Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કરોડોના જીએસટીની ચોરીના આરોપી સંદિપ ચનીયારાની જામીન અરજી સેશન્સે પણ ફગાવી

આવું કૃત્ય દેશના અર્થતંત્ર ઉપર માઠી અસર પહોંચાડે છેઃ એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવાર : જુદી જુદી પેઢીઓના નામે ૨૫૯ કરોડના ફ્રોડયુલન્ટ વહેવારો કર્યાઃ ૪૬ કરોડના જીએસટીની જંગી ચોરી : સંદિપ ચનીયારાએ કહ્યું તેને ખોટી રીતે સંડોવવામાં આવેલ છેઃ કેન્દ્ર સરકારના સ્પે. પબ્લિક પ્રોસીકયુટર નરેશ સિનરોજાએ પુરાવાઓ સાથે જોરદાર દલિલો કરી

રાજકોટ :. અહીંના સેન્ટ્રલ જીએસટી હેડ કવાર્ટર તરફથી જીએસટીના બોગસ બીલીંગ અને ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ઈન્વેસ્ટીગેશન કર્યુ તો એવુ બહાર આવ્યુ કે મે. ચનીયારા બુલીયન લી.ના ડાયરેકટર અને આવી બીજી ૬ થી ૯ પેઢીઓનો પડદા પાછળ રહીને વહીવટી કરતાં સંદીપ ચનીયારાનું નામ બહાર આવ્યું અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરીને એવો આરોપ લગાવવામાં આવેલ કે જુદી જુદી પેઢીઓના નામે રૂ. ૨૫૯ કરોડના Fraudulent Transaction કરીને સરકારી તિજોરીને રૂ. ૪૬,૬૪,૮૨,૭૦૩ /- ના જીએસટીના ટેક્ષની ચોરી કરવામાં આવેલ છે અને આ આરોપ સબબ આરોપી સંદીપ ચનીયારાની ધરપકડ કરીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ. જે સામે આરોપી સંદીપ ચનીયારાએ રાજકોટની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરેલ અને તે અરજી રદ કરવામાં આવેલ.

ત્યારબાદ આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં ફરી જામીન અરજી કરેલ. આ જામીન અરજીમાં એવું જણાવેલ કે આરોપીની સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વીસ ટેક્ષ ૨૦૧૭ની કલમ-૧૩૨(૧)(બી) અને કલમ-૧૩૨(૧)(સી) મુજબના કામે તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને વધારેમાં એવી રજૂઆત કરેલ કે તેમને ખોટી રીતે સંડોવવામાં આવેલ છે અને તેમણે કોઈ ગુનો કરેલ નથી અને જામીન ઉપર છોડવાની વિનંતી કરવામાં આવેલ હતી.

આ જામીન અરજી સામે સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી નરેશ સીનરોજાએ રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવાર સમક્ષ જીએસટી ડીપાર્ટમેન્ટ તરફથી લેખીત વાંધાઓ રજુ કરીને જામીન અરજીનો વિરોધ કરીને એવી રજૂઆત કરવામાં આવેલ કે સંદીપ ચનીયારાએ રેકર્ડ ઉપર આઠથી નવ પેઢીઓ જુદા જુદા વેપારીઓના નામે ખોલી અને આ બધી પેઢીઓના મુખ્ય સૂત્રધાર સંદીપ ચનીયારા છે અને આ બધા પાસેથી બેંકમા ખાતા ખોલાવવા માટે કેવાયસીના દસ્તાવેજો લઈને બેંક ખાતા ખોલાવેલ અને ત્યારબાદ આ બધી પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન પણ લેવામાં આવેલ અને આમ સેન્ટ્રલ જીએસટી એકટની કલમ-૧૬ (૨) તથા કલમ-૧૩૨(૧) (આઈ) તથા ૧૩૨(૧)(બી)(સી) તથા કલમ-૧૩૫(૫) પ્રમાણે ગુનાહીત કૃત્યો કરેલા છે.

