Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સોમનાથ સોસાયટી ૧-૨-૩ અને અન્ય સોસાયટીઓ જીઈબી માટે અણમાનીતિઃ મહિનામાં ૧૫ દિ' લાઈટ ફોલ્ટ !!

બીપીના દર્દી, સગર્ભા મહિલાઓ, દૂધ, આઈસ્ક્રીમ, ધોબીના વેપારીઓ ત્રાહિમામઃ છાશવારે કલાકો લાઈટો બંધ કરાય છેઃ ૫૦ - ૫૦ વખત ફરીયાદો કરી ત્યારે જવાબ મળે છે !!

રાજકોટ, તા. ૧૪ :. સોમનાથ સોસાયટી-૩માં રહેતા વિરમભાઈ સોલંકીએ એક ફરીયાદમાં પીજીવીસીએલની મનમાની અને ત્રાસ બાબતે રજૂઆત કરી છે.

ફરીયાદમાં વ્યથા વર્ણવતા કહ્યું છે કે, રૈયા ટેલી. એક્ષ. પાછળ સોમનાથ સોસા. ૧-૨-૩ તથા બીજી ઘણી સોસા.ઓ આવેલી છે. પીજીવીસીએલની મનમાની એવી છે કે મહિનામાં ૧૫ દિવસ લાઈટના ફોલ્ટ કહી લાઈટ બંધ કરી દેવામાં આવે છે અને છેલ્લા માર્ચ-એપ્રિલથી આ પરિસ્થિતિ છે. તાજેતરમાં તા. ૬ના રોજ સવારના ૬ વાગ્યાથી લાઈટ ચાલી ગઈ છે.

કમ્પલેઈનમાં ૫ વાર ફોન કરીએ એક વાર ફોન લાગે છે એટલે જવાબ મળે ૬ થી ૧૨ વાગ્યા સુધી કાપ છે. શા માટે કાપ આ તો ગમે ત્યારે મહિનામાં પંદર દિવસ કાપ ઝીંકી દેવામાં આવે છે ! ૧ કલાક, ૨ કલાક, ૩ કલાક... તા. ૬ના તો હદ થઈ ગઈ ૬ કલાક... એક તરફ આપણા સારા દેશના નેતાઓ દેશને ડીઝીટલ બનાવવા જઈ રહ્યા છે, તો બીજી બાજુ તેના સાધનો ચલાવવાવાળા દેશને ૧૮મી સદીમા લઈ જવા મથી રહ્યા છે. જેમાં શા માટે તેના કોઈ પરમેનેન્ટ સોલ્યુશન નથી થતા ? થુંકના સાંધાઓ કરી ચલાવવામાં આવે છે. જે થુંકના સાંધા એક સાંધો કરે તેર તૂટે જેવા હાલ થાય છે. અમારી આ સોસાયટીઓમાં હાર્ટ પ્રોબ., બીપી પેશન્ટ, ડીલીવરીવાળી લેડીઝ, બિમાર લોકો આ લાઈટના ત્રાસથી ત્રાહીમામ પોકારી ગયા છે. તેમા વેપારી વર્ગ દૂધ, આઈસ્ક્રીમના વેપારીઓ ૬-૬ કલાકના કાપથી તેમને પારાવાર નુકશાની વેઠવી પડે છે. ઈસ્ત્રી કરનાર ધોબી, ઘરકામ, દુકાનોમાં ઝેરોક્ષ જેવા ઘણા કામો લાઈટથી થતા છે, એ જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે. જેના વગર જીવન અને તેની રફતાર થંભી જાય છે. કમ્પલેઈનમાં ફોન કરીએ એટલે રીપેરીંગ ચાલે છે, કાપ છે, ટ્રીપમાં છે, ફોલ્ટ છે... અલગ અલગ બહાના બતાવી મહિનામાં ૧૫ દિવસ ગમે ત્યારે લાઈટ બંધ કરવામાં આવે છે. શું અમો લાઈટ બીલ નથી ભરતા.. એક બે ચાર દિવસ મોડુ થાય તો ૧૦૦ રૂ. દંડ. મોટા બીલો આવવાના પ્રશ્નો તો ઉભા જ હોય.

(3:43 pm IST)