Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીનુ વિતરણઃ રોગચાળાનો ભય

લતાવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં લાખો રૂપિયાનાં પગાર લેતા એન્જિનિયરોની ફોજ આ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળઃ દર્દીનાં આરોગ્ય સાથે ચેડા સમાન આ બેદરકારી દુર કરવીઃ ગાયત્રીબા વાઘેલાનો આક્રોશ

રાજકોટ,તા.૧૪: મ.ન.પા. તંત્રના પાપે વોર્ડ નં ૩નાં તિલક પ્લોટ અને તેનાં આજુબાજુના વિસ્તારોમાં ગટરના ગંધાતા પાણી પીવાના પાણી સાથે ભળતા — રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. આ સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા મ.ન.પા.ના કોલસેન્ટર માં અનેક ફરિયાદો કરવા છતાં નિંભર તંત્રને લાખો રૂપિયાનો પગાર લેતા એન્જિનિયરોની ફોજ પ્રશ્ર્ન ઉકેલવામાં નિષ્ફળ અને લોકો ગંદુપાણી પીવા માટે મજબૂર બન્યાનો આક્ષેપ વોર્ડ નં.૩નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેટરની યાદીમાં જણાવ્યા મુજબ, શહેરના વોર્ડ નં-૩ નાં જૂના રાજકોટના વિસ્તારો તિલક પ્લોટ, જૂની લોધાવાડ, બેડીનાકા ટાવર,પરાબજાર અને જૂના દરબાર ગઢની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી પીવાના પાણીની સાથે લાઈનમાં ગટરનું ગંધાતું અને દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે.જે બાબતે વિસ્તારના જાગૃત કોર્પોરેટર  ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા વોર્ડના ઈજનેરોને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમજ વિસ્તારના સ્થાનિક આગેવાન લક્ષ્મણભાઈ સોલંકી તેમજ અન્ય લતા વાસીઓ  દ્વારા પણ RMCના કોલસેન્ટર માં છેલ્લા ૧૦-૧૨ દિવસમાં અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં ભા.જ.પ.ના સ્માર્ટ સિટીનાં શાસકો અને લાખો રૂપિયા નો પગાર લેતી એન્જિનિયરોની ફોજ જનતાને ગટરનું ગંધાતું પાણી પીવાથી બચાવી શકતી નથી.અને આ પ્રશ્ર્નનું નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળનીવડ્યા છે. સ્માર્ટ સિટીની વાતો કરનારા તંત્ર શહેરની જનતાને પૂરા ૨૦ મિનિટ ફોર્સથી પીવાનું શુદ્ઘ પાણી પણ આપી શકતા નથી. તેમ આક્રોશ સાથે ગાયત્રીબાએ જણાવ્યું હતું.

(2:42 pm IST)