Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ચલણમાં ફરી રહી છે રૂ. ૧૦ થી માંડી રૂ.૨૦૦૦ના દરની જાલીનોટોઃ રાજકોટમાં ૭૦૫ નકલી નોટો ભરણામાં આવી!

એચડીએફસી બેંકની જુદી-જુદી શાખાઓમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની નકલી નોટો ઘુસાડી દેવાઇ

રાજકોટ તા. ૧૪: શહેરમાં જાલી ચલણી નોટો અવાર-નવાર બેંકોના ભરણામાં ઘુસાડી દેવામાં આવે છે. રૂ. ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની નકલી ચલણી નોટો ફરી રહી છે. આવી કુલ ૭૦૫ નોટો એચડીએફસી બેંકોના ભરણામાંથી મળી આવતાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

કિડવાઇનગર માધવ રેસિડેન્સી બ્લોક નં. ૬૩માં રહેતાં અને એચડીએફસી બેંકની ભકિતનગર શાખામાં ચાર વર્ષથી સિનીયર મેનેજર તરીકે ફરજ બજાવતાં દેવાંગભાઇ ચીમનલાલ મોટા (જૈન) (ઉ.૪૭)ની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે એચડીએફસીબેંકની શહેરની અલગ-અલગ  શાખાઓમાં ભરણુ કરી જનારા અજાણ્યા ગ્રાહકો અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી૪૮૯ (ખ) મુજબ બનાવટી નોટો હોવાનું જાણવા છતાં ચલણમાં સાચા તરીકે ભરપાઇ કરી ગુનો કરવા સબબ એફઆઇઆર દાખલ કરી છે.

મેનેજરશ્રીએ ફરિયાદમાં જણાવ્યું છે કે એચડીએફસી બેંકની ભકિતનગર શાખા તથા રાજકોટ શહેરમાં આવેલી આ બેંકની અન્ય તમામ શાખાઓમાં ભરણામાં જે કરન્સી આવે તે મુખ્ય શાખામાં આવે છે અને કરન્સી ચેસ્ટ બ્રાંચના મશીનમાં આ નોટો બનાવટી છે કે અસલી? તેનું ચેકીંગ કરવામાં આવતું હોય છે. તપાસ દરમિયાન બનાવટી નોટો નીકળે તો તે પોલીસ અધિક્ષક કે પોલીસ કમિશનરને મોકલવાની હોય છે. અમારી કરન્સી ચેસ્ટ શાખામાં માર્ચથી ઓગષ્ટ ૨૦૧૯ સુધીના છ માસના ગાળામાં અલગ-અલગ શાખાઓમાંથી ચલણી નોટો આવી હતી.

આ નોટોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. સારી અને અસલી નોટો હોય તેના બંડલો કરી ફરીથી જે તે બ્રાંચમાં મોકલવાની કામગીરી થતી હોય છે. ભરણામાં આવેલી નોટો તપાસતાં કુલ ૭૦૫ નકલી નોટો મળી આવી હતી. જેમાં રૂ. ૨૦૦૦ના દરની ૪૦ નોટો, રૂ. ૫૦૦ના દરની ૩૬ નોટો, રૂ. ૨૦૦ના દરની ૩૬ નોટો, રૂ. ૧૦૦ના દરની ૪૮૧ નોટો, રૂ. ૫૦ના દરની ૧૦૩ નોટો, રૂ. ૨૦ના દરની ૮ નોટો, રૂ. ૧૦ના દરની ૧ નોટનો સમાવેશ થાય છે.

બેંક અધિકારીએ જે નકલી નોટો મળી છે તેના સિરીયલ નંબરો સહિતની વિગતો સાથે ભકિતનગર પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધી પીએસઆઇ એ.વી. પીપરોતરે ગુનો નોંધ્યો હતો. વિશેષ તપાસ એસઓજીના પી.આઇ. એસ. એન. ગડ્ડુ અને ટીમે હાથ ધરી છે.  નોંધનીય છે કે અગાઉ પણ આ રીતે અનેક વખત આ બેંકના અલગ-અલગ ભરણાઓમાંથી જાલી ચલણી નોટો મળતાં ગુનો દાખલ કરાવાયો હતો.

(3:07 pm IST)