Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

એમ.આર. પ્રદિપ જોટાણીયાને લૂંટારૂ રિક્ષાગેંગ ભેટીઃ જીવ બચાવવા ચાલુ રિક્ષાએ કૂદ્દયો ત્યારે બેઠક પર છરી ભોંકી

પાણીઢોળની વિધી પતાવી સુરતથી જંકશન સ્ટેશને ઉતર્યો, ૨૦ રૂપિયાના ભાડાથી રિક્ષા બાંધી ને થયો ભયાનક અનુભવઃ જંકશન રેલ્વે સ્ટેશનથી ૨૦૦ મિટર આગળ રિક્ષા ચાલી ત્યાં બીજા બે શખ્સ આજુ-બાજુમાં બેસી ગયાઃ પછી એક શખ્સે ગળે છરી રાખી મોબાઇલ ઝૂંટવી જે હોય તે આપી દેવા કહ્યું: પ્રતિકાર કરતાં ખભા પર છરી ઝીંકી દીધીઃ : કાળા હૂડવાળી રિક્ષાના નંબર ન જોઇ શકાયાઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ફૂટેજ ચેક કરવા તજવીજ આદરીઃ પ્રજાપતિ યુવાન પ્રદિપે કહ્યું-હું કરગરતો રહ્યો, જે જોઇ તે લઇ લ્યો પણ મને મુકી દ્દયો તેમ કહ્યું છતાં એ લોકો રિક્ષા ઉભી નહોતા રાખતાં: ઇરાદો શું? તે અંગે રહસ્ય

રાજકોટ તા. ૧૪: શહેરમાં અગાઉ અનેક વખત લૂંટારૂ રિક્ષાગેંગ મુસાફરોને શિકાર બનાવી ચુકી છે. આ રીતે મુસાફરોને લૂંટતા ગુનેગારોને અગાઉ પોલીસે દબોચ્યા પણ હતાં. થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરીથી આવી ઘટના બની છે. જંકશન રેલ્વે સ્ટેશનથી માધાપર ચોકડીએ જવા રિક્ષામાં બેઠેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (એમ.આર.) યુવાનના ગળે છરો રાખી જે હોય તે આપી દેવા કહી ડાબા ખભે છરી ઝીંકાયા બાદ રિક્ષા જામનગર રોડ પર બગીચા પાસે પહોંચી ત્યારે આ યુવાને બચવા માટે ચાલુ રિક્ષામાંથી છલાંગ મારતાં તે વખતે તેની બેઠકના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેવાયો હતો. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં પહોંચેલા આ યુવાનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી લૂંટારૂ ત્રિપુટીની શોધખોળ આરંભી છે. હોસ્પિટલના બિછાનેથી યુવાને કહ્યું હતું કે મારી જિંદગીનો આ સોૈથી ભયાનક અનુભવ હતો!

ઘટનાની વિગતો જોઇએ તો માધાપર ચોકડી પાસે શ્રી રેસિડેન્સી બ્લોક નં. ૧૦૩માં રહેતો અને બેનકયોર લાઇફ સાયન્સ પ્રા.લિ. કંપનીમાં એમ.આર. તરીકે નોકરી કરતો વરીયા પ્રજાપતિ યુવાન પ્રદિપ બાબુભાઇ જોટાણીયા (ઉ.૨૯) પાણીઢોળની વિધી માટે સુરત ગયો હતો. ત્યાંથી રાત્રીના દસેક વાગ્યે ટ્રેન મારફત તે રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશને ઉતર્યો હતો. બહાર આવી રિક્ષા શોધતો હતો ત્યારે કાળા હૂડવાળી એક રિક્ષા આવી હતી. તેના ચાલકને માધાપર ચોકડીએ જવું છે? તેમ પુછતાં તેણે હા પાડી રૂ. ૨૦ ભાડુ નક્કી કર્યુ હતું.

પ્રદિપ રિક્ષામાં બેસી જતાં ચાલકે રિક્ષા આગળ હંકારી હતી. આશરે ૨૦૦ મિટર રિક્ષા ચાલ્યા બાદ ચાલકે ઉભી રાખતાં બીજા બે શખ્સો આવ્યા હતાં. આ બંને પ્રદિપની આજુબાજુમાં બેસી ગયા હતાં. આ બીજા મુસાફરો હોવાનું અને તેને આગળ ઉતારવાના હોવાનું ચાલકે કહ્યું હતું. રિક્ષા આગળ ચાલતી થઇ ત્યાં જમણી બાજુ બેઠેલા શખ્સે છરી કાઢી હતી અને 'જો અમારી પાસે આવી છરી હોય છે' તેવું કહેતાં પ્રદિપે શા માટે રાખી છે? એમ પુછતાં જ તેણે ગળા પર છરી મુકી દઇ મોબાઇલ ફોન પડાવવા પ્રયાસ કર્યો હતો.

