Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

તારા પિતાએ કરિયાવરમાં કાંઇ આપ્યુ નથી, નવી વસ્તુ લઇ આવ... નજરાના શેખને ત્રાસ

રાજકોટ અંકુર સોસાયટીમાં રીસામણે આવેલી પરિણીતાની ફરિયાદઃ જૂનાગઢ રહેતો પતિ ઇરફાન શેખ, સાસુ રેશ્માબેન,સસરા બોદુભાઇ દીયર ઇમ્તીયાઝ, જેઠાણી સુફીયા નણંદ નસીમ અને નીલોફર સામે ગુનો

રાજકોટ તા.૧૪: શહેરના દેવપરા મેઇન રોડ પર આવેલ અંકુર સોસાયટીમાં માવતર ધરાવતી મુસ્લીમ પરિણીતાને કરિયાવર તથા ઘરકામ બાબતે જુનાગઢમાં રહેતો પતિ-સાસુ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દેવપરા રોડ ભવાની ચોક પાસે અંકુર સોસાયટી શેરી નં.૯માં માવતરના ઘરે રિસામણે આવેલી નજરાના ઇરફાન ઉર્ફે જાવીદ શેખ (ઉવ.૨૭)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જૂનાગઢ સુખનાથ ચોકમાં આવેલ અલહર્રમ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતો પતિ ઇરફાન શેખ, સાસુ રેશ્માબેન શેખ, સસરા બોદુભાઇ શેખ, જેઠ ઇમ્તીયાઝ શેખ, જેઠાણી સુફીયા ઇમ્તીયાઝ શેખ, નણંદ નસીમ સમદભાઇ તથા ગીર સોમનાથ રહેતી નણંદ નીલોફર નામ આપ્યા છે. નજરાના શેખે ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના નવ મહિના પહેલા જૂનાગઢના ઇરફાન ઉર્ફે જાવીદ બોદુભાઇ શેખ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે સંયુકત પરિવારમાં રહેતી હતી લગ્નની શરૂઆતથી જ સસરા બોદુભાઇ, સાસુ રહેમતબેન જેઠ ઇમ્તીયાઝ અને જેઠાણી સુફીયા તથા નણંદ નસીમ અને નિલોફર તમામ પોતાની સાથે નાની-નાની વાતમાં ઝઘડો કરતા અને પતિ મારકુટ કરતો હતો. અને કહેતો કે 'તને તારાબાપે કરિયાવરમાં કંઇ આપેલ નથી તો તારા મા-બાપને કહે નવી બધી વસ્તુ લઇ આવે' તેમ અવાર નવાર મેણાટોણા મારતો હતા. બે મહિના પહેલા સાસુએ ફોન કરી મારાપિતાને બોલાવી અને તેની સાથે મોકલી દીધેલ બાદ પોતે પિયરમાં રાજકોટ આવી હતી. છતાં બંને નણંદ નીલોફર અને નસીમ રાજકોટ ખબરઅંતર પૂછવાના બહાનો આવી ગાળો આપી ઝઘડો કરી જતા રહ્યા હતા. આ મામલે પોતે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ સાસરિયાઓના ત્રાસને લીધે ગઇ કાલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એન.સી.ડાંગરે તપાસ આદરી છે.

(3:26 pm IST)