Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

વેતન સંહિતા- એક નજરમાં

વેતન સંહિતા અંતર્ગત વર્તમાન સમયના ચાર કાયદાઓ- પગાર ચૂકવણીનો અધિનિયમ ૧૯૩૬, લપુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ અને સમાન વેતન અધિનિયમ-૧૯૭૬નો સમાવેશ થાય છે. વેતન સંહિતામાં લઘુત્તમ વેતનને દરેક સ્થાને સમાન રીતે અમલી બનાવવાની જોગવાઈ છે. આનાથી દરેક શ્રમિકનો સમગ્ર દેશમાં એકસમાન વેતન નિશ્ચિત થઈ શકશે.

સંહિતામાં વેતનને સ્પર્શતા તમામ મુદ્દાઓ જેવાં કે, સમાન વેતન, સમયસર ચૂકવણી અને બોનસને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. લધુત્તમ વેતનમાં મૂળ વેતન, જીવવા માટેના ખર્ચ ગને ખર્ચાઓમાં કાપને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે તેમજ તેની સાથે તેમાં શ્રમિકની આવડત, શ્રમકાર્ય માટેની મહેનત અને ભૌગોલિક સ્થિતિનું પણ આંકલન કરવામાં આવનાર છે. આ આધારે કેન્દ્ર અને રાજય સરકાર લધુત્તમ વેતન સુનિશ્ચિત કરશે.

અત્યાર સુધી કાયદો એમ કહેતો હતો કે ર૪ હજાર રૂપિયા મેળવનાર કર્મચારી જ આવશ્યક કપાત અને વેતન ચૂકવવાની સમય સિમામાં બંધાયેલો છે, નવા કાયદા અંતર્ગત બધા જ કર્મચારીઓને આ સુવિધા મળશે.

આ પ્રકારની ગેરરીતિઓને રોકવા માટે હવે ઈન્સપેકટર સાથે પ્રશિક્ષક રાખવામાં આવશે. પહેલા આ કામને શ્રમ ઈન્સપેકટર જોતા હતા. સંસદીય સમિતિએ ઈન્સપેકટરને દૂર કરવા સંદભે આપત્તિ નોંધાવેલ હતી, તેઓનું માનવું હતું કે આ કાયદાને અમલી કરવામાં મુશ્કેલીઓ આવશે આ માટે હવે નવા દિશા-નિર્દેશ આપવામાં આવી રહ્યા છે.

સંહિતામાંએ પણ જોગવાઈ છે કે આ માટે એક કે એકથી વધારે અધિકારીઓને પણ રાખી શકાય છે જેથી વિવાદોનો જલ્દીથી જલ્દી અને સસ્તામાં સમાધાન થઈ શકે. વેતન ઘટાડવા, બોનસ ન ચૂકવવા અને વેતનમાં કાપ મુકવો જેવા કિસ્સામાં સાબિત કરવાની જવાબદારી નોકરી આપનારની થશે. આ કાયદામાં આવા દાવા કરવાની સમય-સિમા (૬ માસથી ર વર્ષ) પણ વધારીને ૩ વર્ષ કરવામાં આવી છે. આની જ સાથે લઘુત્તમ વેતનથી ઓછુ વેતન આપનાર માલિક પર દંડની પણ જોગવાઈ છે. જો કોઈ માલિક નક્કી કરેલ વેતનથી ઓછું વેતન ચૂકવતો હશે તો તેના પર ૫૦ હજાર સુધીનો દંડ લાગશે. જો માલિક પાંચ વર્ષમાં ફરીથી આવું કરશે તો તેને ૩ માસની કેદ અથવા ૧ લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

  કાયદામાં જોગવાઈ છે કે દર પાંચ વર્ષે લદ્યુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે અને વેતન આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે.

શા માટે થઈ રહ્યું છે પરિવર્તન ?:- બિલ રજૂ કરવાના કારણ અનુસાર તેનો હેતુ સમાનતા લાવવી અને વેતન કાયદાઓના સરળીકરણનો છે. આનાથી વધારે ઉદ્યોગોની સ્થાપના થશે અને રોજગારનું સર્જન થશે. સાથે સાથે સામાન્ય શ્રમિકોને સીધો લાભ મળશે. આ બિલને દ્વિતિય રાષ્ટ્રીય શ્રમ આયોગની ભલામણ અનુસાર બનાવવામાં આવ્યું છે. ર૦૧૮-૧૯નો આર્થિક સર્વે દર્શાવે છે કે દેશની વેતન વ્યવસ્થામાં કઈ કઈ ત્રુટિઓ છે.

