Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

આરાધના સંગીત એકેડમીનું ૩૮મું પરીક્ષા સેન્ટર રાજકોટમાં સ્થપાયું

રાજકોટ : આરાધના સંગીત એકેડમી ગુજરાતની એક પ્રતિષ્ઠિત સંગીત સંસ્થા છે. જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ શાસ્ત્રીય સંગીતની તાલીમ લઇ રહ્યાં છે. તેની સ્થાપના ૨૦૦૧માં અમદાવાદમાં ગુજરાતના જાણીતા શાસ્ત્રીય ગાયિકા ડો. મોનિકાબેન શાહે કરી. જેમણે આજ સુધીમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેૈયાર કર્યા છે. ડો. મોનિકાબેન શાહ અનેક એવોર્ડથી નવાજીત છે જેમાં ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, તાનારીરી સન્માન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સન્માન, સૂરમણિ એવોર્ડ, કમલા સન્માન, ગિરનાર સન્માન, સાંદિપની એવોર્ડ, કિષ્નાપ્રિયા વગેરે મુખ્ય ગણાવી શકાય. તેમણે શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને વિદ્યાર્થીઓ માટે સંંગીત આરાધના ભાગ ૧ થી ૭ સંગીત પ્રારંભિક વિષારદ અને અલંકાર સુધીના પાઠયપુસ્તકો ઇંગ્લિશ અને ગુજરાતીમાં બહાર પાડી ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. ડો. મોનિકાબેન શાહની દિર્ધ દ્રષ્ટિથી આરાધના સંગીત એકેડમીએ શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસારના શુભ આશયથી ઇન્ટરનેશનલ પરીક્ષા લેવાનું ૨૦૧૬માં બીડુ ઝડપયું. આજે ગુજરાત, ગુજરાત બહાર અને ભારત બહાર થઇને કુલ ૩૮ સંસ્થાઓ અને તેના કલાગુરૂ તેમાં જોડાયા છે. ડો. મોનિકાબેન શાહ તથા તેમના ગુરૂજી જગ વિખ્યાત ઠુમરી ગાયિકા પ્રદ્મ વિભુષણ ડો. ગિરીજા દેવી અને સુરમણિ ડો. પ્રદિપ્તા ગાંગુલી દ્વારા ખ્યાલ ઉપરાંત બનારસ ધરાનાના ઠુમરી, ચૈની, હોરી, કજરી, દાદારા, ભજનનો કોર્સમાં પણ ઉમેરો કરવામાં આવ્યો. ગુજરાતને અને સંગીત જગતને સાંગિતિક ક્ષેત્રે વધુ સમૃદ્ધ બનાવવાનો  આ પ્રયાસ સફળ રહ્યો. આરાધના સંગીત એકેડમીમાં પ્રારંભિકથી વિષારદ (B.A.In Music), અલંકાર (M.A.In Music), પ્રવિણ (Ph.D. In Music)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આજે ૧૦૫૦ વિદ્યાર્થીઓ તેમાં પરીક્ષા આપી રહયા છે.શાસ્ત્રીય સંગીતમાં ગાયન, વાદન અને નૃત્ય ક્ષેત્રે પરીક્ષા લેવાનું આરાધના સંગીત એકેડમીનંુ પગલું ખુબ આવકારદાયક નીવડયું છે. આજે આરાધના સંગીત એકેડમીએ રાજકોટ ખાતે તાંડવ નૃત્ય ઈન્ટિટયૂટને સેન્ટર માટે માન્યતા આપી છે. અને ત્યાં પરીક્ષાનું આયોજન કરાયું. આ સંસ્થાના સંચાલક અને ગુરૂ જીજ્ઞેશભાઇ સૂરાણી એક ઉમદા અને ધરાનેદાર નૃત્યકાર છે. તેઓ M.A. In Music  ની ડિગ્રી ધરાવે છે. અનેક વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપી કલાકારો તૈયાર કરી કલા જગતને આપી રહ્યાં છે. આરાધના સંગીત એકેડમી આવાજ કલાકાર એવમ્ ગુરૂ સાથે સંકળાયેલી છે. અને સંકળાવવા માંગે છે. તેમ એક યાદીમાં જણાવેલ છે.

(2:39 pm IST)