Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સીવીલ કોવિડને લશ્કરને હવાલે કરવાનું નિવેદન કરી ડો. હેમાંગ વસાવડાએ તબીબી જગતનું અપમાન કર્યું: ભાજપ

દર્દીની સંખ્યા બાબતે અફવાયુકત અને ગેરમાર્ગે દોરનારા નિવેદનો કોંગ્રેસ કરે છેઃ દિવસ-રાત જીવના જોખમે કોરોનાં દર્દીની સેવા-સારવાર કરતાં ડોકટરો સામે આંગળી ચિંધતા ડો. હેમાંગ વસાવડા એ ન ભૂલે કે તેઓ પણ એક ડોકટર છેઃ પ્રજામાં ભય ન ફેલાવવો જોઇએઃ પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને ડો. અતુલ પંડયાનો આક્રોશ

રાજકોટ તા. ૧૪: સીવીલ કોવિડ હોસ્પીટલને લશ્કરનાં ડોકટરોનાં હવાલે મુકવાનું નિવેદન કરી કોંગ્રેસનાં પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ તબીબી જગતનું અપમાન કર્યું છે તેમ પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય ત્થા ડો. અતુલ પંડયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આ અંગે ઉકત બંન્ને ભાજપ આગેવાનોએ આક્રોશભેર જણાવ્યું છે કે, કોંગ્રેસ નેતા અને ન્યૂરો સર્જન ડો. હેમાંગ વસાવડાએ વાહિયાત આક્ષેપો કરતા કહ્યું છે કે, સરકાર તરફથી ડોકટરોની ભરતી કે સંખ્યા વધારવાના કોઇ પ્રયાસ થતા નથી, કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા ઘણા વધારે તબીબોની જરૂર છે, સરકારે ભારતીય સૈન્યના ડોકટરોની મદદ લેવી જોઇએ, ભારતીય લશ્કરના ડોકટરોને સિવિલ હોસ્પિટલ સોંપી દેવી જોઇએ. આવા પાયાવિહીન આક્ષેપો અંગે રોષ વ્યકત કરતા ભાજપ અગ્રણી નેતા અને ખ્યાતનામ ડોકટર જૈમન ઉપાધ્યાય અને ડોકટર અતુલ પંડયાએ ડો. હેમાંગ વસાવડાની વાતને તદ્દન ખોટી અફવાયુકત ગેરમાર્ગે દોરનારી તેમજ ડોકટરોનો આત્મવિશ્વાસ તોડનારી ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનું કાર્ય જ સરકારનો વિરોધ કરતા કરતા સૈનિક, શિક્ષક, ડોકટર, પોલીસ જેવા સન્માનીય અને સેવાકીય હોદ્દા ર રહેલા લોકોનો આત્મવિશ્વાસ તોડવાનું છે. મહામારીનાં સમયે દિવસ-રાત કોરોનાનાં દર્દીઓની સેવા-સારવાર કરતા સરકારી ડોકટરો પર હેમાંગ વસાવડાએ આંગળી ચીંધતા પહેલા એ ન ભૂલવું જોઇએ કે તેઓ ખુદ એક ડોકટર છે અને હાલ તો સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોકટરો જીવનાં જોખમે કોરોના દર્દીઓની સેવા-સારવાર કરી રહ્યાં છે. આ સમય ડોકટરો અને કોરોના દર્દીઓને બિરદાવવાનો છે પણ કોંગ્રેસ નેતાઓ ડોકટરોથી લઇ કોરોનાના દર્દીઓ અને સામાન્ય માણસને બીવડાવી રહ્યાં છે. ડો. હેમાંગ વસાવડાએ આવી નીચી હરકત ન કરવી જોઇએ.

