Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રાજકોટના ૪૫૦૦ લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીનો રાજસ્થાન જેલમાંથી કબ્જો

વાંકાનેર-ગોંડલ અને રાજકોટ સહિત નવજીવન ક્રેડીટ સોસાયટીના નામે ગુજરાતભરમાં પોણો ડઝન બ્રાંચોઃ હજારો લોકો સાથે છેતરપીંડીના પગલે-પગલે સીઆઈડી વડા આશિષ ભાટીયા ટીમનો સપાટોઃ રીમાન્ડ પર લેવાયેલા ચેરમેન અને એમડી ગીરધરસિંગ સોઢાની તપાસ દરમિયાન ચોંકાવનારા રહસ્યો ખુલવાની સંભાવનાઃ રાજકોટના ફરીયાદીની ફરીયાદ આધારે કાર્યવાહી

રાજકોટ, તા. ૧૪ :. ગોંડલ, વાંકાનેર અને રાજકોટ સહિત ગુજરાતભરમાં ૯થી વધુ બ્રાંચો નવજીવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. (મલ્ટી સ્ટેટ)ના નામે શરૂ કરી હજારો લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરવાના આરોપસરની રાજકોટના ચંદ્રભૂષણ વ્યાસ નામના ફરીયાદીની ફરીયાદ આધારે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયા દ્વારા રાજકોટમાં જાગનાથ અને સોરઠીયાવાડીમાં આવેલી શાખાઓ પર દરોડા પાડી સીપીયુ કબ્જે કરવા સાથે નાસી છૂટેલા આરોપી પૈકીના મુખ્ય સૂત્રધાર એવા સોસાયટીના એમ.ડી. અને ચેરમેન ગીરધરસિંગ મગસિંગ સોઢાનો જયપુર જેલમાંથી સીઆઈડી ટીમને મોકલી કબ્જો લેવડાવ્યા બાદ અદાલતમાં રજૂ કરી રીમાન્ડ પર લીધા છે. રીમાન્ડ દરમિયાન ચોંકાવનારી વાતો અને છેતરપીંડીના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થશે તેવી સીઆઈડી વર્તુળો સંભાવના નિહાળી રહ્યા છે.

સીઆઈડી સૂત્રોના જણાવ્યા મુજબ નવજીવન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી (મલ્ટી સ્ટેટ)ના સંસ્થાપક અને એમ.ડી. તથા ચેરમેન ગીરધરસિંગ સોઢા, મુખ્ય સલાહકાર સંતોષ જોશી, ચીફ જનરલ મેનેજર અને ચેક ઉપર સાઈન કરવાના ઓર્થોરાઈટ પર્સન જોગેન્દરસિંગ, સિનીયર જનરલ મેનેજર દિનેશ શર્મા, ચીફ એકાઉન્ટન્ટ પરસોતમ જાંગીડ સહિતના આરોપીઓએ ગુજરાતના રાજકોટમાં બે, ગોંડલમાં એક તથા વાંકાનેરમાં એક મળી કુલ ર૯ બ્રાંચો કે જેમાં અમદાવાદ, કપડવંજ, ખંભાત, ધાનેરા અને પાથાવાડા ગામનો સમાવેશ છે. તેમા શાખાઓ શરૂ કરી થાપણદારોને બેંકથી ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી મુડી રોકાવી પૂર્વયોજીત કાવત્રુ રચી લોકો સાથે છેતરપીંડી કરી હતી.

રાજકોટના ફરીયાદીની ફરીયાદ આધારે રાજકોટમાં સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં ડીવાયએસપી એ.એ. સૈયદ તથા એક બીજી ટીમ દ્વારા જાગનાથ અને સોરઠીયાવાડીમાં પાડેલા દરોડામાં સીપીયુ વિગેરે કબ્જે કર્યા બાદ રાજકોટમાં ૪૫૦૦થી વધુ લોકોએ નાણા રોકયાનું ખુલવા પામેલ.

(11:42 am IST)