Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઓઇલના બેરલના તળીયા કાપી છુપાવેલી દારૂની ૩૪૮ બોટલ શોધી કાઢતી બી-ડિવીઝન પોલીસ

બુટલેગરોના નિતનવા નુસ્ખાઓને નિષ્ફળ બનાવતી પોલીસઃ જુના મોરબી રોડ પર દોસ્ત વાહનમાંથી ૮ બેરલો મળ્યાઃ ચાલક માલિકની શોધખોળ

એએસઆઇ વિરમભાઇ જે. ધગલ, સલિમભાઇ માડમ અને કોન્સ. ચાંપરાજભાઇ ખવડની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: ચાલાક બુટલેગરો નવા-નવા નુસ્ખા અજમાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જો કે પોલીસ તેના કરતાં એક ડગલુ આગળ રહી બુટલેગરોના ઇરાદા બર આવવા દેતી નથી. આઇલના બરેલમાં ઉપરના ભાગે ઢાંકણને વેલ્ડીંગથી બંધ કરી ઉપર ઓઇલ ઢોળી નીચેના તળીયાના ભાગને કાપી તેમાં દારૂની બોટલો છુપાવી હેરફેર થઇ રહી હોઇ બી-ડિવીઝન પોલીસે બાતમી પરથી જુના મોરબી રોડ પર દરોડો પાડી રૂ. ૧,૩૯,૨૦૦નો ૩૪૮ બોટલ દારૂ ભરેલા ૮ બેરલો, માલવાહક વાહન મળી રૂ. ૩,૪૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે પોલીસ પહોંચતા વાહનનો ચાલક ભાગી ગયો હતો.

બી-ડિવીઝનના એએસઆઇ વિરમભાઇ જે. ધગલ તથા સાથેના સલિમભાઇ માડમ અને ચાંપરાજભાઇ ખવડને બાતમી મળી હતી કે જુના મોરબી રોડ પર દોસ્ત વાહન નં. જીજે૧૪એકસ-૬૨૦૯માં ઓઇલના બેરલની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં વાહન રેઢુ મળ્યું હતું. ચાલક કે કબ્જેદાર મળી આવ્યા નહોતાં.

પોલીસે તપાસ કરતાં બેરલોના ઉપરના ઢાંકણા (બુચ)ને વેલ્ડીંગથી બંધ કરી દેવાયેલા જોવા મળ્યા હતાં. તેમજ ઉપર ઓઇલ રેડી દેવાયેલુ જણાયું હતું. તળીયામાં જોતાં ત્યાંથી પતરૂ કાપી નટબોલ્ટ ફીટ કરી તેની અંદર બોટલો છુપાવાયેલી મળી આવી હતી. દોસ્ત વાહનમાં આવા આઠ બેરલ હોઇ તેના તળીયાઓમાંથી પોલીસે કુલ રૂ. ૧,૩૯,૨૦૦નો ૩૪૮ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. તેમજ બે લાખનું વાહન, ચાર હજારના બેરલ, ઓઇલ કાઢવાનો પંપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વાહન નંબરને આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, પરેશભાઇ સોઢીયા, ચાંપરાજભાઇ ખવડ, મિતેષભાઇ આડેસરા, સંજયભાઇ મિયાત્રા અને જયદિપસિંહ બોરાણાએ આ કામગીરી કરી હતી.

(1:05 pm IST)