હોય અણગમા સાથે હેલ્મેટના ગુન્હા સબબ કાર્યવાહી કરવી પડે છે

રાજકોટ તા ૧૩  :  કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં સુધારેલા નવા મોટર વ્હીકલ એકટ બીલ રજુ કરી બહુમતીથી પસાર કરાવીને તેને કાયદાનું રૂપ આપી વાહન સંબધીત ઘણા ગુન્હાઓ માટે અગાઉની સરખામણીએ દંડની રકમમાં પણ ભારે વધારો કરતા આ નવા દંડની રકમ સામે દેશભરમાં વાહનચાલકોમાં રોષની લાગણી સાથે દંડની રકમમાં ઘટાડો કરવાની જોરદાર માંગણી ઉઠી રહી છે.

સાવ સામાન્ય કહી શકાય તેવા શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવા જેવા ગુન્હામાં કાયદાની નવી જોગવાઇ મુજબ રૂા પ૦૦/- નો દંડ નિયત કરાયેલ તે દંડ ખુબજ આકરો કહી શકાય તેમ છે, કારણકે ઘણા નાના કામદારો રોજી રોટી રળવા માટે કોઇ દુકાન-વેપારી પેઢી કે કારખાને જતા હોય તેનો પગાર માત્ર ૮ થી ૧૨૦૦૦ હોય તો રોજના રૂા ૩૦૦ થી ૪૦૦ પગાર ગણાય, તેવામાં હેલ્મેટ ન પહેરવાના ભંગ બદલ રૂા ૫૦૦/- દંડની જોગવાઇ દરેક માટે પીડાદાયક પુરવાર થઇ રહી છે.

નવા મોટર વ્હીકલ એકટ મુજબ દરેક કાયદાના ભંગ બદલ જે દંડની જોગવાઇ કરેલ છે તે ખુબ જ વધારે છે. સાથોસાથ સરકારે પીયુસી સર્ટીફીકેટને પણ વધુ પડતું પ્રાધાન્ય આપી તેમાં પણ દંડની જોગવાઇ વધુ પડતી કરેલ છે.

હવે મુખ્ય મુદો છે શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટનો હાલ દેશમાં ક્રાઇમ રેટ વધી રહયો છે ખાસ કરીને એટીએમમાં ચોરી કરવી, ઘરફોડ ચોરી, ચેઇન સ્નેસીંગ, આંગડીયા પેઢી કે બેંકમાંથી લોકો રોકડ રકમ લઇને જતા હોય ત્યારે તે રોકડ રકમની લુંટ, ડેકી તોડી કે કારના કાચ તોડીને કારમાં પડેલી કિંમતી વસ્તુ ચોરી કરી લઇ જવાના તથા વાહન ચોરીના બનાવોમાં ઉતરોતર વધારો થઇ રહયો છે આવા ગુન્હાઓની ફરીયાદ નોંધાયા બાદ સીસીટીવી કેમેરાને કારણે ઘણા ગુન્હાનો ભેદ પોલીસ ગણત્રીની કલાકો અથવા દિવસોમાં ઉકેલીને આરોપીને મુદામાલ સાથે પકડી લેતી હોય છે. મુદામાલ સાથે ઝડપાયેલ આરોપી પાસેથી મુદામાલ લઇને જરૂરી આધાર પુરાવા લઇને કોર્ટના હુકમથી મુળ ફરીયાદીને રોકડ રકમ દાગીના કે વાહન જેવી વસ્તુ પરત મળી જતી હોય છે.

કેન્દ્ર સરકારે જયારે ફરજીયાત હેલ્મેટનો કાયદો બનાવ્યો છે ત્યારે હવેપછીે ગુન્હેગારો ચોરી-લુંટ જેવી ઘટનાને હેલ્મેટ પહેરીને જ અંજામ આપશે ત્યારે આ પ્રકારના ગુન્હા ઉકેલવા આરોપીને ઓળખવા માટે સીસીટીવી ફુટેજ નકામા બની જશે પોલીસ ગુન્હેગારો સુધી પહોંચી નહી શકે અને ગુન્હો ડીટેકટ ન થવાથી લાંબા સમય સુધી તપાસ માટે પેન્ડીંગ રાખવા પડશે અને પોલીસ માટે તપાસ હેઠળના પેન્ડીંગ ગુન્હાનું ભારણ વધશે.

