Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અશોક ડાંગરના ભત્રીજા યુવા ભાજપ અગ્રણી રવિ ડાંગરે પણ ભાજપને કર્યા રામ-રામ

શહેરમાં હજુ ધીરે ધીરે સંખ્યાબંધ આગેવાનો ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં : યુવા ભાજપમાં 'યુવા બુથ સૈનિક' સેલના કન્વીનર તરીકે રવિની હાલમાં જવાબદારી : મોટુ મિત્ર વર્તુળ તથા કાર્યકરોની ફોજ ધરાવતા યુવા અગ્રણીના જવાથી યુવા ભાજપમાં ખળભળાટ

રાજકોટ, તા. ૧૪ : રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના અગ્રણી અશોકભાઈ ડાંગરે ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે માતૃસંસ્થા કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે ત્યારે તેમના પગલે તેમના ભત્રીજા યુવા ભાજપના યુવા બુથ સૈનિક સેલના કન્વીનર શ્રી રવિભાઈ ડાંગર (૯૯૦૪૨ ૦૦૦૦૧) પણ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ખૂબ જ મોટું મિત્ર મંડળ તથા કાર્યકરોની ફૌજ ધરાવતા રવિ ડાંગર ઘણા સમયથી ભાજપમાં વિવિધ જવાબદારી નિષ્ઠાથી નિભાવતા આવ્યા છે. પણ હાલ તેમના કાકા શ્રી અશોકભાઈ ડાંગરને કદ પ્રમાણે ભાજપમાં જવાબદારી ન અપાતા બંને કાકા - ભત્રીજાએ માતૃસંસ્થા તરફ ફરી વાટ પકડી છે.

રવિભાઈ ડાંગરે કોંગ્રેસના વિવિધ મોરચા એનએસયુઆઈ, યુવક કોંગ્રેસમાં ભુતકાળમાં ભાજપ વિરૂદ્ધ ઘણા કાર્યક્રમોમાં અગ્રીમતાથી ભાગ લઈ આગવી ઓળખ ઉભી કરી હતી. રવિભાઈને પણ તેમની લાયકાત પ્રમાણે જવાબદારી ન સોંપાઈ હોવાનો તેમના મિત્ર - વર્તુળોમાં ભારે ગણગણાટ જોવા મળ્યો હતો. ગઈકાલે જ રવિ ડાંગર વોટ્સએપના તમામ ભાજપના ગ્રુપમાંથી લેફટ થઈ ગયા છે. હાલ તેઓ પણ કાકા અશોકભાઈ સાથે અમદાવાદ પહોંચી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હોવાનું પણ જાણવા મળેલ છે. સંભવત કાલે અથવા ગુરૂવારે રવિભાઈ ડાંગર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીને વિધિવત રીતે પોતાનું રાજીનામુ આપે તેવી શકયતા છે. રવિ ડાંગરના જવાથી યુવા ભાજપને કાર્યકરોની દૃષ્ટિએ ખૂબ જ મોટી ખોટ પડશે તે નક્કી છે.(૨-૧૫)

(3:37 pm IST)