Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજકોટમાં ખળભળાટઃ પુનિતનગર પાસે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પરથી દાહોદના મજૂરની ૬ વર્ષની દિકરી ગઇકાલે ગૂમ થયા બાદ આજે ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી

તસ્વીરમાં જ્યાંથી બાળા ગૂમ થઇ હતી તે વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ, બાળમા જ્યાં પરિવાર સાથે રહેતી હતી તે મજૂરો માટેની ઓરડી, તેની લાશ જ્યાંથી મળી તે જગ્યા (પ્રથમ તસ્વીર), ઘટના સ્થળે પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટઃ શહેરમાં ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં જ ઓરડી બનાવીને રહેતાં મુળ દાહોદના ગરબાડા તાબેના નિમસ ગામના અરવિંદભાઇ રસીયાભાઇ ડામોર (ઉ.વ.૨૬)ની દિકરી નેન્સી (ઉ.વ.૬) ગઇકાલે ૧૩મીએ બપોરે ત્રણથી ચારની વચ્ચે વૃંદાવન ગ્રીન સીટી સાઇટની મજૂરોની રહેણાંક ઓરડીમાંથી ગૂમ થઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારે આ માસુમ બાળકીની પુનિતનગર પાસે જ ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છેઃ તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન.ડી. ડામોર તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે.

બનાવ અંગે ગઇકાલે તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલી બાળાના પિતા અરવિંદભાઇ અમલીયારની ફયિરાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાળાની તપાસ મધરાત સુધી હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે તેની હત્યા કરાયેલી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અપહરણની ફરિયાદમાં અરવિંદભાઇ અમલીયારે જણાવ્યું હતું કે હું હાલ પરિવાર સાથે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પર રહુ છું અને મારા બાજુના ગામ સીમળીયા બુજુર્ગની રેખા સાથે પ્રેમસંબંધ હોઇ તેની સાથે ૨૦૧૨માં લવમેરેજ કર્યા હતાં. લગ્ન જીવનમાં એક દિકરી નેન્સીનો જન્મ થયો હતો. જે હાલ ૬ વર્ષની હતી. એ પછી રેખા સાથે મારે છુટાછેડા થઇ ગયા હતાં. નેન્સી મારી સાથે જ રહેતી હતી. ૨૦૧૫મા ખરેડી ગામની કાળીબેન સાથે મેં લવમેરેજ કર્યા છે. તેના થકી સંતાનમાં એક દિકરી કિર્તી (ઉ.વ.૩) છે. બંને દિકરી અને પત્નિ સાથે છએક વર્ષથી હું રાજકોટમાં રહુ છું.

ગુરૂવારે ૧૩મીએ બપોરે ત્રણેક વાગ્યે હું પરિવાર સાથે સાઇટ પર ઓરડીમાં હતો. દિકરી નેન્સી ઘર પાસે રમવા ગઇ હતી. મારી પત્નિ કાળીને નેન્સી પોતે શેરીમાં રમવા જાય છે તેમ કહીને ગઇ હતી. આ વખતે હું સુઇ ગયો હતો. સાંજે ચારેક વાગ્યે જાગ્યો ત્યારે દિકરી જોવા મળી નહોતી. પત્નિ કાળીએ તે રમવા ગયાનું કહ્યું હતું. દિકરી જોવા ન મળતાં હું તથા મારી પત્નિ તેમજ બાજુમાં રહેતો કરણભાઇ સહિતના નેન્સીને શોધવા નીકળ્યા હતાં. પરંતુ તેનો પત્તો મળ્યો નહોતો. સગા સંબંધી ઓળખીતાઓને પણ પુછ્યું હતું. પરંતુ પત્તો ન મળતાં અંતે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

ગત રાતે પીઆઇ જે. વી. ધોળા અને સ્ટાફે સગીર બાળા ગુમ થઇ હોઇ તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યાં આજે સવારે આ બાળાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બાળા સાથે બળજબરી તો થઇ નથી ને? તે સહિતના સવાલોનો જવાબ મેળવવા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે.

(12:28 pm IST)
  • હાથ તો મિલાવ્યા, થોડું હાસ્ય પણ આપ્યું... પણ ચહેરાના સાચા ભાવ માસ્ક પાછળ છુપાઇ ગયા. access_time 2:00 pm IST

  • કોરોનાની સ્થિતિને લઇને ગુજરાતની ખાલી પડેલી 8 બેઠક પર યોજાનારી પેટાચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા: આવતીકાલે લેવાઇ શકે નિર્ણય access_time 12:39 am IST

  • બ્રાઝિલનું જંગી ભ્રષ્ટાચાર કૌભાંડ !! ભારતીય કંપનીઓ જેકે ટાયર, હેમિટન ગ્રુપ અને ડાયમંડ કંપની કેપી સંઘવી એન્ડ સન્સને બ્રાઝિલ તરફથી જંગી ભંડોળ મળ્યું હોવાનો ધડાકો : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે એક્શનમાં આવ્યું અને તમામ બેંક ખાતાઓ ફ્રિઝ કર્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 1:13 pm IST