Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મુંગા અબોલ જીવોની સેવામાં ૧૪ વર્ષની સફર પુર્ણ કરતી એનીમલ હેલ્પ લાઇન

 રાજકોટઃ તા.૧૪, રાજકોટમાં છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત એનીમલ હેલ્પ લાઇન દ્વારા રસ્તે રઝળતા, નિરાધાર,
બિમાર પશુઓ, રેલ્વે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના-મોટા પશુ-પંખીઓને તેમજ ગૌશાળા-પાંજરાપોળના આશ્રીત જીવોને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ- પક્ષીઓનું હરતુ-ફરતું અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે.

 મુંગા બિનવારસી પશુ-પક્ષીઓની વિનામુલ્યે સારવાર કરતુ મોબાઇલ પશુ ચિકિત્સાલય  'એનીમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ' સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૩,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ - પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામુલ્યે નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, ૮ એમ્બુલન્સ તેમજ બાઇક એમ્બુલન્સ થકી, ૩૩ કર્મયોગી કર્મચારીઓના સહકારથી ઓપરેશન સહિતની સારવાર થઇ છે, થતી રહે છે.

 સંસ્થા દ્વારા નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. સંસ્થાના શેલ્ડર-પાંજરાપોળમાં ૩૦૦ જેટલા બિમાર, અશકત, ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, દરરોજ મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ કવાટર્સ બર્ડ હાઉસ, નાની ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.

સંસ્થાને કોઇ કાયમી ભંડોળ નથી કે   નિયમીત આવકનું સાધન નથી ત્યારે પવીત્ર શ્રાવણ માસમાં આ સંસ્થાને સહકાર આપવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, વિષ્ણુભાઇ ભરાડ, રમેશભાઇ ઠકકર એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઇ પટેલ સહિતનાઓએ અપીલ કરી છે. સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે ધંધાના સ્થળે / ઘરે મુકી યથાશકિત અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વેૈચ્છિક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:21 pm IST)