Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા યોજશે લોકદરબારઃ લોધિકાથી શ્રીગણેશ

રાજકોટ, તા. ૧૪ :. જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ તાલુકા કક્ષાએ લોકપ્રશ્નોના નિકાલ માટે અને વહીવટી ગતિશીલતા વધારવા તાલુકાવાર લોકદરબાર યોજવાનો નૂતન પ્રયોગ હાથ ધર્યો છે. ગઈકાલે લોધિકાથી તેનો પ્રારંભ કરી દીધો છે.

ડી.ડી.ઓ. દર મહિને ઓછામાં ઓછા એક તાલુકામાં લોકદરબાર યોજવા માગે છે. તાલુકા પંચાયતના સ્ટાફને અને પદાધિકારીઓ તથા લોકોને અગાઉથી જાણ કરી લોકદરબાર લાયક પ્રશ્નો મંગાવવામાં આવશે. નિયત દિવસે તાલુકાના મુખ્ય મથકે ડી.ડી.ઓ. પોતે ઉપસ્થિત રહેશે તેમજ તાલુકા પંચાયતની વહીવટી ટીમને હાજર રાખી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. શકય તેટલા પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તેવો પ્રયાસ થશે. વહીવટી પ્રક્રિયાનો વિલંબ નિવારી વિકાસને વેગ આપવાનો હેતુ છે. જે તે વિસ્તારમાં વહીવટી ગતિવિધિ શું છે અને લોકોના પ્રશ્નો શું છે ? તેનો ખ્યાલ આવશે. લોધિકાથી લોકદરબારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હવે પછી તબક્કાવાર અન્ય તાલુકાઓમાં આવો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા પ્રશ્નો અને સૂચનો આવકાર્ય છે.

(3:33 pm IST)