News of Wednesday, 14th August 2019
તસ્વીરમાં ડાબેથી પ્રથમ શીવો, લાલો, ફિરોઝ ઉર્ફ ફિરીયો (રાઉન્ડ કર્યુ છે તે) અને મગન ઉર્ફ મગો જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં વિદેશી દારૂ સપ્લાય કરવામાં જેનું નામ છે તેવા રીઢા બુટલેગર ફિરોઝ ઉર્ફ ફિરીયાને તથા તેની સાથે છુટક બુટલેગર તરીકે કામ કરતાં ત્રણ સાગ્રીતોને ક્રાઇમ બ્રાંચે ગાયકવાડીમાંથી ઝડપી લીધા છે. લાખોના દારૂના બે દરોડામાં ફિરીયોનું નામ ખુલ્યું હતું અને એક દરોડામાં તેના ત્રણ સાગ્રીતોના નામ ખુલ્યા હતાં. ચારેયની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
અગાઉ ક્રાઇમ બ્રાંચે બામણબોર નજીકથી ૪૦૦ પેટી દારૂ પકડ્યો હતો. તે વખતે રાજસ્થાની શખ્સો ઝડપાયા હતાં. સુત્રધાર તરીકે ફિરીયાનું નામ ખુલ્યું હતું. આ ઉપરાંત બીજા દરોડામાં ૧૫૦ પેટી દારૂમાં પણ ફિરોઝ ઉર્ફ ફિરીયાનું નામ ખુલ્યું હતું. તેમજ તેના ત્રણ સાગ્રીતોના પણ નામ સામે આવ્યા હતાં. નામચીન બુટલેગરની છાપ ધરાવતો જંગલેશ્વર દેવપરા મેઇન રોડ પર ખ્વાજા એપાર્ટમેન્ટ સામે ખ્વાજા મંજીલમાં રહેતો ફિરોઝ ઉર્ફ ફિરીયો અને તેના સાગ્રીતો ગાયકવાડી-૫માં ફિરીયાના સાસુ-સસરાના ઘરે આવી રહ્યાની બાતમી હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. અજીતસિંહ પરમાર અને હરદેવસિંહ રાણાને મળતાં પી.એસ.આઇ. અતુલ સોનારા અને ટીમે વોચ રાખી ફિરોઝ તથા સાથેના નિર્મલ ઉર્ફ લાલો હંસરાજભાઇ માણેક (ઉ.૩૨-રહે. જીલ્લા ગાર્ડન પાસે લલુડી વોંકળી), મગન ઉર્ફ મગો રાયસીંગ રોજાસરા (ઉ.૩૭-રહે. ગ્રીનલેન્ડ ચોકડી શિવનગર, ધોળીયાવાળી શેરી) અને મનોજ ઉર્ફ શિવો રમેશભાઇ પોબારૂ (ઉ.૩૭-રહે. રેલનગર ગીતાંજલી સોસાયટી અમૃતાધારા રેસિડેન્સી બ્લોક નં. ૫૫)ને પકડી લીધા હતાં.
ક્રાઇમ બ્રાંચે પકડેલા કુલ ૩૦,૧૮,૪૮૦ના દારૂના જથ્થાના બે ગુનામાં ફિરોઝ ઉર્ફ ફિરીયો ફરાર હતાં. તેમજ અન્ય એક ગુનામાં તેના સાગ્રીતો લાલો, મગો અને શિવો ફરાર હતાં. આ ચારેય ઝડપાઇ જતાં વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે અને રિમાન્ડની તજવીજ થઇ રહી છે. ફિરોઝ શહેરના છેવાડાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઢોર બાંધવાના નામે કે પછી બીજો સામાન રાખવાના બહાને શેડ-ગોડાઉન ભાડે રાખી તેમાં દારૂનો જથ્થો ઉતારવાની ટેવ ધરાવે છે. અગાઉ અનેક ગુનામાં તે ઝડપાઇ ચુકયો છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ એચ. સરવૈયાએ ફરાર ફિરોઝને શોધી કાઢવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. અજીતસિંહ પરમા, હરદેવસિંહ રાણા સહિતની ટીમે સાગ્રીતો સાથે ઝડપી લીધો હતો.