Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાલે રક્ષાબંધન : ભાઇ બહેનનો પ્રેમ સ્નેહના તાંતણે ગુંથાશે

ભાઇના કાંડે રાખડી બાંધી બહેનડીઓ આશીર્વાદ વરસાવશે :ભુદેવો દ્વારા નવી જનોઇ ધારણ કરવા થયા સામુહીક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૪ : કાલે વીરાઓના કાંડા બહેનડીએ બાંધેલ રાખડીઓથી ઝગમગી ઉઠશે. કાલે શ્રાવણ સુદ પૂનમ. રક્ષાબંધનનું પર્વ!

આમ તો આ તહેવાર બળેવથી પણ ઓળખાય છે. આ દિવસે બહેની વહાલસોયા વીરાના કાંડે સુતરણા તાંતણારૂપે રાખડી બાંધી તેની સુખાકારીની કામના કરે છે. તો વળી ભુદેવો પણ પોતાના યજમાનોને રાખડી બાંધી સુખાકારીના આશિર્વચનો આપે છે.

આ રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે. એમ તો રાખડી માતા પણ પોતાના દિકરાને રક્ષા કવચ રૂપે બાંધી શકે છે. માતા કુન્તાએ રણ મેદાનમાં જઇ રહેલ અભિમન્યુને કાંડે રાખડી બાંધી હતી.

રાખડી બજારમાં આજે છેલ્લી ઘડીની ખરીદી જોવા મળશે. રાખડી બાંધ્યા બાદ ભાઇ બહેન પરસ્પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાંબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી નિકળી પડી છે.

શાળા કોલેજોમાં એક દિવસ પુર્વે જ વિદ્યાર્થી ભાઇ બહેનો રાખડી બાંધી આ તહેવારની ઉજવણી કરે છે. અમુક સંસ્થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે.

કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ શુભ મુહુર્તમાં કરે છે. જેથી રાજકોટમાં અનેક સ્થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

 ચિત્રકુટ રામજી મંદિરે બળેવ પર્વે ડ્રાયફ્રુટના હિંડોળ દર્શન

ચિત્રકુટધામ રામજી મંદિર, ૪-ધર્મજીવન સોસાયટી, ભકિતનગર સર્કલ પાસે નીજ મંદિરમાં કાલે ગુરૂવારે રક્ષાબંધન-બળેવ પર્વ ધામધૂમથી ઉજવાશે. સવારે ૬ વાગ્યે મંગળા આરતી દર્શન, બાદમાં શ્રી નર્મદેશ્વર મહાદેવજીને શોડષોપચાર, રાજોપચાર પૂજન, અભિષેક અને ગોપી સત્સંગ મંડળ દ્વારા ધૂન ભજન તેમજ જનોઇ બદલવા અને રાખડી બાંધવાના કાર્યક્રમો થશે. શ્રી ગોકર્ણદાસજી દ્વારા સંગીતમય શૈલીમાં રામચરીત માનસ પારાયણના પાઠ ચાલી રહયા છે. ઠાકોરજીને ડ્રાયફ્રુટના હિંડોળે ઝુલાવાશે. ભાવિકોએ દર્શનનો લભા લેવા અનુરોધ કરાયો છે. રાત્રે ૮.૩૦ વાગ્યે નીમુબેન જીતુભાઇ પરમાર પરિવાર દ્વારા રૂદ્રાભિષેક ૧૦૮ દિપદાન સાથે મહાઆરતી થશે.

દાળેશ્વર મહાદેવ મંદિરે સમુહ જનોઇવિધિ

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ (દાળીયા) ના અધ્યક્ષ અનંતભાઇ ભટ્ટ, પ્રફુલભાઇ જોષીની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ કાલે બળેવ પર્વે દાળેશ્વર દાદાને રૂદ્ર અભિષેક થશે. સવારે ૯ વાગ્યે ભુદેવો દ્વારા સમુહમાં જનોઇ બદલવાની વિવિ થશે. બપોરે ૧૨ વાગ્યે ધર્મસભા અને બાદમાં ફરાળી મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ જ્ઞાતિ પરિવારોએ ઉપસ્થિત રહેવા અને વધુ માહીતી માટે મો.૯૮૨૫૦ ૭૮૧૩૧ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

(3:25 pm IST)