Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજકોટ જલારામમય : સાંજે દેદિપ્યમાન શોભાયાત્રા

ઠેરઠેર આરતી, પૂજન, મહાપ્રસાદના આયોજનો : ગુંદી ગાંઠીયાના તાવડા ધમધમિયા : રાત્રે ભજન સત્સંગના કાર્યક્રમો

જય જલીયાણનો નાદ ગુંજયો : રાજકોટના સદરનું પ્રાર્થના મંદિર ઝળહળ્‍યુ : રાજકોટ : આજે જલારામ બાપાની ૨૧૯ મી જન્‍મ જયંતિની મંગલકારી ઉજવણી થઇ રહી છે. ત્‍યારે રાજકોટના સદર ખાતે આવેલ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે પણ રોશનીના ઝળહળાટ વચ્‍ચે વહેલી સવારથી પૂજન અર્ચન અને સત્‍સંગના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભાવિકોએ લાઇનમાં ઉભા રહી વિનમ્રભાવે પૂ. જલારામ બાપાની છબીના દર્શનનો લ્‍હાવો લીધો હતો. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : 'દેને કો ટુકડો ભલો લેને કો હરી નામ' સુત્રને જીવનમાં ચરીતાર્થ કરી બતાવી વિરપુરની ભુમિને ઉજાગર કરનાર સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની આજે ૨૧૯ મી જન્મ જયંતિ હોય રઘુવંશીઓ અને ભકત સમુદાયમાં અનેરો ઉમંગ છવાયો છે.

સદર, કોઠારીયા રોડ, વાણીયાવાડી, ગાંધીગ્રામ, મવડી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહીતના વિસ્તારોમાં પૂ. જલારામ બાપાના જન્મોત્સવ નિમિતે મહાઆરતી, પૂજન, મહાપ્રસાદના કાર્યક્રમો આયોજીત કરાયા છે. વહેલી સવારથી જ લોકો જય જલીયાણના નાદ ગજાવવી રહ્યા છે.

સદર ખાતેના શ્રી જલારામ પ્રાર્થના મંદિરે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ જામી હતી. આખુ સંકુલ રંગોળી અને રોશનીથી ઝળહળી ઉઠયુ છે.

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. સાંજે પ વાગ્યે ધર્મધ્વજ લહેરાવી ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાંથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.  આ પ્રસંગે આત્મીય સંકુલના પૂ. ત્યાગવલ્લભસ્વામી, આર્ષ વિદ્યામંદિર મુંજકાના પૂ. પરમાત્માનંદજી મહારાજ, ધુનવાળા શ્રી નારાયણ સ્વામી, ગુરૂકુળના શ્રી પૂર્વ પ્રકાશ સ્વામી, અનમોલદાસજી મહારાજ, કૈલાસદાસજી મહારાજ, શ્રીરામસ્વરૂપદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે.

પૂ.જલારામબાપાના મુખ્ય રથ સાથેની આ શોભાયાત્રાજે મુખ્ય માર્ગો પર ફરી રાત્ર ૮ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરે પહોંચશે. જયાં રકતદાન કેમ્પ અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ છે.

શોભાયાત્રા જયુબેલી બાગ ચોક, સેન્ટ્ર બેન્ક, નાગરીક બેન્ક નવી શાકમાર્કેટ ચોકથઇ સાંજે પ.૨૫ કલાકે પરાબજાર પહોંચશે. અહીંથી ધર્મેન્દ્રરોડ, સાંગણવા ચોક, લોહાણા મહાજન વાડી, રાજશ્રી સીનેમા, પ્રહલાદ રોડ, કરણપરા થઇ સાંજે ૬.૩૦ વાગ્યે કેનાલ રોડ પહોંચશે. અહીંથી ભુતખાના ચોક, લોધાવાડ ચોક, ઇજનેરી કચેરી રોડ, કાઠીયાવાડ જીમખાના, આર.કે.સી. રોડ થઇ સાંજે ૭.૩૦ વાગ્યે મોટીટાંકી ચોક પહોંચશે. અહીંથી અકિલા કાર્યાલય, ફુલછાબ ચોક, સદર બજાર, હરી હર ચોક થઇ પંચનાથ મહાદેવ મંદિરે વિરામ પામશે. જયાં ૧૦૦૮ દીવડાની મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ છે.

