Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સરકારી હોસ્પિટલમાં સારી સારવાર ન થાય એ વાત ખોટી સાબિત કરે છે સમરસ કોવિડ કેર

શ્રેષ્ઠ સારવાર અને સકારાત્મક અભિગમથી કોરોનાને પછડાત આપતો નંદા પરિવાર

રાજકોટ : સવાર-સવારમાં ડોકટર દરેક દર્દી પાસે જઈ તબિયતની ખબર પૂછે - તેની તપાસ કરે. સમયાંતરે દવા, ઉકાળા, હળદરયુકત દૂધ અને પૌષ્ટિક આહાર આપવામાં આવે. અને હા તમે ભૂલી જાવ તો નર્સિંગ સ્ટાફ તમને નાસ લેવડાવે. દર્દીઓની આવી નાની-નાની બાબતોની કાળજી કોઈ મોંઘી પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં પરંતુ સમરસ કોવિડ કેર સેન્ટરમાં લેવાઇ રહી છે.

સમરસ કેર સેન્ટર ખાતે ૭ દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત ફરેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે, 'સૌપ્રથમ મારા પપ્પાને કોરોના થયો એટલે અમે સૌએ પણ ટેસ્ટ કરાવ્યા અને મારો અને મમ્મીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. સમરસ સંકુલ ખાતે સારવાર લીધા પછી હું દ્રઢપણે કહું છું કે, જે લોકો એવું વિચારે છે કે સરકારી હોસ્પિટલ હશે તો સારી સારવાર નહીં મળે એ વાતને સમરસ કોવિડ કેર સેન્ટર તદ્દન ખોટી સાબિત કરી રહ્યું છે. સમરસ ખાતેથી શ્રેષ્ઠ અને સંતોષકારક સારવાર મેળવી આજે અમે ત્રણેય લોકો કોરોનામુકત બન્યાં છીયે.'

સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 'જે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર મેળવવા સક્ષમ નથી તેઓ માટે આ સ્થળ અને અહીં મળતી સારવાર ઉત્ત્।મ છે, જયાં તમામ આરોગ્યકર્મીઓ દર્દીઓને પોતાનાં પરિવારજનોની જેમ સાચવે છે. અહીં જમવામાં, દવામાં કે અન્ય કોઈપણ બાબતમાં ગુણવત્તાનું બરાબર ધ્યાન રાખવામાં આવે છે અને દર્દીઓની કોઈપણ સમસ્યાનું ત્વરિત સમાધાન કરવામાં આવે છે. કોવિડ-૧૯ ના પ્રકોપ વચ્ચે લોકોને સાજા કરવા સરકાર તરફથી જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ખરેખર પ્રસંશનીય છે.'

સંજયભાઇના પિતા અશ્વિનભાઈ અને માતા સંગીતાબેન પણ કોરોનાને હરાવી હાલ પોતાનાં ઘરે પરત ફરી ચૂકયાં છે.

(1:37 pm IST)