Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

રૈયાધારમાંથી ધો-૧૦ના છાત્ર મયુર ધામેલીયા અને મિત્ર અલ્લાઉદ્દીનનું કારમાં અપહરણઃ છરી ઝીંકી ધોકાથી ફટકારાયા

ખોડિયાપરાના ભરત ડાભી અને બે અજાણ્યા સામે ગુનોઃ ભરતે 'તે નવ મહિના પહેલા મને માર્યો હતો, હવે હું બદલો લેવા આવ્યો છું'...કહી હુમલો કર્યો

રાજકોટઃ રૈયાધાર સ્લમ કવાર્ટર નં. ૫૦૬માં રહેતાં મયુર સુનિલભાઇ ધામેલીયા (ઉ.૧૭) નામના ધોરણ-૧૦ના વિદ્યાર્થી અને તેના મિત્ર અલ્લાઉદ્દીન નુરૂદ્દીનભાઇ શેખ (ઉ.૧૭)નું હુડકો ચોકડી પાસે ખોડિયાપરામાં રહેતાં ભરત ડાભી અને બે અજાણ્યા શખ્સોએ ઘર પાસેથી સાંજે છએક વાગ્યે નંબર વગરની કારમાં અપહરણ કરી ભરતે ચાલુ કારે 'તે અગાઉ મને માર માર્યો હતો તેનો મારે બદલો લેવો છે' તેમ કહી છરીથી ડાબા ખભા પર ઉંડો ઘા ઝીંકી દઇ તેમજ અલ્લાઉદ્દીનને પણ છરીથી ડાબા હાથે ઇજા કરી તેમજ બીજા બે શખ્સોએ ધોકાથી માર મારતાં અને બાદમાં આ બંને મિત્રો ઘાયલ અવસ્થામાં પડી જતાં ત્રણેય શખ્સો કાર લઇ નાશી જતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયાએ મયુર ધામેલીયાની ફરિયાદ પરથી અપહરણ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  મયુર ગાંધીગ્રામ એસ. કે. ચોકની વિશ્વજીત વિદ્યાલયમાં ધોરણ-૧૦માં ભણે છે. તે સાંજે મિત્ર અલ્લાઉદ્દીન સાથે ઘર નજીક ઉભો રહી વાતચીત કરતો હતો ત્યારે નંબર વગરની કારમાં ભરત ડાભી અને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતાં અને બંને મિત્રોને છરી બતાવી કારમાં બેસાડી અપહરણ કરી લઇ રૈયાધાર નજીક જોકીયા હનુમાનજી મંદિર પાસે લઇ જઇ નીચે ઉતાર્યા હતાં. બાદમાં ભરતે ખુલ્લી છરી સાથે આવી મયુરને 'તે નવ મહિના પહેલા મને માર્યો હતો, તેનો બદલો લેવા આવ્યો છું' તેમ કહી ખભા પર છરી ઝીંકી હતી. અલ્લાઉદ્દીન વચ્ચે પડતાં તેને પણ હાથમાં છરી મારી દીધી હતી. બીજા બે શખ્સોએ બંને મિત્રોને ઢીકા-પાટુ અને ધોકાથી માર માર્યો હતો. બંને મિત્રો પડી જતાં ત્રણેય આરોપી ભાગી ગયા હતાં. પોલીસે તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.

(11:23 am IST)