ડો. ઉપાધ્યાય અને ડો. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ અને રાજકિય વગ ધરાવતા લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા બાબતે ખચકાતા હોય છે. ત્યારે રાજયસભાના સાંસદ અને જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ કોરોનાની સારવાર સરકારી હોસ્પિટલમાં લીધી છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં કેટલી સુવિધાયુકત સારવાર આપવામાં આવે છે એના અનેક વખાણ કરતા વીડિયો દર્દીઓએ આપમેળે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યા છે પરંતુ કોંગ્રેસ તદ્દન ખોટું ચિત્ર ઉભું કરી સિવિલ હોસ્પિટલ અને તેમના ડોકટરોને બદનામ કરી રહી છે. કોરોના મુકત થયા બાદ કોરોન્ટાઇનનો સમયગાળો ખૂબ જ મહત્વ હોય છે. જયાં નિયમિત લેવાતી દવાઓ દર્દીની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેના માટે દવાનું પણ યોગ્ય નિયમન થવું ખૂબ જ આવશ્યક છે. આ કાર્યને પણ સિવિલનાં ડોકટરો આયોજનપૂર્વક કરી રહ્યાં છે. કોરોનાં મુકત થતા દર્દીઓને કોરોના સાથે ડાયાબિટીઝ અને બ્લડ પરેશરની દવા પણ અપાય છે. કોરોના મુકત થયા બાદ પણ દર્દીઓની કાળજી સિવિલનો સ્ટાફ લઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પ્રમાણમાં પૂરતો સ્ટાફ, સુવિધા અનેબેડની વ્યવસ્થા છે. હાલમાં જ મુખ્યમંત્રીશ્રીએ પણ વધુ ર૦૦ બેડ ફાળવતી હોસ્પિટલનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું છે. રાજકોટ સિવિલ કોરોના દર્દીઓની સારવાર તદ્દન મફતમાં શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે.

આવા સંજોગોમાં સરકારે ભારતીય સૈન્યના ડોકટરોની મદદ લેવી ખૂબ જરૂરી છે. ભારતીય લશ્કરના ડોકટરોને સિવિલ હોસ્પિટલ સોંપી દેવી જોઇએ. આવું કહી હાલ કુલ મળી પ૦૦ જેટલા ડોકટરો જે રાજકોટ સિવિલ અને સરકારી દવાખાનામાં કોરોના મહામારી સામે જંગ લડી રહ્યાં છે તેની કામગીરી પર કરી છે. તે અત્યંત નિંદનીય બાબત છે, કોરોના વોરિયર્સનું અપમાન કરવા બદલ કોંગ્રેસ અને ડો. હેમાંગ વસાવડાએ તેમની માફી માંગવી જોઇએ. જો ડોકટરો પોતાના જીવની પરવા કર્યા વિના કાર્ય જ ન કરતા તો ડોકટરોને પણ કોરોના સંક્રમિત થયા ન હોત.

સિવિલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય ડોકટરો ખૂબ સારી સેવા આપી રહ્યાં છે અને સૌ સાથે મળી બધું ભુલી હાલ તો કોરોનાને હરાવવા જંગે ચઢયા છે ત્યારે તેમનો મોરલ ડાઉન કરવાની જગ્યાએ એમને મોટીવેટ કરવા જોઇએ. રાજકારણમાં આવી ડો. હેમાંગ વસાવડા ડોકટરી વ્યવસાયના આદર્શ-સિદ્ધાંત ભૂલી ચૂકયા છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસનાં ૭૦% જેટલા લોકો અને ૪ હજારથી વધુ લોકો કોરોનામુકત થઇ આજ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે. અમુક અપવાદ કરતા ૯૯% લોકો જેમણે રાજકોટ સિવિલમાં સારવાર લીધી છે અથવા લઇ રહ્યા છે તેઓ સરકારી હોસ્પિટલની સુવિધાથી સંપૂર્ણ સંતુષ્ટ છે ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફી પણ કોરોના સામે બાથ ભીડી રાજકોટને કોરોનામુકત બનાવવા અડીખમ તૈયાર છે એવું ડો. જૈમન ઉપાધ્યાય અને અતુલ પંડયાએ નિવેદનમાં અંતમાં જણાવ્યું હતું.

(3:45 pm IST)