Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

હેલ્મેટના વિરોધમાં જંકશન પ્લોટના વેપારીઓ બંધ પાળશે

આર્થિક મંદીમાં પિસાતા વેપારીઓને હેલ્મેટના નામે દંડ ફટકારવાના બંધ કરો : રેલી - ધરણા - કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે : વેપારીઓને જોડાવવા અનુરોધ

રાજકોટ, તા. ૧૪ : શહેરભરમાં હેલ્મેટના કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે જંકશન પ્લોટના વેપારીએ પણ જંગનું એલાન કર્યુ છે. જો હેલ્મેટ સહિતનો કાળા કાયદાને દૂર કરવામાં નહિં આવે તો બે થી ત્રણ દિવસમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.

જંકશન પ્લોટના વેપારીઓ અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા. તેઓએ જણાવેલ કે વેપારીઓ મંદીનો માર સહન કરી રહ્યા છે. એમાં ઉપરથી હેલ્મેટ સહિતના અણધડ કાયદાથી વેપારીઓ દંડાઈ રહ્યા છે.

એકબાજુ ધંધા નથી અને બીજી બાજુ દંડના મારથી વેપારીઓની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે.

જંકશન પ્લોટ - ગાયકવાડી પ્લોટ વેપારી મંડળના આગેવાનોએ જણાવેલ કે જંકશન પ્લોટમાં ૪૦૦ જેટલા વેપારીઓ છે.

જો આ કાયદો હટાવવામાં નહિં આવે તો ત્રણેક દિવસમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાશે. જેમાં વેપારીઓ દુકાનો બંધ પાળી વિરોધ કરશે. ત્યારબાદ રેલી, ધરણા સહિતના કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરશે તેમ જણાવ્યુ હતું.

શહેરમાં માંડ ૨૫ થી ૩૦ કિ.મી.ની ઝડપે ટુ વ્હીલરો ચાલે છે. આવા કાયદા શહેરમાં લાદવાની જરૂર જ નથી. હાઈવે ઉપર માત્ર અમલમાં લાવી શકાય. વેપારીઓએ એવી ગર્ભીત ચિમકી પણ આપી હતી કે આગામી દિવસોમાં ફરી ચૂંટણીઓ તો આવવાની જ છે.

તસ્વીરમાં જંકશન પ્લોટ - ગાયકવાડી પ્લોટ વેપારી મંડળના પ્રમુખ જયકિશન આહુજા, મંત્રી ગૌરવ પૂજારા, અશોક ઉધાણી, ઉપપ્રમુખ મંગારામ જવરાણી, સુરેશ અઢીયા, જયેન્દ્રભાઈ પારેખ, ઘનશ્યામભાઈ ખાનચંદાણી, ચંદ્રકાંત આહુજા, હિંમતભાઈ કિશનાણી નજરે પડે છે.

(3:45 pm IST)