રાજયના પોલીસ વડા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરમાં ફરજીયાત હેલ્મેટ પ્રથાથી ઉભી થનાર પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતની પ્રજાની લાગણી પહોચાડવા અસરકારક રજુઆત કરવાની માંગણી રાજકોટના નાગરીક કિશોર એન. કારીયાએ કરી છે.

ફરજીયાત હેલ્મેટના કાયદા પાલનમાં પોલીસની 'સુડી વચ્ચે સોપારી' જેવી સ્થિતી

રાજકોટ તા ૧૩  :  કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નવા મોટર વ્હીકલ એકટમાં સુધારા સાથેનું બીલ લોકસભામાં પસાર કરવા, નવા કાયદામાં ભારેખમ રકમના દંડની જોગવાઇ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ ફરજીયાત હેલ્મેટના કાયદાનો અમલ કરવા માટે ભારે દંડની રકમ નિયત કરેલ છે, જેને લઇને સમગ્ર રાજય, દેશની જનતામાં સરકાર પ્રત્યે રોષ સાથે નારાજગીની લાગણી જોવા મળે છે.

નવા કાયદાની અમલવારીથી આકરો દંડ વસુલાતા લોકોમાંથી તો રોષ અને નારાજગી જોવા મળે છે, પરંતુ સાથોસાથ આ કામગીરી કરવાથી પોલીસ પણ અંદરખાને રાજી નહીં હોવાનું પણ પોલીસ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

ગમાં અણગમા સાથે પોલીસ ઉપરી અધિકારીના આદેશથી વાહન ચાલકોને રોકીને હેલ્મેટ ન પહેરવા બદલ સ્થળ ઉપર મેમો આપી દંડ વસુલે છે અથવા અન્ય કોઇ વીમો, આરસીબુક, કે લાયસન્સ જેવા ગુન્હા સબબ દંડની રકમ વસુલે છે, પરંતુ આ કામગીરી દરમિયાન પોલીસની 'સુડી વચ્ચે સોપારી' જેવી સ્થિતી થવા પામી છે.

અન્ય ગુન્હા તો ઠીક છે, પરંતુ માત્ર હેલ્મેટ ન પહેરવા બદલ વાહન ચાલકને રોકીને દંડ વસુલવાની અથવા ફોટો પાડવાની વાત આવે ત્યારે ઘણા માથા ફરેલા વાહન ચાલકો કે પછી રાજકીય વગ અથવા મોટી ઓળખાણ ધરાવતા લોકો જાહેરમાં પોલીસ સાથે દાદાગીરી, અસભ્ય વર્તન, ગાળાગાળી કે પછી મારામારી પર પણ ઉતરી આવતા હોય છે. જયારે બીજી તરફ જો પોલીસ ઉપરી અધિકારીએ આપેલ ટાર્ગેટ મુજબના કેસો ન કરે તો ઠપકો સાંભળવાનો અથવા અન્ય કોઇ પગલા અથવા બદલીનો પણ ભય પોલીસને રહેલો હોય છે. એટલે પોલીસ કર્મચારીઓને પરાણે ગમ અણગમાં વચ્ચે વાહન ચાલકોને રોકીને કેસો કરવા પડે છે. આમ નવા મોટર વ્હીકલ એકટના અમલ માટે હાલ તો પોલીસની 'સુડી વચ્ચે સોપારી' જેવી સ્થિતી થવા પામી છે.

