Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી માટે કરેલ હુમલા અંગે ગુન્હો દાખલ કરોઃ પોલીસ કમિશ્નરને રજુઆત

સીસીટીવી ફુટેજ રજુ કરાયા છતા કોઇ કાર્યવાહી ન કરાયાનો ભોગ બનનાર નિશાંત કોરડીયાનો આક્ષેપ

રાજકોટ, તા., ૧૪:નિર્મળારોડપર રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા નિશાંત ગોકળભાઇ કોરડીયાએ પોલીસ કમિશ્નરને લેખીત રજુઆત કરી પઠાણી ઉઘરાણી માટે વ્યાજખોરો બચુભાઇ હરજીભાઇ કોરડીયા (રહે. પતરાપસર, તા.જી. જુનાગઢ), મનસુખ બચુભાઇ કોરડીયા (રહે. સુરત), મુકેશ બચુભાઇ કોરડીયા (રહે. જામનગર) રસીક બચુભાઇ કોરડીયા તથા ઉષાબેન રસીકભાઇ કોરડીયા (રહે. પતરાપસર, તા. જી. જુનાગઢ) એ કરેલ હુમલા અંગે ગુન્હો દાખલ કરવા માંગણી કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ ફરીયાદી નિશાંતને ધંધા માટે નાણાની જરૂરીયાત ઉભી થતા બચુભાઇ કોરડીયા પાસેથી ૬ વર્ષ પુર્વે ૧પ લાખ માસીક ૪ ટકાના વ્યાજના દરે લીધા હતા અને અત્યાર સુધીમાં મુડી તથા વ્યાજ સહિત ૬૦ લાખ રૂ. આપી ૬ માસ પુર્વે હિસાબ પુર્ણ કરેલ હતો. તેમ છતાં ઉકત શખ્સો વ્યાજ ચુકવવામાં મોડુ થયું હોય તેની પેનલ્ટી અને ચક્રવૃધ્ધિ વ્યાજના ૧પ લાખ આપવા પડશે તેમ કહી ધમકી આપતા હતા.

ગઇકાલે ઉકત વ્યાજખોરો આઇટેન કાર નં. જી.જે. ૦૬ ડીજી ૯૧ર૦માં અમો ફરીયાદીના ઘરે આવી ૧પ લાખ આપો અથવા તો વિકલ્પે કોઇપણ પ્રોપ્રર્ટીનો દસ્તાવેજ કરી આપો. તેમ કહી બોલાચાલી કરી હુમલો કર્યો હતો. ઉકત શખ્સોએ સાયકલમાં હવા ભરવાના પંપ તથા ખુરશીઓ વડે અમો ફરીયાદી તથા તેના પરિવારજનો પર હુમલો કરતા મયુર ઝાલાવડીયા, દિવ્ય કોરડીયા, તથા જયોત્સનાબેન કોરડીયાની ઇજા થઇ હતી અને આ અંગે પોલીસને જાણ કરતા પીસીઆર વેન આવેલ ત્યાંથી સીધા ગાંધ્રીગ્રામ પોલીસ સ્ટેશને ગયા હતા. ઉકત વ્યાજખોરોએ કરેલ હુમલાની ઘટનાના સીસીટીવી ફુટેજ પોલીસ મથકે રજુ કર્યા હોવા છતાંઆજ બપોર સુધી કોઇ કાર્યવાહી કરાઇનથી. આ અંગે તપાસ કરી જવાબદારો સામે ગુન્હો દાખલ કરવા અંતમાં નિશાંત કોરડીયાએ માંગણી કરી છે.

(4:22 pm IST)