Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા રવિવારે સામાન્ય સભા

વિવિધ સમિતિઓમાં સભ્યો - હોદ્દેદારોની નિમણુંક કરાશે : જ્ઞાતિજનોને સમયસર ઉપસ્થિત રહેવા નરેન્દ્રભાઈ સોલંકીનું આહવાન

રાજકોટ, તા. ૧૪ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારની સામાજીક - સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન જ્ઞાતિના લોકો વધુને વધુ એકબીજા સાથે હળી - મળી સંગઠિત બને તે માટે આવા પ્રકારના આયોજનો થતા હોય છે. આ માટે વિવિધ પ્રકારની સમિતિઓ અને મંડળોની રચના કરી વિવિધ કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતા હોય છે. જેમાં કાલાવડ રોડ રાજકોટ ખાતે આવેલ મોહનમાંડણ વિદ્યાર્થી ભવન, જાગનાથ સોસાયટી રાજકોટ ખાતે આવેલ વાડીનું સંચાલન, લોહાણાપરા ખાતે આવેલ વાડીનું સંચાલન, વિદ્યાર્થી મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ તથા લાઈબ્રેરીમાંથી પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ, નવરાત્રી દરમિયાન રાસગરબા મહોત્સવ, સાંસ્કૃતિ અને રમતગમત સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ, શ્યામવાડી ટ્રસ્ટ દ્વારા ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે આવેલ શ્યામવાડીનું સંચાલન જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે તેઓની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી આગામી તા.૧૮ના રવિવારે રાત્રે ૮ કલાકથી શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, ભકિતનગર સર્કલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે. રાત્રીના ૮:૩૦ કલાક બાદ કોઈપણ વ્યકિતને સામાન્ય સભામાં પ્રવેશ આપવામાં આવશે નહિં. જેની સર્વે જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી અને સામાન્ય સભામાં સમયસર ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયુ છે.

આ મીટીંગમાં જ્ઞાતિ સમસ્તના મુખ્ય કારોબારી સભ્યો, શ્રી શ્યામવાડી ટ્રસ્ટ સમિતિ, વિદ્યાર્થી મંડળ સમિતિ, મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમિતિ, સાંસ્કૃતિક અને રમતગમત સમિતિ તથા અન્ય સમિતિઓ અને મંડળોના સભ્યોની ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા સંપૂર્ણપણે સર્વાનુમતે નિમણુંકો કરવામાં આવશે તો સમાજના સંગઠન અને વિકાસમાં રસ ધરાવતા દરેક લોકોને તથા સમગ્ર શહેરના દરેક જ્ઞાતિજનોને આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા નિમંત્રણ અપાયુ છે.

(3:23 pm IST)