શહેરી વિસ્તારમાં વાહન ચાલકોને હેલ્મેટ પ્રત્યે શા માટે અણગમો છે? આ રહ્યા કારણો

રાજકોટ : શહેરી વિસ્તારમાં નિયમીત હેલ્મેટ પહેરવા માટે તમામ વાહન ચાલકોમાં નારાજગી (અણગમો) જોવા મળે છે તેને એક નહિ પણ અનેક કારણો પણ છે. જેમ કે (૧) વાહન ચાલક સવારે ઘેરથી નિકળયા પછી બેંક, પોસ્ટ ઓફીસ, વિમા, ટેકસ ભરવા જેવા કામે જવા માટે દરેક વખતે હેલ્મેટ સાચવવાનો પ્રશ્ન ઉદભવે છે. (ર)  જીલ્લા મથકેથી તાલુકા મથકે અપડાઉન કરતા વાહન ચાલકોને બસ સ્ટેશન-કે રેલ્વે સ્ટેશન બાઇક મુકયા પછી હેલ્મેટ રાખવાની મોટી સમસ્યા નડે છે. (૩) સીનીયર સીટીઝનોને હેલ્મેટ પહેરવાથી કાનમાં સાંભળવાની તકલીફ વધુ થાય છે. (૪) કોઇ સ્વજન ગુજરી ગયા હોય ત્યારે સ્મશાન યાત્રા અને ઉઠમણા બેસણા-સાદડીમાં ગયા બાદ હેલ્મેટ સાચવવાની પણ સમસ્યા નડે છે. (પ) કોઇ સ્પેશ્યાલીસ્ટ ડોકટરને ત્યાં તપાસમાં જાવ ત્યારે હેલ્મેટ સાચવવાની સમસ્યા નડે છે. દવાખાનામાં ગીર્દી એટલી હોય છે અને દર્દીને બેસવા માટે બાકડામાં જગ્યા પણ નથી મળતી ત્યારે હેલ્મેટ કયાં રાખવી ?

(૬) અંબોડી બાંધતા અથવા લાંબાવાળા ધરાવતા મહિલાઓને હેલ્મેટ પહેરવામાં પણ મુશ્કેલી પડે છે. અને તેના વાળને પણ નુકશાન થવાનો ભય રહે છે.

(૭) ટોકીઝમાં ફિલ્મ જોવા કે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જવા સમયે હેલ્મેટ રાખવાની સમસ્યા રહે છે કોઇ ટોકીઝ કે રેસ્ટોરન્ટ હોટલ માલીક હેલ્મેટ સાચવવાની જવાબદારી સ્વીકારે પણ નહિં.

(૮) મંદિરે દેવ દર્શને જતી વખતે હેલ્મેટ રાખવાની સમસ્યા પણ રહે છે.

(૯) સાતમ આઠમે મેળામાં ફરવા જવા નવરાત્રીમાં અર્વાચીન રાસમાં ભાગ લેવા જતા ખેલૈયાઓને હેલ્મેટ સાચવવાની મોટી ચિંતા સતાવશે.

(૧૦) સ્કુલે - કોલેજ જતા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓએ સ્કુલમાં હેલ્મેટ રાખવાની અથવા બદલાઇ જવાની સમસ્યા પણ નડશે. ઘણી સ્કુલ કોલેજોમાં કલાસમાં નિયત સંખ્યા કરતા વધુ સંખ્યામાં વિદ્યાર્થી હોવાની કલાસમાં હેલ્મેટ જો લઇ જઇ શકાય તેવી સ્થિતિ હોતી નથી ના છૂટકે વિદ્યાર્થીઓને લોબીમાં પોતાની જવાબદારીએ જ હેલ્મેટ રાખવા પડે છે.

(૧૧) સૌથી વિશેષ મુશ્કેલી તો ઉનાળાની ૪પ થી ૪૭ વચ્ચે ડીગ્રીએ ગરમી પડશે. ત્યારે લોકોની હાલત કફોડી બનશે.

આવી તો અનેક સમસ્યા શહેરી વિસ્તારમાં ઉભી થતી હોય જેથી વાહન ચાલકોમાં હેલ્મેટ પ્રત્યે અણગમો (નારાજગી) જોવા મળે છે અને શહેરી વિસ્તારના ૧૦૦ ટકા વાહન ચાલકો હેલ્મેટમાંથી મુકિત ઇચ્છી રહ્યા છે જોઇએ હવે સરકાર લોકોને લાગણી અને ઉપર દર્શાવેલી મુશ્ેલીઓ સમજે છે કે નહિં તો લોકો હવે હેલ્મેટનો બદલો મતથી આપી ને લે તો પણ નવાઇ પામવા જેવું લાગશે નહિં.

અહેવાલ

કિશોર એન. કારીયા

મો. ૯૮રપ૮ ૩૦૪૯૯

(3:34 pm IST)