Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મિત્ર મંડળનાં સફાઇ કામદારોનું આર્થિક શોષણ બંધ નહી થાય તો હડતાલ

રોજના-૧પ૩નાં બદલે માત્ર ૧૨૦ અપાય છે- પી.એફ.ઇ.એસ.આઇ સહીતનાં લાભ મળતા નથીઃ હાજરી પૂરવામાં અન્યાયઃ ૭ દિવસમાં માંગણી પુરી કરવા કામદાર યુનિયનની માંગ

મિત્ર મંડળના સફાઇ કામદારોનું આર્થિક શોષણ થઇ રહ્યું છે. તે બાબતે વિસ્તૃત વિગતો કામદાર યુનિયનનાં અગ્રણીઓએ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મૂલાકાત દરમિયાન રજૂ કરી   તે વખતની તસ્વીરમાં પારસ બેડિયા, હરેશ પરમાર, તરૂણ ટીમાણીયા, શૈલેષ પરમાર, રાહુલભાઇ, આશિષ ટીમાણીયા, જયેશ પરમાર વગેરે દર્શાય છે.

રાજકોટ, તા.૧૪: મ્યુ.કોર્પોરેશન દ્વારા સફાઇ કામનો ખાનગી કોન્ટ્રાકટ ૧૪૯ જેટલાં મિત્ર મંડળોને અપાયો જેમાં કામ કરતાં અંદાજે સફાઇ કામદારોનું ભયંકર આર્થિક શોષણ થઇ રહ્યું હોઇ આ કામદારોને નિયમ મૂજબ વેતન ચૂકવવા સહિતની માંગ ૭ દિવસમાં પૂર્ણ નહીં થાય તો હડતાલ પાડવાની ચિમકી કામદારોમાં ઉચ્ચારાઇ છે.

આ અંગે રાજકોટ કામદાર યુનિયનની યાદીમાં જણાવ્યુ છે કે રાજકોટ મહાનગર પાલીકામાં આશરે ૧૪૯ મિત્ર મંડળો કામ કરે છે. જેમાં આશરે ૧૭૦૦ જેટલા કામદારો સફાઇ કામગીરી કરે છે. આની શરૂઆત રાજકોટ મહાનગર પાલીકાએ ૨૦૧૦ થી કરી હતી. જેમાં મિત્ર મંડળના સફાઇ કામદારો દ્વારા પુરી નિષ્ઠા અને ઇમાનદારીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. પણ તંત્રને આ વાત ધ્યાનમાં આવી નથી તેવું લાગી રહ્યું છે કારણ કે રા.મ.ન.પા દ્વારા કામદારોને રોજ ને લઇને ખૂબ જ બેદરકારી દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અન્યથા આંખ આડા કાન કરી રહ્યું તેમ લાગે છે. કારણ કે કામદારોને ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી રજ રૂ.૧૦૦/ અને ૨૦૧૩થી હાલ સુધી ફકત રૂ.૧૨૦/ આપવામાં આવે છે. જેમાં નથી તો પી.એફ. આપવામાં આવતો નથી ઇ.એસ.આઇ.આપવામાં આવતું. કારણ કે હાલ કામદારોના પગાર રૂ.૩૬૦૦/ જેવા આવે છે જેમાં રૂ.૮૦૦/ રીક્ષાભાડાના થાય છે અને ૨ થી ૩ દિવસ કામદારની તબિયત સારી નરસી હોય તો તેનો પગાર કપાઇ જાય છે. હવે આવી કાળઝાળ મોંઘવારીમાં રૂ.૨પ૦૦/ માં ઘર કેવી રીતે ચલાવવું તેનો જવાબ તંત્ર આપશે? યુનિયનનાં આગેવાનોએ જણાવ્યું છે કે હાલ સરકારના ધારાધોરણ મુજબ કામદારોનો રોજ આશરે રૂ.૧પ૩/ ચાલી રહ્યો છે. જેમાં રા.મ.ન.પા. તેના મોટા કોન્ટ્રાકટરોના કામદારોને સરકારના ધારાધોરણ મુજબ રોજનું ચુકવણું કરે છે. તો મિત્ર મંડળના કામદારો સાથે ભેદભાવ શું કામ? તે એક પ્રશ્ન છે. કારણ કે ૨૦૧૦ થી લઇને અત્યાર સુધી અઢળક રજુઆતો અને આવેદન પત્રો આપ્યા છતાં પણ આ નિર્ભય તંત્રને કોઇપણ વાતની અસર થતી હોય તેવું લાગતું નથી. અમારી આ માંગણી ખૂબ જ વ્યાજબી અને યોગ્ય માંગણી છે. આવનારા ૭ દિવસની અંદર અમારી તમામ માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમાં જે પણ કાંઇ પરિસ્થિતિ ઉભી થશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે.

આ તકે યુનિયન દ્વારા લઘુતમ વેતન મુજબ રોજ ચુકવવામાં આવે, પી.એફ./ ઇ.એસ.આઇ. ના લાભ આપવામાં આવે, ૧ થી ૧૦ તારીખની અંદર બીલ ચુકવવામાં આવે અને નવા સફાઇના કોન્ટ્રાકટો ફકત વાલ્મિકી સમાજને જ આપવામાં આવે વગેરે માંગ ઉઠાવાઇ છે.

(3:55 pm IST)