કલમ-૧૩૨ની જુદી જુદી પેટા કલમો પ્રમાણે જે વ્યકિતઓના માલ સપ્લાય કર્યા વગર ફકત બીલ જ બનાવે અને ખોટી રીતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ લ્યે તેવા લોકો તથા પેઢીઓએ ગુન્હાપાત્ર કાર્ય કરેલ છે અને આવા ટેક્ષ ક્રેડીટના રૂપીયા પાંચ કરોડ કરતા વધારે રકમની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લીધી હોય તો કાયદામાં ૫ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

સંદીપ ચનીયારા તેમજ તેની સાથે મળીને આવુ કૃત્ય કરનારાના સેન્ટ્રલ જીએસટીના કાયદાની જોગવાઈ મુજબ નિવેદનો લેવામાં આવેલા હતા અને આ બધા નિવેદનોમાં ગુન્હો કબુલ કરેલ અને માલ સપ્લાય કર્યા વગર કેવી રીતે 'ફ્રોડ' કરીને જુઠા બીલો વગેરે ઉભા કરેલ છે તેવુ પણ કબુલ કરેલ છે. આ ગુન્હાઓના અનુસંધાને આરોપી સામે કાયદેસર પગલા લેવા માટે સેન્ટ્રલ જીએસટી હેડ કવાર્ટર રાજકોટ કમિશ્નરશ્રીએ લેખીત મંજુરી પણ આપેલ.

જામીન અરજીનો વિરોધ કરવા માટે એવી પણ રજુઆત કરવામાં આવેલ કે સંદીપ ચનીયારા સામે હજી તપાસ ચાલુ છે અને તેમની સાથે સંકળાયેલ વ્યકિતઓ / પેઢીઓના નિવેદનો પણ હજુ લેવાના છે. જો સંદીપ ચનીયારાને આ તબક્કે જામીન ઉપર છોડવામાં આવે તો તેઓ રેકર્ડ સાથે ચેડા પણ કરે તથા અન્ય જે લોકો આવા કૌભાંડમાં સંડોવાયેલ છે તેઓની હજુ ધરપકડ કરવાની બાકી છે તેમના ઉપર પણ પોતે લાગવગ લગાવી દબાણ કરે.

સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી નરેશ સીનરોજા મારફત જામીન અરજીનો વિરોધ કરવા માટે આરોપીઓના નિવેદનો પણ કોર્ટમાં રજુ કરવામાં આવેલા. તેમજ આ અંગે ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ રજુ કરવામાં આવેલ હતા.

બન્ને પક્ષોની દલીલ સાંભળીને તેમજ અદાલતમાં રજુ થયેલ રેકર્ડ ધ્યાને લઈને રાજકોટના વિદ્વાન એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવાર ટુંકમાં એવુ તારણ આપવામાં આવેલ કે આ કામે હાલના આરોપી સામે રૂપિયા ૪૬ કરોડની જીએસટી કર ચોરી એટલે કે રૂપિયા પાંચ કરોડ કરતા વધારે કર ચોરીનો આક્ષેપ છે. જે જોતા આરોપી સામે બીનજામીન લાયક ગુન્હાનો આક્ષેપ છે. વધુમાં આરોપી સામે તપાસ ચાલુ છે. તે જોતા આરોપીનું આવુ કૃત્ય દેશના અર્થતંત્ર પર બહુ જ માઠી અસર પાડી શકે તેવી શકયતા છે તે સંજોગોમાં આરોપીને જામીન પર મુકત કરવા ઉચિત જણાતું નથી.

અને આમ છેવટે રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ મેડમ પવારે આરોપી સંદીપ મગનલાલ ચનીયારાની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામમાં ભારત સરકારના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નરેશ સીનરોજાએ સેન્ટ્રલ જીએસટી વતી હાજર રહીને દલીલો કરેલ.

કેન્દ્ર સરકારના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નરેશ સિનરોજા

(મો. ૯૮૨૫૦ ૭૬૫૭૫)

(3:53 pm IST)