Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સરધારના હલેન્ડામાં ચોરની પોતાની સ્ટાઇલથી તહેવારોની ઉજવણીઃ નારણભાઇ મુંધવાના ઘરમાંથી રિવોલ્વર-કાર્ટીસની ચોરીઃ પડોશીના ઘરમાંથી ૩ મોબાઇલ ગયાઃ ગામના પાદરે સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ

રાજકોટઃ તસ્કરોએ તહેવારની ઉજવણી પોતાની સ્ટાઇલથી કરી છે. રાજકોટના સરધાર તાબેના હલેન્ડામાં ભરવાડ પરિવારના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો પરવાના વાળી રિવોલ્વર, કાર્ટીસ તથા પાછળ રહેતાં પરિવારના ઘરમાંથી ત્રણ મોબાઇલ ફોન ચોરી ગયા છે. આ ઉપરાંત ગામના પાદરની સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવમાં આજીડેમ પોલીસે સરધારના હલેન્ડામાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં નારણભાઇ ચોથાભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

પંદરેક દિવસથી નારણભાઇ અને તેના પત્નિ વનીબેન સાતમ આઠમનો તહેવાર આવતો હોઇ જેથી દિકરાઓને ત્યાં રોકાવા આજીડેમ ચોકડી પાસે સત્યમ પાર્કમાં ગયા હતાં. ત્યાંથી સાંજે હલેન્ડા વાડીએ આટો મારી આવતા હતાં. ૧૧/૮ના સવારે નવેક વાગ્યે તે રાજકોટથી હલેન્ડા જતાં ઘરે માતાજીના મઢમાં દિવાબત્તી કર્યા બાદ રોકાઇ ગયા હતાં. સાંજે ચારેક વાગ્યે હલેન્ડાના રહેણાંકને તાળા મારી રાજકોટ પરત દિકરાના ઘરે આવી ગયા હતાં. ૧૩મીએ ગઇકાલે સવારે પોતે દિકરાના ઘરે હતાં ત્યારે ભત્રીજા અજયભાઇ વનરાજભાઇ ગમારાએ ફોન કરી જાણ કરી હતી કે હલેન્ડામાં તમારા ઘરના દરવાજા ખુલ્લા છે. આથી પોતે ત્યાં પહોંચ્યા હતાં અને ઘરે જઇ જોતાં પતરાની તિજોરીના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતાં. તેમાં રાખેલી લાયસન્સ વાળી ૩૨ બોરની રિવોલ્વર અને ૧૦ કાર્ટીસ જોવા મળ્યા નહોતાં.

તિજોરીનો સામાન પણ વેરવિખેર હતો. આ તિજોરીમાં માત્ર રિવોલ્વર અને કાર્ટીસ જ રાખ્યા હતાં. બીજા કિંમતી દાગીના રાખ્યા નહોતાં. આ ઉપરાંત નારણભાઇના ઘરની પાછળની શેરીમાં રહેતાં વિજયભાઇ રૂપાભાઇ ખુમાણના ઘરમાંથી રૂ. ૬૦૦૦ના બે મોબાઇલ ફોન તથા અન્ય એક ૯૦૦૦નો ફોન ચોરાઇ ગયો હતો. આ ઉપરાંત તસ્કરોએ હલેન્ડાના પાદરમાં આવેલી સહકારી મંડળીની કચેરીના તાળા તોડવા પણ પ્રયાસ કર્યો હતો.

જે રિવોલ્વર ચોરાઇ ગઇ તેની કિંમત રૂ. ૬૫ હજાર તથા કાર્ટીસના ૧૦૦૦ ગણાયા છે. આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જી. એન. વાઘેલાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:33 pm IST)