Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

૨૯ ડિસેમ્બરે રાજકોટ દોડશે : મેરેથોનનું આયોજન

રોટરી મીડટાઉન દ્વારા ૫-૧૦-૨૧ કિ.મી.ની દોડ યોજાશે : કલેકટર તંત્ર - કોર્પોરેશન અને પોલીસ તંત્રનો સહયોગ : દિવ્યેશ અઘેરા

રાજકોટ, તા. ૧૪ : છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક કાર્યો સાથે જોડાયેલી સંસ્થા રોટરી મીડટાઉન દ્વારા શહેરીજનોને ચુસ્તી અને સ્ફૂતિર્ બતાવવાનો વધુ એક અવસર પૂરો પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાઈકલોફન થકી દેશ-વિદેશમાં રાજકોટનું નામ અંકિત કરનાર રોટરી મિડટાઉન દ્વારા આગામી તા.૨૯ ડિસેમ્બરે રાજકોટમાં મેરેથોન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં કન્ઝયુ મેલા, કોર્પોરેટ ક્રિકેટ, શ્રીમદ્ ભાગવત કથા અને ત્રણ વર્ષથી યોજાતી સાઈકલોફન બાદ હવે મેરેથોન યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા 'ફીટ ઈન્ડિયા' કેમ્પેન સાથે આ મેરેથોનને જોડવાનો ઈરાદો રોટરી મીડટાઉન દ્વારા વ્યકત કરાયો છે.

રોટરી મીડટાઉન દ્વારા પહેલી વખત આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવશે. આ મેરેથોન ઈવેન્ટ ૨૧, ૧૦ અને ૦૫ કિલોમીટરની યોજાશે. મેરેથોન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેકટર તંત્ર અને શહેર પોલીસનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રોટરી મીડટાઉન દ્વારા લોકોપયોગી અને કાર્યોને સફળતાપૂર્વક પાર પાડયા છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં આયોજિત થતી સાઈકલોફનની દેશ-વિદેશમાં નોંધાઈ લેવાઈ છે અને આ સફળતાનો શ્રેય રોટરી મીડટાઉનની સક્ષમ ટીમને જાય છે. તેમના જ અનુભવ અને આયોજન કરવાની ઉમદા સમજને કારણે સાઈકલોફન સહિતના આયોજનોએ રોટરી મીડટાઉનની સાથે સાથે શહેરનું નામ ઉજાગર કર્યું છે. લોકોને સંલગ્ન આયોજન માટે રોટરી મીડટાઉનની ટીમનો વર્ષોનો અનુભવ અને માઈક્રોપ્લાનિંગ જવાબદાર હોય મેરેથોનમાં પણ તે અત્યંત ઉપયોગી સાબિત થશે.

રોટરી મિડટાઉન દ્વારા મેરેથોનમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે સાથે સાથે આયોજનમાં સહભાગી થવા માટે સામાજિક સંસ્થાઓ, કંપનીઓને પણ ભાવભરી અપીલ કરવામાં આવી છે.

મેરેથોનના આ ઉમદા આયોજનને સફળ બનાવવા માટે કલબ પ્રેસિડેન્ટ જીગ્નેશ અમૃતિયા, સેક્રેટરી વિશાલ અંબાસના, પ્રોજેકટ ચેરમેન દિવ્યેશ અઘેરા(Bicycle Mayor Of Rajkot) કો-ચેરમેન દિપક મેહતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

૮ ડિસેમ્બરે સાઈકલોફન

રોટરી મીડટાઉન દ્વારા સતત ચોથા વર્ષે સાઈકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને સાઈકલ ચલાવવા પ્રત્યે જાગૃત કરતી આ ઈવેન્ટ ૮ ડિસેમ્બરે યોજાશે. શહેરીજનો આ ઈવેન્ટની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય રોટરી મીડટાઉન દ્વારા પહેલાં સાઈકલોફન અને ત્યારબાદ ૨૯ ડિસેમ્બરે મેરેથોનનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

(3:41 pm IST)