Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાક્ષસકુળના ઉદ્ધાર માટે રાવણે સીતાજીનું હરણ કરેલું : લંકેશ બાપુ

રાવણના ઘેર બ્રહ્માજી અને શિવજી સ્ત્રોત શ્રવણ કરવા જતાઃ લંકેશ બાપુ : લંકેશ બાપુના વ્યાસાસને ૨૩મીથી રેસકોર્ષમાં શિવકથાઃ લંકેશબાપુએ રાવણ વિષય પર એમ.ફીલ અને શિવતત્વ પર પીએચ.ડી. કર્યું છેઃ ભાવિકોને કથાનો લાભ લેવા જાનીદાદાનું નિમંત્રણ : તીરૂપતિ બાલાજી મંદિરના ગર્ભગૃહમાં રાવણે આપેલો મંત્ર લખાયેલો છે, તેથી સમૃદ્ધિ છે : ૨૪મીએ દરેક શ્રોતાઓને સિદ્ધ કરેલું રૂદ્રાક્ષ નિઃશુલ્ક અપાશે

''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. લંકેશબાપુ, ધર્મેશભાઇ જાની, મિલનભાઇ શુકલ, તેજસભાઇ જોશી, સાગર જાની, નિશ્ચલ જોશી, ઉમંગભાઇ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૪: રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી તા. ૨૩થી ડો. લંકેશ બાપુના વ્યાસાસને શિવકથાનું આયોજન થયું છે. પૂ. બાપુ આજે ''અકિલા''ની મુલાકાતે આવ્યા હતા.

લંકેશબાપુએ રાવણ વિષય પર એમ.ફીલ અને શિવતત્વ પર પીએચ.ડી. કર્યું છે. તેઓ મૂળ કડીના છે.

પૂ. બાપુએ જણાવ્યું હતું કે રાવણ ઉચ્ચસ્તરના સાધક અને મહાજ્ઞાની હતા. રાવણના ઘેર બ્રહ્માજી અને શિવજી સ્ત્રોત શ્રવણ કરવા જતા હતા. ૮૫ ટકા જયોતિષ શાસ્ત્ર રાવણે રચ્યું છે, તેઓ ગ્રહોના જ્ઞાતા હતા. રાવણે માત્ર શિવ તાંડવ નહિ, અનેક ઉચ્ચસ્તરીય રચનાઓ સર્જી છે.

લંકેશબાપુ કહે છે કે, રાક્ષસકુળના ઉદ્ધાર માટે રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. દશેરાના દિને રાવણનો મોક્ષ થયેલો, શ્રી રામે શિવજીની મંજુરી લીધા બાદ રાવણ વધ કર્યોં હતો.

મહાન શિવ ભકત એવા રાવણનો વિરોધ સૌ કરે છે પરંતુ રાવણ જેવો કર્મકાંડી વેદ પુરાણના જ્ઞાનિ વિષે જાણકારી ઓછી હશે, વિરોધ કરવા પૂર્વે જાણવું જરૂરી છે, લંકેશ રાવણ શું હતા તેમની શકિત, તપ શું હતા તેના અતઃથી ઇતિ સુધીના અભ્યાસ માટે શ્રીલંકા સુધીનો દિવસો સુધી પ્રવાસ ખેડીને રાવણ પર એમ.ફીલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી જયોતિષમાં પીએચ.ડી. થયેલા અભ્યાસુ શિવ કથાકાર ઉતર ગુજરાત કડીના વતની લંકેશબાપુની આગામી તા. ૨૩થી રેસકોર્ષના પ્રાંગણમાં શિવભકતોને દસ દિવસ સુધી શિવનો મહિમા અને શિવભકિતનું શ્રવણ કરાવશે. કૈલાશ માનસરોવર પર પણ શિવકથા કરનાર લંકેશબાપુના કહેવા મુજબ રાવણની શિવ ભકિત અને તેમની ઉર્જા જાણવા માટે વિશેષ તત્પર હતા.

શિવતાંડવ પર ગુજરાત સરકારે તાંડવ રત્નમ ડિગ્રી લંકેશબાપુને આપી છે. લંકેશબાપુના કહેવા મુજબ કેૈલાસ માનસરોવર પર આજે પણ શિવ અને પાર્વતીજીનો સાક્ષાત્કાર છે ત્યાં વિદેશીઓ પણ અભ્યાસાર્થે ગયા છે અને અભિભુત થયા છે ત્યાં હોકાયંત્રમાં પણ કોઇ દિશા બતાવી કે જોઇ શકાતી નથી. રાવણ પર ડિગ્રી મળ્યા બાદ તેઓ ભાવિકોમાં લંકેશબાપુ તરીકે ઓળખાયા એ પહેલા ભુદેવથી પ્રચલિત હતા.

શિવકથા રસનો લાભ લેવા વેદમાતા ગાયત્રી ધામ નવનાથ ચેરી.ટ્રસ્ટના શ્રી જાનીદાદાએ નિમંત્રણ આપ્યું છે. કથા પ્રારંભ તા. ૨૩થી થશે, પૂર્ણાહૂતિ તા. ૧ના થશે. કથા શ્રવણનો સમય ૩થી ૬.૩૦ રખાયો છે. તા. ૨૩ના બપોરે ૨.૩૦ વાગ્યે કાલાવડ રોડ ગાયત્રી ધામથી પોથીયાત્રા થશે કથાના બીજા દિવસે તા. ૨૪ના દરેક શ્રોતાને સિદ્ધ કરેલું રૂદ્રાક્ષ નિઃશુલ્ક આપવામાં આવશે. કથા દરમિયાન મુકેશભાઇ લુવારિયા, ભૂવા શ્રી કાળુભાઇ, ભૂવા શ્રી વિક્રમભાઇ, નારણભાઇ સંબુચા, પિતાંબર દાદા વગેરે પધારશે તથા રાજ પરિવારના મહાનુભાવો પણ પધારશે.

કથા દરમિયાન રાત્રે વિવિધ કાર્યક્રમો થશે. સમગ્ર આયોજન નવનાથ ધામના નિર્માણ માટે કરાયું છે. કથા અંગે વધારે વિગતો માટે જાનીદાદા મો. ૯૭૧૨૭ ૩૩૧૩૧, ૮૫૧૧૮ ૭૭૩૭૩ નંબરો પર સંપર્ક થઇ શકે છે.

(2:38 pm IST)