અમલીકરણનો પડકાર :-  ઉદ્યોગ જગતે પણ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. લઘુત્તમ વેતન કાયદામાં પરિવર્તન આવવાથી શ્રમિકોનું શોષણ અટકશે. પરંતુ રાજય સરકારોએ પોતાની સસ્તી લોકપ્રિયતાના ચક્કરમાં લઘુત્તમ વેતન એટલું નહિ વધારવું કે ઉદ્યોગ જગત તેને સંભાળી ન શકે.

શ્રમિક સંગઠનોમાં મતભેદઃ- ભારતીય મજદૂર સંઘે આ બિલને ઐતિહાસિક જણાવ્યું છે. આ બિલથી સમાજમાં કામ કરનાર અંતિમ મજદૂર પણ કાયદાના દાયરામાં આવી જશે.

જયારે બીજા શ્રમિક સંગઠનોને આ બિલ માટે ઘણા પ્રશ્નો છે. code on wages billમાં લઘુત્તમ વેતનનું મુખ્ય માપદંડ (ર૦૦ કેલેરી પ્રતિદિન આધારિત) સમાવિષ્ટ નથી. આ માપદંડને ૧૫માં ભારતીય શ્રમ સંમેલનમાં સર્વાનુમતે અપનાવવામાં આવેલ હતો.

નવા બિલે વ્યાવહારિક રીતે વેતન નક્કી કરવાનો નિર્ણય સંપુર્ણ રીતે સરકાર અને નોકરશાહી પર છોડી દીધો છે. જો કે ત્રિપક્ષીય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે, પરંતુ તેને એ રીતે પરિભાષિત કરેલ છે કે બોર્ડની ભલામણો સરકારને બાધ્ય નહી હોય.

૨૦૧૮-૧૯નો આર્થિક સર્વે કહે છે કે દેશના ત્રીજા ભાગથી વધારે શ્રમિકો ૧૯૪૮ના લઘુત્તમ વેતન કાયદામાં સમાવિષ્ટ નથી થતા અને સરકાર પાસે આ બિલને લાગુ કરવા માટે કોઈ વ્યવસ્થિત તંત્ર પણ નથી.

આ બિલ વધારે પ્રમાણમાં લોકોને લઘુત્તમ વેતન કાયદા અંતર્ગત લાવશે  માટે  તેને લગુ  કરવું વધારે મુશ્કેલભર્યુ કામ છે જયારે—આપ શ્રમ ઈન્સપેકટરના અધિકાર ઘટાડી રહ્યા છો. સરકારે ઓછામાં ઓછુ વેતન નક્કી કરી દેવું જોઈએ, રહેવાની કિંમતના હિસાબ પછીથી તેમાં સમાયોજિત કરી શકાય છે.

આ બિલ ૧૦ ઓગસ્ટ, ર૦૧૦ ના રોજ લોકસભામાં રજુ કરવામાં આવેલ હતું. ત્યારપછી ર૧ ઓગસ્ટ, ૨૦૧૭ ના રોજ બિલ સંસદની સ્ટેન્ડીંગ કમિટિને મોકલવામાં આવ્યું હતું.

કમિટિએ ૧૮ ડિસેમ્બર, ર૦૧૮ ના રોજ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દિધેલ હતો. સંસદના ભંગ થવાના કારણે આ બિલ પાસ થઈ શકયું નથી. હવે આ સંહિતા પગાર ચૂકવણી અધિનિયમ ૧૯૩૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ અને સમાન વેતન અધિનિયમ-૧૯૭૬ નું સ્થાન લેશે. આ બિલ પસાર થયા પછી કેન્દ્ર સરકારે કેટલાક વિશેષ ક્ષેત્રો માટે બધાને સમાન લઘુત્તમ વેતન આપવાનો અધિકાર પ્રાપ્ત થશે. જેમાં રેલ્વે અને ખાણ ક્ષેત્રો મુખ્ય છે.

આલેખનઃ હસુભાઈ દવે,

પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ભા.મ.સંઘ, (મો.૯૪૨૬૨ ૫૪૦૫૩)

(3:30 pm IST)