Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સફળતાપૂર્વક સંપન્ન થયેલ લોહાણા મહાજનની ચૂંટણીએ જ્ઞાતિ એકતાના સાક્ષાત દર્શન કરાવ્યા

કાયદાનો જરા પણ ભંગ થયા વિના સર્વાનુમતે પૂર્ણ થયેલ ચૂંટણીને કારણે લોહાણા જ્ઞાતિની ગરીમા ટોચ ઉપર પહોંચી હોવાનું જણાવતા યોગેશભાઇ પૂજારા (પૂજારા ટેલિકોમ), સતીષભાઇ કુંડલીયા તથા નરેન્દ્રભાઇ નથવાણી

રાજકોટ, તા. ૧૪ :  રાજકોટ લોહાણા મહાજન સમિતિની ચૂંટણી સર્વાનુમતે અને સફળતાપૂર્વક સંપન્ન થઇ તેમાં જ્ઞાતિએકતાના સાક્ષાત દર્શન થયા હોવાનું રાજકોટ લોહાણા સમાજના અગ્રણીઓ - શ્રેષ્ઠીઓશ્રી યોગેશભાઇ પૂજારા (પૂજારા ટેલિકોમ), સતીષભાઇ જયંતિભાઇ કુંડલીયા તથા નરેન્દ્રભાઇ ભગવાનજીભાઇ નથવાણીએ આજરોજ જણાવ્યું હતું.

કાયદાનો જરા પણ ભંગ થયા વિના બંધારણના દાયરામાં રહી સર્વમાન્ય, સર્વસ્વિકાર્ય અને સમરસ પ્રક્રિયા મુજબ પૂર્ણ થયેલ ચૂંટણીને કારણે સમગ્ર વિશ્વમાં લોહાણા જ્ઞાતિની ગરીમા ટોચ ઉપર પહોંચી હોવાનું પણ યોગેશભાઇ, સતીષભાઇ તથા નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં લોહાણા જ્ઞાતિની સૌથી વધુ વસ્તી રાજકોટમાં છે ત્યારે ખમીરવંતી અને સાહસિક લોહાણા જ્ઞાતિને છાજે તેવી મહાજન સમિતિ અમલમાં આવ્યાનો રાજીપો પણ જ્ઞાતિશ્રેષ્ઠીઓએ વ્યકત કર્યો હતો.

જ્ઞાતિ અગ્રણીઓ તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓની વિનંતી માન્ય રાખીને સૌરાષ્ટ્રના લોકપ્રિય સાંધ્ય દૈનિક ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લોહાણા મહાજન સમિતિની ચૂંટણીમાં મધ્યસ્થી કરી તે બાબત પણ પ.પૂ. રામ ભગવાન, પૂ. જલારામબાપા, પૂ. રણછોડદાસજી બાપુ તથા પૂ. વીરદાદા જશરાજજીનાં આશીર્વાદ સમાન હોવાનું આગેવાનોએ ઉમેર્યંુ હતું.

ઉપરાંત સમગ્ર ચૂંટણી કાર્યવાહીને નિર્વિવાદ-સુપેરે પાર પાડનાર આરસીસી બેન્ક રાજકોટનાં સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપળીયાના યોગદાનને પણ નોંધપાત્ર ગણાવ્યું હતું.

'વિવાદ નહીં પણ સંવાદ', 'હું નહીં પણ તું', 'અમે નહીં પણ આપણે', 'મારૃં નહીં પણ આપણું', વિગેરે જેવી ત્યાગની ભાવનાને ઉજાગર કરનાર રાજકોટ લોહાણા મહાજનની સંપન્ન થયેલ ચૂંટણી સમાજના દરેક વર્ગ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ હોવાનું પણ અંતમાં જ્ઞાતિશ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું.

(2:48 pm IST)