Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

કોંગી ધારાસભ્યોની બેઠકઃ તૂર્તમાં મહત્વની જાહેરાત

રાજ્ય પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં આજે આખો દિવસ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ : જસદણ વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે વિરજીભાઈ ઠુંમર અને ઋત્વીક મકવાણા

રાજકોટ, તા. ૧૪ :. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના સંગઠનમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે પ્રદેશ કાર્યાલય ખાતે આખો દિવસ વિવિધ બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. જસદણ વિધાનસભા પેટાચૂંટણીને અનુલક્ષીને સવારે એક બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયા હતા. જેમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પાટીદાર તથા કોળી સમાજના ધારાસભ્યો વિરજીભાઈ ઠુંમર અને ઋત્વીક મકવાણાને પ્રભારી અને નિરીક્ષક તરીકેની બેવડી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ લખાય છે ત્યારે ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. જેમાં વિધાનસભાના ઘેરાવ સહિત વિવિધ બાબતે ચર્ચાનો દોર શરૂ થયો છે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠનને લઈને જબરો ધમધમાટ શરૂ થયો છે. તૂર્તમાં શહેર જિલ્લા પ્રમુખો, વિપક્ષી નેતા અને પ્રદેશ સંગઠનના વિસ્તરણ માટેની જાહેરાતની સંભાવના છે ત્યારે કોંગ્રેસે આગામી લોકસભા, વિધાનસભાની ચૂંટણી અને તૂર્તમાં યોજાનાર તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓને લઈને આજે આખો દિવસ મીટીંગોનો ધમધમાટ શરૂ થયો છે.

કોંગી સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગામી પાંચેક દિવસમાં શહેર જિલ્લા પ્રમુખ, મહાનગરપાલિકાના કોંગી પક્ષના નેતા અને પ્રદેશ માળખામાં ફેરફાર સહિતના નિર્ણયોની જાહેરાત થનાર છે ત્યારે આજે રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા સંખ્યાબંધ પ્રદેશ કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ખાતે સવારથી વિવિધ બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. આજે સવારે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંગે કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢવા પણ ઝીણવટભરી ચર્ચા કર્યાનંુ પણ જાણવા મળે છે.

આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપ પ્રવેશ કરનાર અને કેબીનેટ મંત્રી બનેલા કુંવરજીભાઈ બાવળીયાને પરાસ્ત કરવા માટેની રણનીતિ ઘડી કઢાયાનું મનાય છે. જસદણની પેટાચૂંટણીમાં રણનીતિની બાગડોર બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તથા ચોટીલાના ધારાસભ્ય અને જસદણ માટે સ્થાનિક આગેવાન ગણાતા ઋત્વીક મકવાણાને મહત્વની જવાબદારી સુપ્રત થયાનું જાણવા મળે છે.

આજે બપોરે ૩ વાગ્યે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે રાજ્ય પ્રભારી પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા, પૂર્વ પ્રદેશ પ્રમુખો, પૂર્વ વિપક્ષી નેતાઓની ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા શરૂ થઈ છે. એમ મનાય છે કે, આજે અથવા આવતીકાલે મહત્વની જાહેરાતો કરવામાં આવશે.(૨-૨૩)

(3:42 pm IST)