Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજય સરકારને ખેડૂતોની મગફળી ખરીદવામાં રસ જ નથીઃ માત્ર ડીંડક જ કરે છે

૩૦ કિલો ભરતીની કરેલી જાહેરાત સામે ૩૫ કિલો ભરતીની સુચનાઓ : ખેડૂતો ખેતી કરે કેક આવેદનપત્રો જ આપેઃ જો સમસ્યાઓનો ઉકેલ નહિ : આવે તો ૧૭મી પછી ખેડૂતો આંદોલનના માર્ગેઃ ભારતીય કિસાન સંઘ

રાજકોટ,તા.૧૪: દિવાળી શરૂઆતમાં જ ખેડૂતો જે લૂટાઈ રહ્યાં છે તે ન લૂટાઈ તેના માટે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરેલ છે કે ટેકાના ભાવથી ઉપરથી ખરીદીનો વટ હુકમ બાર પાડવો પણ સરકારશ્રીને ખેડૂતોને બચાવામાં જરા પણ રસ દાખવતા ન  હોવાનું ભારતીય કિસાન સંઘની યાદીમાં જણાવાયું છે.

ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની માર્ગદર્શિકા જે જાહેર કરેલ છે તેમાં સરકારશ્રીએ અગાઉ કરેલ જાહેરાતમાં મગફળી ૩૦ કિલો પ્રતિ ગુણીની ખરીદી સ્વીકારેલ છે અને જે ખરીદી અંગેની જે માર્ગદર્શક સૂચનાઓ આપેલ છે તેમાં સરકારશ્રીએ ૩૫ કિલો ભરતી નક્કી કર્યાનું જાહેર કરેલ છે. આ રીતે ૩૦ કિલો ભરતીની જાહેરાત કરી અને ૩૫ કિલોની અમલવારી કયાં કારણોસર ફેરફાર કરેલ છે. તે અંગે ખેડૂતો વિચારમાં પડી ગયા છે. સરકારે પણ આ અંગે કયાં કારણોસર ફેરફાર કરેલ છે. તેના કારણો જાહેર કરેલ નથી.

ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ જીલ્લામાં સરકારશ્રીને કલેકટરશ્રી મારફતે તા.૮/૧૦/૨૦૧૮ના રોજ રાજકોટ જીલ્લાના ૩૦૦૦ થી ૩૫૦૦ ખેડૂતો ભેગા મળી અને રેલીના સ્વરૂપમાં આવેદન આપેલ હતું. તે આવેદન પત્રમાં પણ ભાવાંતરની તેમજ ૩૦ કિલોની ભરતીની માંગણી કરેલ હતી.

આ ઉપરાંત ગત મહિને ગુજરાતના ના દરેક તાલુકાની અંદર મામલતદારશ્રીઓને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા તેમાં પણ ભાવાંતર યોજના તેમજ ૩૦ કિલો ભરતીની માંગણી કરવામાં આવેલી હતી છતાં પણ સરકારશ્રીએ ખેડૂતોનીા માંગણી પર ધ્યાન આપેલ નથી એવું સ્પષ્ટ થાય છે કે સરકારશ્રી ખેડૂતોના કામમાં રસ લેવા માંગતી નથી.

આવેદનપત્રોમાં યોગ્ય પ્રતિભાવ ન મળતા રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં મામલતદારશ્રીને આ મહિનાની શરૂઆતમાં ફરીથી આવેદનપત્ર આપેલ હતું. તેમ છતાં ખેડૂતોની માંગણી પ્રત્યે સરકારશ્રી નકારાત્મક વલણ દાખવે છે.

ભાવાંતર યોજના રાજયમાં દાખલ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા વખતોવખત રજૂઆત કરવામાં આવી આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા પણ ભાવાંતર યોજના દાખલ કરવા માટે હડતાલ પાડેલી. સરકારશ્રીએ ભાવાંતર યોજના ગુજરાતમાં અમલમાં મુકવાથી ખેડૂતોને નુકશાન જાય છે. તેવું જાહેર કર્યું પરંતુ તેને કેવી રીતે ખેડૂતોના હિતમાં નથી તે અંગેના કોઈ કારણો જાહેર કરેલ નથી. આ વાત ખેડૂતોને કોઈ પણ સંજોગમાં ગળે ઉતરતી નથી.

વારંવાર આવેદનપત્ર દેવા એજ ખેડૂતોનું કામ છે? ખેડૂતોએ ખેતી કરવી કે આવેદનપત્ર દેવા, આનાથી એવું લાગે છે કે, ખેડૂતોનું આવેદનપત્રનું સરકારશ્રી ધ્યાનમાં લેતી જ નથી એવું લાગતુ હોવાનું કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું.

સરકારને મગફળી ખરીદવામાં કેમ રસ નથી

(૧) ટેકાના ભાવની ખરીદીની જાહેરાત મોડી કરવી, (૨) બિનજરૂરી ડોકયુમેન્ટ માંગવા જે સરકાર પાસે છે, (૩) પાણી પત્ર બાબતથી ખેડૂતોને હેરાન કરવા જે સરકારનું કામ છે, (૪) ફોર્મ ભરવામાં ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવા, (૫) ૩૦ કિલો વાળી ૩૫ કિલોની ભરતી, (૬) ઉતારાની ટકાવારી ન ઘટાડવા બાબત. આ બધા કારણોથી એવું સાબિત થાય છે કે, સરકારશ્રીને મગફળી ખરીદવામાં રસ નથી. આ વ્યવસ્થાની ઝડપથી સુધારવામાં નહિ આવે તો મજબુર થઈને આગામી ૧૭મી પછી આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. તેમ જણાવ્યું હતું.

તસ્વીરમાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મંત્રીશ્રી ઘનશ્યામભાઈ કોટડીયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાની, મનોજભાઈ ડોબરિયા, કિશોરભાઈ સગપરીયા, બચુભાઈ ધામી, રાજુભાઈ લીંબાસીયા, મહીપાલસિંહ જાડેજા, અશોકભાઈ મોલીયા, રામભાઈ માલધારી, ઠાકરશીભાઈ પીપળીયા, પ્રકાશભાઈ પીપળીયા, શકિતસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:37 pm IST)