Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જંગલેશ્વરમાંથી એક સાથે ૪ બાળા ગૂમ થઇઃ પોલીસે જાગૃત રિક્ષાચાલકની મદદની શોધી કાઢતાં લાગણીસભર દ્રશ્યો

દરેક નાગરિક રિક્ષાચાલક આસિફની જેમ પોલીસને મદદરૂપ થાય તો અનેક લોકકલ્યાણના કાર્યો થઇ શકેઃ બબ્બે વર્ષની બે અને છ તથા દસ વર્ષની ચાર બાળાઓ હેમખેમ મળતાં સ્વજનો ખુશખુશાલ થઇ ગયા

ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી પ્રદિપસિંહ જાડેજા તથા એસ.આર. ટંડેલે બધા કામ પડતાં મુકી બાળાઓને શોધવા સુચના આપી અને સફળતા મળી

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર સિદ્ઘાર્થ ખત્રી દ્વારા લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને 'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રયાસ સતત થતાં રહે છે. વધુ એક ઘટનામાં આ સુત્ર સાર્થક થયું છે. જંગલેશ્વરમાંથી બબ્બે વર્ષની બે અને છ તથા દસ વર્ષની ચાર બાળાઓ ગૂમ થતાં સ્વજનોમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં બધા કામ પડતાં મુકી બાળાઓને શોધવા ટીમો કામે લાગી હતી. દરમિયાન એક જાગૃત રિક્ષાચાલકની મદદથી પોલીસે આ બાળાઓને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસ સાથે પ્રજાજન તરીકે રિક્ષાચાલકે પણ પોતાની ફરજ બજાવતાં ભુલી પડેલી બાળાઓને તેના પરિવાર સુધી પહોંચાડવામાં સરળતા રહી હતી.

ગઇકાલે સવારે દસેક વાગ્યે જંગલેશ્વરમાંથી રમતાં રમતાં ચાર બાળકીઓઙ્ગ (૧) આરજુ (ઉ.૨), (૨) મુસ્કાન  (ઉ.૨), (૩) કાજલ (ઉ.૬) તથા (૪) મોના (ઉ.૧૦) ગુમ બે બાળકીઓના પિતા રઉફભાઈ શેખ તથા સલીમભાઈ શેખ ભકિતનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. તે સાથે જઇન્ચાર્જ પી.આઇ. આર.એસ.ઠાકર તથા પીએસઆઇ બી.બી.કોડિયાતર, ડી.એ.ધાંધલ્યા, એ.એસ.આઈ. સુરેશભાઈ, હેડકોન્સ. પ્રકાશભાઈ વાંક, સલીમભાઈ માડમ, મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રતાપસિંહ, સૂર્યકાન્તભાઇ, રસિકભાઈ, હિરેનભાઈ તથા કોન્સ. વાલજીભાઈ, દેવાભાઈ, વિક્રમભાઈ, રાજેશભાઇ, રામદેવસિંહ, નિલેશભાઈ, પ્રવીણભાઈ સહિતે ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજ ચેક કરવા, પેટ્રોલિંગ દરમિયાન રીક્ષા ચાલકોને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ડીસીપી રવિ મોહન સૈની તથા ઈસ્ટ ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, નોર્થ ડિવિઝનના એસીપી એસ.આર.ટંડેલ સહિતના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા. દરમિયાન જંગલેશ્વર વિસ્તારના એક રીક્ષા ચાલક આસિફભાઈને ચારેય બાળકીઓ ગુંદાવાડી મેઈન રોડ ઉપરથી મળી આવતા, ભકિતનગર પોલીસને જાણ કરી હતી અને ચારેય બાળકીઓને ભકિતનગર પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પોતાના બાળકો હેમખેમ મળી આવતા પરિવારજનો ભાવ વિભોર થઈ ગયા હતા અને પોતાના બાળકોને ભેટી પડયા હતા. આ વખતે  લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.ઙ્ગ પોલીસ દ્વારા ચાર બાળકો ગુમ થવાની બાબતને ગંભીરતાથી લઈ, બધા કામ પડતા મૂકી, જુદી જુદી ચાર ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં ચારેય બાળકો હેમ ખેમ મળી આવતા પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર વધુ એક વાર સાર્થક થયું છે.

આ કિસ્સામાં રિક્ષાચાલક જંગલેશ્વરના આસિફભાઈ સતારભાઈ શીશાંગિયાની ભૂમિકા પણ મહત્વની હતી. તેણે બજારમાં ચાર બાળકીઓને જોતાં શંકા ઉપજતાં ભકિતનગર પોલીસને જાણ કરી હતી અને પોલીસને દિશા મળી હતી. આ રિક્ષાચાલકનું પણ પોલીસ અધિકારીઓએ ખાસ સન્માન કર્યુ હતું. આ પ્રકારે દરેક સામાન્ય નાગરિક પોલીસને મદદ કરે અને પોતાની આજુબાજુ બનતા બનાવો બાબતે પોલીસને જાણ કરે તો પોલીસ અને પ્રજા સાથે મળી ઘણા લોક કલ્યાણના કાર્યો કરી શકે તેવી ભાવના પણ હાજર તમામને પ્રતિત થઇ હતી.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નરશ્રી સિદ્ઘાર્થ ખત્રી દ્વારા પણ પોલીસ સ્ટાફની લાગણીસભર પ્રજા ઉપયોગી કામગીરીને બિરદાવાઇ હતી. ભકિતનગરના અધિકારી તથા તમામ ટીમને અભિનંદન આપી, ભવિષ્યમાં પણ પ્રજા ઉપયોગી કામ કરવા જણાવાયું હતું.

(2:50 pm IST)