જય જલીયાણના નાદ ગજાવતી આ શોભાયાત્રાને સત્કારવા રૂટ પર વિવિધ સ્થળોએ ઠંડાપીણા અને ચા નાસ્તો સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના ધાર્મિક બગી મોખરે રહેશે. જેમાં જલારામ બાપાની દિવ્ય મૂર્તિ સાથે સંતગણ સાથે રહેશે. ઉપરાંત શ્રી સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટના બે ફલોટ્સ, બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના બે ધાર્મિક તથા સાંસ્કૃતિક ફલોટ્સ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ત્રણ રથ, રઘુવંશી યુવા ગ્રુપ - વોર્ડ નં.૧૦ - યુનિવર્સિટી રોડનો  ફલોટ,રઘુવંશી યુવા ગ્રુપ - વોર્ડ નં.૧૪નો ફલોટ, રઘુવંશી યુવા ગ્રુપ - ડેરા બેન્ડ વિસ્તાર, હાઉસીંગ બોર્ડના બે આકર્ષક ફલોટ્સ, દેવપરા શાક માર્કેટ એસોસીએશનના બે ફલોટ્સ, રઘુવંશી પરિવાર - જાગનાથ મંદિર વિસ્તારનો ફલોટ, લોહાણા યુવક પ્રગતિ મંડળનો અન્નપૂર્ણ રથ, હરતુ ફરતુ અન્નક્ષેત્ર, પૂ. શ્રી જલારામ બાપાનો રોટલો આકર્ષણ જમાવશે. યુવકો સફેદ ડ્રેસ કોડ સાથે શોભાયાત્રામાં સામેલ થશે. ઉપરાંત શ્રીજી ગૌશાળાનો ધાર્મિક ફલોટ, એનીમલ હેલ્પલાઈન તથા થેલેસેમીયા જનજાગૃતિ એસો.નો ફલોટ,  રઘુવંશી યુવા ગ્રુપ - સાધુ વાસવાણી રોડ શો, ધાર્મિક ફલોટ, વિશ્વ હિન્દુ પરિષદનો સામાજીક ફલોટ, નરેન્દ્રભાઈ ખોલીયાનો ફલોટ, કાંતિભાઈ ગણાત્રાનો ધાર્મિક ફલોટ, રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી તથા મહિલા મંડળનો ફલોટ સામેલ થશે.

સમગ્ર આયોજન માટે પ્રવિણભાઇ કાનાબાર, અશોકભાઇ હીન્ડોચા, નવીનભાઇ છગ, વજુભાઇ વિઠલાણી, કલ્પેશભાઇ તન્ના, મયંકભાઇ પાઉ, મનીષભાઇ સોનપાલ, રમણભાઇ કોટક, અજયભાઇ ઠકરાર, હિતેશભાઇ પોપટ, મનુભાઇ જોબનપુત્રા, ભાવિનભાઇ કોટેચા, હિતેન્દ્રભાઇ વડેરા, અશ્વિનભાઇ મીરાણી, રાજેશભાઇ, દિલીપભાઇ રૂપારેલીયા, જગદીશભાઇ કોટેચા, નવીનભાઇ છગ, પિયુષભાઇ કુંડલીયા, મનીષાબેન કુંડલીયા, સ્મીતાબેન સેજપાલ, સંધ્યાબેન સેજપાલ, જયોતિબેન ખંધેડીયા, કોમલ જોબનપુત્રા, ભાવનાબને જોબનપુત્રા, સતીષભાઇ કોટક, વગેરે જહેમમત ઉઠાવી રહ્યા છે.

(2:32 pm IST)