Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાજપના ગીરીશ ભીમાણીએ ધોકો પછાડ્યો... ૫ કર્મચારીઓને કાયમી કરો : સીન્ડીકેટ ખોરવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિસ્ત અને સંકલનના લીરા ઉડ્યા... : બે કલાકની સમજાવટ બાદ પણ ભીમાણી અડગ રહ્યા : નવી કોલેજોનો મુદ્દો ટલ્લે ચડ્યો

રાજકોટ, તા. ૧૪ : શિસ્તબદ્ધ ગણાતી  ભારતીય જનતા પક્ષમાં હવે કોઈક મુદ્દે સિનીયર આગેવાનો જ શિસ્ત અને સંકલનનો બુકડો બોલાવી ધાર્યુ કામ કરાવતા હોય છે. આવો જ એક બનાવ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બન્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંકલન ન રહેતા પાર્ટીના કાર્યકરો બે વિભાગમાં વહેચાયા છે. આજે મળેલી સીન્ડીકેટની બેઠકમાં તો ભાજપના સીનીયર આગેવાન અને સીન્ડીકેટ સભ્ય ગીરીશ ભીમાણીએ તેનો આક્રમક મિજાજના દર્શન કરાવી ધોકો પછાડ્યો હોય તેમ સીન્ડીકેટ ચાલવા જ ન દીધી હતી.

સીન્ડીકેટની બેઠક આજે સવારે ૧૨ કલાકે શરૂ થવાની હતી પરંતુ બેઠકના પ્રારંભે જ લાલઘૂમ ગીરીશ ભીમાણીએ સૌપ્રથમ ગત સીન્ડીકેટની બેઠકમાં થયેલી ચર્ચાને આધારે પાંચ કર્મચારીઓને કાયમી કરવાની જીદ પકડી હતી.

કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી તેમજ સીન્ડીકેટ સભ્યો નેહલ શુકલ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી, ભરત રામાનુજ સહિતનાએ સમજાવટ કરવા છતા ગીરીશ ભીમાણી ટસ ના મસ ન થયા હતા અને એક તબક્કે તો ખુલ્લો લલકાર કર્યો હતો કે પ્રથમ ૫ કર્મચારીઓને કાયમી કરો તો જ સીન્ડીકેટ ચાલશે. ગીરીશ ભીમાણીનો આકરો મિજાજ પારખી ગયેલા કેટલાક સિન્ડીકેટ સભ્યોએ પ્રથમ ભોજન કરી લીધા બાદ આગળ ચર્ચા કરશે. અત્યારે લખાય છે ત્યારે બપોરે ૨:૩૦ કલાક સુધી સીન્ડીકેટ ચાલુ થઈ નથી.

ગીરીશ ભીમાણીના ઉગ્ર વલણથી ભાજપના આગેવાનો પણ ચકિત થઈ ગયા છે. આજની સીન્ડીકેટની બેઠકમાં નવી કોલેજની મંજૂરીનો મુદ્દો પણ ટલ્લે ચડવાની શકયતા બળવતર બની છે.

(3:50 pm IST)