Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન કશ્યપ શુકલ અને તેમના ભાઇ કૌશિક શુકલ કોરોનાની સારવાર હેઠળ

મ.ન.પા.નાં અધિકારીઓ -કોર્પોરેટરો-પદાધિકારીઓ કોરોનાના સકંજામાં : મેયર બીનાબેન આચાર્યનાં પી.એ. કનૈયાલાલ હીંડોચાનો રિપોર્ટ પણ પોઝીટીવઃ ડે.કમિશ્નર સિંઘ બાદ ડે. કમિશ્નર પ્રજાપતિ પણ કોરોના સંક્રમિત થયા

રાજકોટ તા. ૧૪ : શહેરમાં હવે કોરોના વકરવા લાગ્યો છે. હવે મ.ન.પા.ના અધિકારીઓ અને પદાધિકારી તથા કોર્પોરેટરો, કર્મચારીઓ પણ કોરોનાના સકંજામાં આવવા લાગ્યા છે. આજે પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન કશ્યપ શુકલ તથા તેમના મોટાભાઇ કૌશિક શુકલ પણ કોરોના સંક્રમિત થતા તેઓ સારવાર હેઠળ છે. ઉપરાંત મેયરના પી.એ. શ્રી હીંડોચા, ડે. કમિશનર શ્રી પ્રજાપતિ કોરોના પોઝિટિવ થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન કશ્યપભાઇ ચિમનભાઇ શુકલ અને તેમના મોટાભાઇ કૌશિકભાઇએ આજે તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા બંનેના રીપોર્ટ પોઝિટિવ આવતા બંને ભાઇઓ એરપોર્ટ રોડ પર આવેલ પેટ્રેસીયા કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ થયા છે.

આજ પ્રકારે મેયર બીનાબેન આચાર્યના પી.એ. કનૈયાલાલ હીંડોચાનો રીપોર્ટ પણ આજે પોઝિટિવ આવતા તેઓ પણ સારવાર હેઠળ છે.  નોંધનિય છે કે મેયરના પી.એ. સાથે સેક્રેટરી વિભાગના કર્મચારીઓ, પત્રકારો સતત સંપર્કમાં હોઇ ચિંતાનું મોજુ પ્રસર્યું છે. એ પણ નોંધનિય છે કે થોડા દિવસ અગાઉ મેયર બીનાબેન આચાર્ય કોરોનાની સારવારમાં હતા તે વખતે શ્રી હિંડોચા હોમ કોરન્ટાઇન થયા હતા અને આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત થોડા દિવસો અગાઉ ડે. કમિશનર શ્રી સિંઘ કોરોના સંક્રમિત થયા હતા અને ગઇકાલે બીજા ડે. કમિશનર શ્રી પ્રજાપતિ પણ કોરોનાથી સંક્રમિત થતા હાલ તેઓ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

(3:14 pm IST)