Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

બેભાન થઇ ગયા બાદ મહેશભાઇ પ્રજાપતિ, અમરશીભાઇ કોળી અને કેશુભાઇ પટેલનું મોત

બજરંગવાડી, શિવપરા અને લક્ષમણ પાર્કના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૪: જામનગર રોડ પર બજરંગવાડી-૧૩માં રહેતાં પ્રજાપતિ મહેશભાઇ નરોત્તમભાઇ લખતરીયા (ઉ.૪૨) રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને ધર્મેશભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કટલેરીની દૂકાન ચલાવતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૩માં રહેતાં અમરશીભાઇ જીવાભાઇ જોગડીયા (કોળી) (ઉ.૫૭) દોઢેક વર્ષથી બિમાર હોઇ રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ગાંધીગ્રામ પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ત્રીજા બનાવમાં મોરબી રોડ લક્ષમણ પાર્ક-૨માં રહેતાં કેશુભાઇ રવજીભાઇ પોકળ (પટેલ) (ઉ.૫૦) નામના પ્રોૈઢ ઘરે રાત્રે એકાદ વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે ભેળનો ધંધો કરતાં હતાં. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મોભીના મૃત્યુથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(2:49 pm IST)