Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અંદાજિત ખર્ચ છે રૂ. ૮૦૦ કરોડ : રિલા. ઇન્ફ્રા.એ ભરી'તી સૌથી નીચી બીડ

હીરાસરમાં એરપોર્ટ બાંધશે રિલાયન્સ ઇન્ફ્રા : મેળવી ૬૫૦ કરોડની બીડ

રાજકોટ નજીક બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ : અમદાવાદ એરપોર્ટ પરનું ભારણ ઘટશે

મુંબઇ તા. ૧૪ : રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતમાં રાજકોટમાં હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બાંધવાનો કોન્ટ્રાકટ મેળવવાની નજીકમાં છે. કંપની પ્રોજેકટ માટે સૌથી નીચા ભાવના બિડર તરીકે ઉભરી આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગયા સપ્તાહે આ ટેન્ડર તરતું મુકવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ફ્રાએ આ ટેન્ડર માટે રૂ. ૬૫૦ કરોડનો ભાવ દર્શાવ્યો હોવાનું કહેવાય છે. આ પ્રોજેકટના લીધે રાજકોટના વર્તમાન એરપોર્ટને નડતા અવરોધો દૂર થશે. રાજકોટનું વર્તમાન એરપોર્ટ નાનું છે અને તેનું વિસ્તરણ થઇ શકે તેમ નથી.

રિલાયન્સ ઇન્ફ્રા સૌથી નીચા ભાવની બિડર છે. અમે ટુંક સમયમાં આ કાર્યવાહી પૂરી કરીશું અને તેને પ્રોજેકટની ફાળવણી કરીશું, એમ એએઆઇએ જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરે પણ પ્રોજેકટ માટે બિડ કરી હોવાનું મનાય છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરે આ પ્રોજેકટ માટે બિડ કરી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની બિડ પ્રાઇસ રૂ. ૬૫૦ કરોડની આસપાસ હતી, જેની સામે એએઆઇનો અંદાજિત ખર્ચ રૂ. ૮૦૦ કરોડ છે. પ્રોજેકટ માટેના અન્ય બિડરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, એફકોન્સ, દિલીપ બિલ્ડકોન અને ગાયત્રી પ્રોજેકટ્સ હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રોજેકટ માટે લેટર ઓફ એવોર્ડ ફાળવ્યાની તારીખથી ૩૦ દિવસમાં આ એરપોર્ટની કામગીરી પૂરી કરવી પડશે. આ એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડતા નેશનલ હાઇવે (એનએચ-૮બી)ની નજીક બાંધવામાં આવશે અને તે રાજકોટના વર્તમાન એરપોર્ટથી ૩૬ કિલોમીટર દૂર હશે. એએઆઇ આ સિવાય માને છે કે તેના લીધે અમદાવાદ એરપોર્ટનો કેટલોક વધારાનો ટ્રાફિક શોષાઇ જશે. ગયા વર્ષે આ પ્રોજેકટને મંજૂરી મળી હતી, ઉદ્યોગ માને છે કે મોટા શહેરોમાં ગીચતા વધારે છે ત્યારે બીજી શ્રેણીના શહેરો રોકાણ માટે ઘણી મહત્વની તક પૂરી પાડે છે.(૨૧.૧૪)

(12:57 pm IST)