Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાર પાણીના ખાડામાં ખાબકીઃ યુવા ટ્રાન્સપોર્ટર જયપાલસિંહ ગોહિલનું મોત

બેડીથી પરત આવતી વખતે રાત્રે સાડા દસેક વાગ્યે ખોરાણા પાસે બનાવઃ પાછળ આવતી કારમાં બેઠેલા ચાર લોકો મદદે આવ્યાઃ કાચ તોડી બધાને બહાર કાઢ્યા : સાથેના મિત્ર ધમભા અને કોળી યુવાન બચી ગયાઃ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં એ. જી. સોસાયટી રૂરલ હાઉસીંગના પરિવારમાં કલ્પાંત : કાર ત્રણેક ગોથા ખાઇ ખાડામાં પડીઃ છાતીમાં હેન્ડલ લાગતાં જયપાલસિંહ બેભાન થઇ ગયા હોઇ બહાર ન નીકળી શકયાઃ સાથેના બે યુવાન તરીને બહાર આવી જતાં બચી ગયા

જયપાલસિંહ ગોહિલનો નિષ્પ્રાણ દેહ અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૪: કુવાડવા તાબેના ખોરાણા ગામ પાસે ગોળાઇમાં રાત્રીના કાર રોડ સાઇડના પાણી ભરેલા વિશાળ ખાડામાં ખાબકતાં ચાલક કાલાવડ રોડ એ.જી. સોસાયટી રૂરલ હાઉસીંગ બોર્ડમાં રહેતાં જયપાલસિંહ    જેશુભા ગોહિલ (ઉ.૪૨) નામના યુવા ટ્રાન્સપોર્ટ સંચાલકનું મોત નિપજતાં પરિવારમાં અને બહોળા મિત્ર વર્તુળમાં કલ્પાંત સર્જાયો છે. કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતાં પાછળ બીજી કાર આવતી હોઇ તેમાં બેઠેલા ચાર લોકો મદદે આવ્યા હતાં. તેમણે જયપાલસિંહની કારના કાચ ફોડી નાંખતાં સાથેના બે યુવાનો તરીને બહાર આવી ગયા હતાં. પરંતુ જયપાલસિંહને છાતીમાં હેન્ડલ લાગી જતાં તે ડ્રાઇવીંગ સીટ પર જ બેભાન થઇ ગયા હોઇ બહાર નીકળી શકયા નહોતાં. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ એ. જી. સોસાયટી પાછળ રૂરલ હાઉસીંગ બોર્ડમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટ ચલાવતાં જયપાલસિંહ જશુભા તખુભા ગોહિલ (ઉ.૪૨)  ટ્રાન્સપોર્ટની ગાડી ભરાવવાની હોઇ સાંજે પોતાને કાર લઇ હડમતીયા બેડી ગયા હતાં. તેમની સાથે મિત્ર ધમભા ઝાલા (રહે. રૂરલ હાઉસીંગ) તથા ડ્રાઇવર કોળી યુવાન સાથે હતાં.

રાત્રે કામ પતાવી ત્રણેય પરત રાજકોટ   આવી રહ્યા હતાં ત્યારે કારનું ડ્રાઇવીંગ જયપાલસિંહ ગોહિલ કરી રહ્યા હતાં. ખોરાણા પાસે વળાંકમાં કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં કાર ત્રણેક ગોથા ખાઇ ગઇ હતી અને રોડ સાઇડમાં ભરેલા પાણીના મોટા ખાડામાં ખાબકી હતી. આ વખતે પાછળ બીજી કાર આવતી હોઇ તેમાંથી ચાર લોકો ઉતર્યા હતાં અને મદદે દોડી ગયા હતાં. આ લોકો પાણીમાં ઉતર્યા હતાં અને ફટાફટ જયપાલસિંહની કારના કાચ તોડી નાંખ્યા હતાં. એ સાથે જ કારમાંથી ધમભા અને કોળી યુવાન તરીને બહાર આવી ગયા હતાં. 

ડ્રાઇવીંગ સીટ પર જયપાલસિંહ બેભાન થઇ ગયા હોઇ તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જો કે અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે કુવાડવા પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. એલ. ખટાણા અને રાઇટર નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર જયપાલસિંહ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેઓ પિતા જશુભા ગોહિલ, માતા કુસુમબા, ધર્મપત્નિ ધારાબા, નાના ભાઇ મયુરસિંહ સહિતના પરિવારજનો સાથે સંયુકત પરિવારમાં રહેતાં હતાં. તેમના મૃત્યુથી ૧૭ વર્ષની દિકરી અંકિતાબા, પુત્ર બાપુરાજ (ઉ.૧૫) તથા યશરાજ (ઉ.૯)એ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. જયપાલસિંહ ગોહિલ બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હોઇ બનાવની જાણ થતાં અનેક લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. સવારે રૂરલ હાઉસીંગમાંથી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો, મિત્રો જોડાયા હતાં.

(3:26 pm IST)
  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST