Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ગોવામાં જૂગારમાં ૩૮ લાખ હારી જનાર તંતી પાર્કના કોન્‍ટ્રાક્‍ટરને ઉઘરાણી માટે ધમકીઃ ઘર પર પાણાવારી

માલવીયાનગર પોલીસે યશપાલસિંહ, રાજવીર, બે અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ ગોવા હોટેલ રાખી રાજકોટના જૂગારીઓને વ્‍યવસ્‍થા કરી અપાતી હોઇ ત્રણ મહિના પહેલા દિનેશભાઇ ઉર્ફ પાયલ, મોરબીના ગોપાલભાઇ, રાજકોટના નિકુંજ, હરિશ તથા કમલેશ તન્‍ના રમવા ગયા હતાં : ત્રણ મહિના પહેલા રાજકોટ-મોરબીના પાંચ જણાને યશપાલસિંહ જાડેજા રમવા લઇ ગયેલ, ત્‍યારે દિનેશભાઇ ઉર્ફ પાયલ પટેલ લાખો રૂપિયા હારી ગયેલઃ તેની ઉઘરાણીનો ડખ્‍ખો

રાજકોટ તા. ૧૩: શહેરમાં પોલીસની ભીંસ વધતાં જૂગારના શોખીનોને બાય એર છેક ગોવા સુધી લઇ જઇ ત્‍યાં જૂગાર રમવાની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવતી હોવાની વાત નવી નથી. દરમિયાન ગોવામાં   ત્રણ મહિના પહેલા રાજકોટથી જૂગાર રમવા ગયેલા રાજકોટ-મોરબીના ચાર પૈકીના તંતી પાર્કમાં રહેતાં પટેલ કોન્‍ટ્રાક્‍ટર જૂગારમાં રૂા. ૩૮ લાખ હારી ગયેલ હોઇ આ રકમની દરબાર શખ્‍સ સહિતના ત્રણ જણે ફોનમાં ઉઘરાણી કરી ગાળો દઇ તેમજ ગઇકાલે પણ સતત ફોન કરી ‘અમે તારા ઘરે આવીએ છીએ, તું નીચે ઉતર તને જોઇ લેવો છે' તેવી ધમકી આપ્‍યા બાદ ચાર શખ્‍સોએ કોન્‍ટ્રાકટરની ઘરે આવી ધમાલ મચાવી ઘર પર પથ્‍થરમારો કરતાં ચકચાર જાગી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ડખ્‍ખો કરનાર દરબાર શખ્‍સ કોન્‍ટ્રાક્‍ટર સહિતનાને ગોવા જૂગાર રમવા લઇ ગયાનું જણાવાયું હતું.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે સિલ્‍વર સ્‍ટોન મેઇન રોડ પર તંતી પાર્ક સોસાયટીમાં રહેતાં ઇલેક્‍ટ્રીક કામના કોન્‍ટ્રાક્‍ટર દિનેશભાઇ ઉર્ફ પાયલ દેવજીભાઇ વોરા (પટેલ) (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી યશપાલસિંહ જાડેજા, રાજવીર, ૯૬૦૧૭  ૦૦૦૦૦ નંબરનો ધારક તથા અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૩૭, ૨૯૪ (ખ), ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો છે. દિનેશભાઇ ઉર્ફ પાયલ જૂગારમાં ૩૮ લાખ રૂપિયા હારી ગયેલ હોઇ તેની ઉઘરાણી મામલે આરોપીઓએ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી ઘરના દરવાજા પર પથ્‍થરમારો કર્યાનો આરોપ મુકાયો છે.
દિનેશભાઇ ઉર્ફ પાયલે જણાવ્‍યું છે કે હું છુટક ઇલેક્‍ટ્રીક કામના કોન્‍ટ્રાકટ રાખી કામ કરુ છું. ત્રણેક મહિના પહેલા હું યશપાલસિંહ જાડેજા સાથે ગોવા ડેલ્‍ટીન રોયલ કસીનોમાં જૂગર રમવા ગયો હતો. ત્‍યાં હું રૂા. ૩૮ લાખ હારી ગયો હતો. એ પછી યશપાલસિંહે આ ૩૮ લાખની મારી પાસે વારંવાર ફોનથી ઉઘરાણીઓ ચાલુ કરી હતી. યશપાલસિંહ જાડેજા પોતે ગોવા ખાતે હોટેલના રૂમ બૂક કરાવી ફલાઇટ મારફત ગોવા ખાતે માણસોને જૂગાર રમવા એકઠા કરી ત્‍યાં જૂગાર રમવાની વ્‍યવસ્‍થા કરી આપે છે.
શુક્રવારે તા. ૧૨/૮/૨૨ના રાત હું મારા ઘરે હતો ત્‍યારે સાડા નવેક વાગ્‍યે યશપાલસિંહ જાડેજાએ મોબાઇલમાંથી ફોન કરીને મારી ૩૮ લાખની ઉઘરાણી કરી મને બેફામ ગાળો દીધી હતી. મેં તેને ગાળો દેવાની ના પાડતાં તેણે મારી નાખવાની ધમકી આપી હતી. થોડા સમય પછી મારા મોબાઇલમાં રાજવીરે ફોન કરી તેણે પર હું ગોવામાં જૂગારમાં ૩૮ લાખ હારી ગયો હોઇ તે રકમની ઉઘરાણી કરી ગાળો આપી હતી. તેમજ એવું કહ્યું હતું કે અમે બધા તારી ઘરે આવીએ છીએ તું નીચે ઉતર આજે તને જોઇ લેવો છે તેમ કહ્યું હતું.
ત્‍યારબાદ અન્‍ય એક મોબાઇલ નં. ૯૬૦૧૭ ૦૦૦૦૦માંથી મને ફોન આવ્‍યો હતો અને ગંદી ગાળો આપી કહ્યું હતું કે તું નીચે ઉતર અમે તારા ઘરની બહાર ઉભા છીએ. ત્‍યારબાદ મારા ઘરની ડોરબેલ વાગતાં મેં રવેશમાંથી જોતાં યશપાલસિંહ, રાજવીર અને બે અજાણ્‍યા મારા ઘરની બહાર રોડ પર ઉભેલા જોવા મળ્‍યા હતાં. જેથી મેં મારા ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. હું અને મારા પત્‍નિ ચેતનાબેન બારીમાંથી જોતાં હતાં ત્‍યારે યશપાલસિંહ અને રાજવીર તથા બે અજાણ્‍યાએ પથ્‍થરમારો કર્યો હતો. મારા ઘરના દરવાજા પર ભારે પથ્‍થરમારો થતાં મેં પોલીસને ફોન કરતાં પોલીસ આવી હતી. જો કે એ પહેલા યશપાલસિંહ, રાજવીર અને બે અજાણ્‍યા ભાગી ગયા હતાં. ત્‍યારબાદ હું પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો.
દિનેશભાઇ ઉર્ફ પાયલે વધુમાં જણાવ્‍યું હતું કે હું ત્રણેક મહિના પહેલા ગોવા જૂગાર રમવા ગયો હતો. ત્‍યારે મારી સાથે મોરબીના ગોપાલભાઇ, રાજકોટના હરિશ પટેલ, નિકુંજ લોહાણા, કમલેશ તન્‍ના પણ જૂગાર રમવા આવ્‍યા હતાં. હું ત્‍યારે આડત્રીસ લાખ હારી ગયો હોઇ તેની ઉઘરાણી યશપાલસિંહ સહિતનાએ કરી ધમકી આપી ઘરે આવી ઘર પર પથ્‍થરમારો કર્યો હતો. પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં એએસઆઇ જી. વાય. પંડયાએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ શરૂ થઇ છે.

 

(11:59 am IST)