આથી પ્રદિપે મોબાઇલ પકડી રાખતાં તેના ડાબા ખભા પર છરીનો ઘા ઝીંકી દેવાયો હતો. આવુ થતાં જ પ્રદિપ સમજી ગયો હતો કે તેને લૂંટવાનો ઇરાદો છે. આથી તેણે પોતાનો મોબાઇલ ફોન આપી દીધો હતો એ પછી પણ ચાલક અને બીજા ડાબી બાજુ બેઠેલા શખ્સે ગાળો દઇ જે હોય તે આપી દેવા કહ્યું હતું. દરમિયાન રિક્ષા જામનગર રોડ પર પહોંચી હતી અને થોડે આગળ ચાલતા સાંઢીયા પુલ આવી ગયો હતો. પ્રદિપે ગમે તેમ કરીને ઉતરી જવા નિર્ણય કર્યો હતો. પરંતુ રોડ પર માણસો દેખાતા ન હોઇ થોડે આગળ બગીચો આવ્યો ત્યારે અમુક માણસો દેતાં તેણે બચાવો...બચાવોની બૂમ પાડતાં લૂંટારાએ તેનું મોઢુ દબાવવા પ્રયાસ કર્યો હતો. આમ છતાં પ્રદિપ હિમ્મત કરી જીવ બચાવવા ચાલુ રિક્ષાએ કૂદી ગયો હતો.

તે કૂદ્દયો ત્યારે પાછળથી એક શખ્સે તેની બેઠક પર છરીનો ઉંડો ઘા ઝીંકી દીધો હતો. પ્રદિપની બૂમો સાંભળી લોકો ભેગા થઇ ગયા હતાં. તેણે રિક્ષાના નંબર નોંધવા લોકોને કહ્યું હતું. પરંતુ રિક્ષા ઝડપથી આગળ માધાપર ચોકડી તરફ નીકળી ગઇ હોઇ કોઇ નંબર નોંધી શકયું નહોતું.

એ પછી પ્રદિપે પોતાના ભાઇ ભાવેશ જોટાણીયાને ફોન કરતાં તે ઘટના સ્થળે આવી ગયેલ અને પ્રદિપને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ સિસોદીયા, ડી. સ્ટાફની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી. હેડકોન્સ. વી.આર. જાડેજાએ પ્રદિપની ફરિયાદ પરથી આઇપીસી ૩૯૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ લૂંટના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જંકશન રોડ, માધાપર ચોકડી સુધીના સીસીટીવી ફૂટેજ મેળવવા પોલીસે મથામણ આદરી છે.

લૂંટારાઓનો ઇરાદો શું?

હોસ્પિટલના બિછાનેથી પ્રદિપે કહ્યું હતું કે મને ભયાનક અનુભવ થયો હતો.મને ખબર પડી કે આ લૂંટારૂઓ છે ત્યારે મેં તેને મોબાઇલ આપી દીધો હતો અને મારી પાસે અમુક રોકડ હતી એ પણ આપી દીધી હતી. તેમજ મેં આજીજી કરી હતી કે મારે ઘરે નાની દિકરી છે, મને જવા દ્દયો...તમારે જે જોઇએ તે લઇ લ્યો, પણ મને ઉતારી મુકો...આવી વિનંતી કરવા છતાં એ લોકો રિક્ષા ઉભી રાખતાં નહોતાં. સાંઢીયા પુલ પર પહોંચ્યા ત્યારે એક શખ્સે હવે આગળથી રિક્ષા ડાબી બાજુ લઇ લેજે...તેમ ચાલકને કહ્યું હતું. હું જે જોઇએ તે આપી દેવા તૈયાર હતો છતાં શા માટે મને ઉતારતા નહોતાં? ડાબી બાજુ લઇ જવાનો તેનો શું ઇરાદો હતો? તે વિચારથી હું ફફડી ઉઠ્યો હતો અને ગમે તેમ કરીને રિક્ષામાંથી ઉતરી જવાનું નક્કી કરી આગળ માણસો દેખાતા જ મેં ચાલુ રિક્ષાએ છલાંગ મારી હતી અને તેના કારણે મને મોઢા ઉપર પણ ઇજા થઇ હતી.

(11:40 am IST)