Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નવા ભેળવાયેલ ગામોનાં બિલ્ડીંગ પ્લાન માટે ધરમ ધક્કા

મ્યુ. કોર્પોરેશને 'રૂડા' માંથી ટાઉન પ્લાનીંગ સાહીત્ય કબ્જે લઇ લીધુ છે છતાં પ્લાન મંજૂરીની કાર્યવાહી હજુ 'રૂડા' કચેરીમાં જ થતી હોવાથી અરજદારો ત્રાહીમામઃ તંત્રની વિચીત્ર કામગીરીથી લોકરોષ

રાજકોટ તા. ૧૪ :.. શહેરમાં નવા ભેળવાયેલ મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુર ગામોમાં નવા બિલ્ડીંગોનું બાંધકામ પુરજોષમાં ચાલુ છે ત્યારે હવે આ તમામ ગામો રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભેળવી દેવાતાં. હવે ઉકત પાંચેય ગામોનાં બિલ્ડીંગ પ્લાનની મંજૂરી બાબતે છેલ્લા ૪ મહીનાથી અરજદારોને ધરમ ધકકા થઇ રહ્યાની ફરીયાદો ઉઠવા પામી છે. આ અંગે નાના-મોટા બિલ્ડીંગ પ્લાન મુકનારા અરજદારોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ, નવા ભેળવાયેલ, મુંજકા, મોટામવા, ઘંટેશ્વર મનહરપુર અને માધાપરમાં  નવા બાંધકામો - સોસાયટીઓ રહેણાંક મકાનોનાં પ્લાનની મંજૂરી હવે રાજકોટ મ્યુ. કોર્પોરેશન પાસેથી મેળવવાની થાય કેમ કે 'રૂડા' નું ઉકત તમામ ગામોનું ટાઉન પ્લાનીંગ સાહીત્ય, મ્યુ. કોર્પોરેશને કબ્જે લઇ લીધુ છે. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે વિચીત્ર કામગીરી થઇ રહી છે. 'રૂડા' માં નવા બિલ્ડીંગ પ્લાનની મંજૂરી આપવાની કામગીરી થઇ રહી છે. આ માટે જે તે પ્લાનનું સાહીત્ય ફરીથી મ્યુ. કોર્પોરેશન પાસે, માંગીને પછી મંજૂરી પ્રક્રિયા આગળ  વધી રહી છે. આ પ્રક્રિયામાં ઘણો લાંબો સમય વ્યય થઇ છે. કેટલાક પ્લાન ત્રણ - ચાર મહીનાથી પેન્ડીંગ છે. અરજદારો ધરમ ધકકા ખાઇને કંટાળ્યા છે. આને આ સમસ્યાં વહેલી તકે ઉકેલી નવા ભેળવાયેલ ગામોનાં બિલ્ડીંગ પ્લાન સરળતાથી અને ઝડપથી મંજૂર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ અરજદારોમાં ઉઠવા પામી છે.

(3:40 pm IST)