Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રાજકોટમાં તાલાલાના શની સોનીની કાર આંતરી રિક્ષાચાલકે છરી બતાવી ચેઇન આંચકી લીધો

મવડી ૧૫૦ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં બનાવઃ ઓવરટેઇક કરી કાર આડે રિક્ષા ઉભી રાખી દીધીઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જીજે૩બીયુ-૩૪૧૯ નંબરની રિક્ષાના ચાલક-માલિકની શોધખોળ આદરીઃ રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા શખ્સોની પણ સંડોવણી હોવાની શકયતાઃ ભોગ બનનાર શની જામનગરની એસ્સાર કંપનીની પેટ્રોલની ગાડીમાં નોકરી કરે છે

રાજકોટ તા. ૧૪: મવડી ૧૫૦ રીંગ રોડ પર સમી સાંજે મુળ તાલાલાના અને હાલ રાજકોટ રહી જામનગર એસ્સારમાં  પેટ્રોલની ગાડીમાં નોકરી કરતાં સોની યુવાનની કારને રિક્ષાચાલકે આંતરી છરી બતાવી ચેઇન આંચકી લેતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. ચાલક સાથે મુસાફર તરીકે બેઠેલા શખ્સોની પણ સંડોવણીની શંકા ઉપજી છે. નંબરને આધારે પોલીસે રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે હાલ કોઠારીયા સોલવન્ટ હરિદ્વારા સોસાયટી શેરી નં. ૨માં હાર્દિકભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહેતાં મુળ તાલાલ ગીરના શની યોગેશભાઇ કાગદડા (ઉ.૨૫) નામના સોની યુવાનની ફરિયાદ પરથી રિક્ષા નં. જીજે૩બીયુ-૩૪૧૯ના ચાલક તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૭૯ (એ) (૩) તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

શનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જામનગર એસ્સાર કંપનીમાં પેટ્રોલની ગાડીમાં નોકરી કરું છું. ૧૨/૮ના સાંજે સાડા પાંચ-છ વાગ્યા આસપાસ હું મારી ફ્રન્ટી કાર જીજે૦૧એચડી-૨૪૧૫ હંકારી ગોંડલ ચોકડીથી હરિહર ચોક તરફ કામ માટે જતો હતો ત્યારે ગોવર્ધન ચોકથી આગળ૧૫૦ રીંગ રોડ પર આવતાં લીલા-પીળા રંગની રિક્ષાવાળાએ મારી કારને ઓવરટેક કરી હતી અને આગળ ઉભી રાખી દીધી હતી. જેથી મેં પણ કાર ઉભી રાખી હતી.

એ પછી રિક્ષાવાળો ઉતરીને મારી કાર પાસે આવ્યો હતો અને તેના હાથમાં રહેલી છરીથી મારી ગાડીના કાચમાં મારતાં મેં કાચ ખોલતાં જ મને ગાળો દેવા માંડ્યો હતો અને મને નીચે ઉતરવા કહેતાં હું નીચે ઉતર્યો હતો. શું થયું? તેવું મેં પુછતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને બીજા બે-ત્રણ પુરૂષ મુસફરો પણ તેની રિક્ષામાંથી ઉતરીને આવી ગયા હતા અને મને 'કેમ માથાકુટ કરો છો?' તેવું કહ્યું હતું. એ દરમિયાન રિક્ષાચાલકે મારા ગળામાંથી સોનાનો ચેઇન રૂ. ૩૦ હજારનો ખેંચી લીધો હતો.

ડખ્ખો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં રિક્ષાચાલક અને મુસાફરો ભાગી ગયા હતાં. મેં રિક્ષાના નંબર જીજે૩બીયુ-૩૪૧૯ જોઇ લીધા હતાં. એ પછી મારા પિતાના મિત્ર વનરાજસિંહને વાત કરી હતી અને પોલીસ મથકે આવી ફરિયાદ કરી હતી.

માલવીયાનગરના પીએસઆઇ જે. એ. ખાચરે ગુનો નોંધી રિક્ષા નંબરને આધારે તપાસ શરૂ કરી છે. સમી સાંજે છરી બતાવી ચેઇન ખેંચી લેવાની આ ઘટનાને પગલે ચર્ચા જાગી છે.

(12:12 pm IST)
  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST