Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તમંચાના ચારેય 'ઉત્પાદકો' ૭ દિવસ રિમાન્ડ પરઃ તમંચા માટેની લોખંડની ભુંગળીઓ લોહાનગરમાં કપાવી હતી

જેટલી ભુંગળી કપાવી એ તમામ કબ્જે થઇ ગઇ હોઇ એક પણ તમંચો વેંચ્યો નહિ હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થયું: યુ-ટ્યુબમાં જોઇને ખરેખર હથીયાર બનાવી શકાય કે કેમ? સીએનસી વર્ક કયાં કરાવ્યું? ટ્રીગર કયાં કપાવ્યા? સહિતના અનેક મુદ્દે એસઓજીની ટીમ દ્વારા ચારેયની જીણવટભરી પુછપરછઃ કારીગરે 'આવી ભુંગળીઓ શાના માટે છે?' એવું પુછતાં હર્ષદે કહેલું...નવા મશીનમાં ઉપયોગમાં લેવી છે

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ પરના કૃષ્ણનગર-૧માં પટેલ શખ્સના કારખાનામાં ગેરકાયદેસર રીતે તમંચા બનતા હોવાની બાતમી એસઓજીના હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા તથા ચેતનસિંહ ગોહિલને મળતાંસંયુકત બાતમીને આધારે કોઠારીયા રોડ પર કૃષ્ણનગર-૧માં આવેલા હિરેન જયંતિભાઇ સરધારા (પટેલ) (ઉ.૩૨-રહે. નહેરૂનગર ૮૦ ફુટ રોડ, ગુરૂકૃપા-૧ પટેલ ચોક)ના શકિત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં દરોડો પાડી તેના સહિત ચારને ગેરકાયદેસર રીતે તમંચા બનાવવાના ગુના સબબ ઝડપી લીધા હતાં. ત્રણ પટેલ અને એક રાજસ્થાની શખ્સ પાસેથી ૧૭ તમંચા તથા તે બનાવવાના ઓજારો કબ્જે લેવાયા હતાં. ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૭ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. તપાસમાં ખુલ્યું છે કે તમંચા બનાવવા માટેની લોખંડની ભુંગળીઓ (બેરલ) હર્ષદ પટેલે લોહાનગરમાંથી ખરીદી ત્યાં જ એક સરખા માપથી કપાવી હતી.

 એસઓજીએ દરોડો પાડી કારખાનામાંથી  દેશી બનાવટના ૧૭ તમંચા રૂ. ૮૦ હજારના તથા તમંચા બનાવાવના ઓજારો રૂ. ૩૦૦૦ના, ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કારખાનેદાર હિરેન સરધારા તથા તેના મિત્ર હર્ષદ અરજણભાઇ હોથી (ઉ.૨૮-રહે. શ્રધ્ધા પાર્ક-૩, શેરી નં.૪, નહેરૂનગર મેઇન રોડ શ્યામ હોલ સામે અટીકા),  અલ્પેશ કેશુભાઇ વસાણી (ઉ.૨૫-રહે. સરદાર સોસાયટી દ્રષ્ટી પાન વાળી શેરી, હરિ ધવા રોડ) તથા મુળ રાજસ્થાનના બાલુ શંકરભાઇ સિસોદીયા (ઉ.૨૮-રહે. પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝુપડપટ્ટી)ને દબોચી લીધા હતાં.

પ્રાથમિક તપાસમાં તમંચા બનાવવાનો પ્લાન હર્ષદ હોથી (પટેલ)એ ઘડ્યો હોવાનું ખુલ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે પોતે યુ-ટ્યુબમાંથી રીત જાણીને તમંચા બનાવતો હતો. જો કે એકલા હાથે આ કામ શકય ન હોઇ લાકડાના હાથા બનાવવા માટે મિસ્ત્રી કામ કરતાં અલ્પેશ વસાણીને અને લોખંડના કામ માટે બાલુ રાજસ્થાનીને સામેલ કર્યા હતાં. તેણે કબુલ્યું છે કે આ તમંચા ત્રણથી ચાર હજારમાં તૈયાર કર્યા બાદ ગામડાઓમાં દસથી પંદર હજાર કે તેનાથી વધુ રકમમાં વેંચી દેવાનો ઇરાદો હતો.

તમંચા બનાવવા માટેની બેરલ (લોખંડની ભુંગળીઓ) હર્ષદે લોહાનગરના એક શખ્સ પાસેથી લીધી હતી અને ત્યાં જ એક સરખા માપથી કપાવી હતી. આ કામ કરતાં કારીગરે 'આવી ભુંગળીઓને શું કરવી છે?' તેમ પુછતાં હર્ષદે કારખાનામાં નવું મશીન બનાવતાં હોઇ તેમાં ઉપયોગમાં લેવાની ખોટી વાત કરી હતી. પોલીસે આ ભુંગળીઓ કાપી આપનાર વ્યકિતની પુછતાછ કરી છે. જેટલી ભુંગળીઓ તેની પાસેથી લઇ જવાઇ છે તે તમામ કારખાનામાંથી મળી ગઇ છે. જેમાંથી ૧૭ ભુંગળીઓ તમંચા બનાવવામાં વપરાઇ ગઇ છે, બીજી ભુંગળીઓનો ઉપયોગ બાકી હતો. આ જોતાં હજુ સુધી એક પણ તમંચો વેંચ્યો નહિ હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થઇ ગયું છે.

પોલીસે હવે વિવિધ મુદ્દે તપાસ શરૂ કરી છે. ખરેખર ઇન્ટરનેટ પરથી રીત જોઇને તમંચા બનાવી શકાય? આ પાછળ બીજા કોઇનું ભેજું તો નથી ને? બાલુ રાજસ્થાની તમંચાનો કારીગર હોવાની દ્રઢ શંકા છે. તમંચા બનાવવા જે પાર્ટસ બનાવાયા તેનું સીએનસી વર્ક કયાં કરાવાયું? ટ્રીગર કટીંગ કયાં કરાવાયા? કોઇએ ઓર્ડર આપ્યો હતો કે કેમ? સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એસ. અને. ગડુની રાહબરી હેઠળ પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, ચેતનસિંહ ગોહિલ વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ પરમાર, રણછોડભાઇ આલ, કૃષ્ણદેવસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ,  મનરૂપગીરી ગોસ્વામી, જીતુભા ઝાલા, વિજેન્દ્રસિહ ઝાલા, મેહુલભાઇ ગઢવી, જયંતિગીરી ગોસ્વામી, મેહુલભાઇ મઢવી, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, વિજયભાઇ શુકલ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૬)

(12:06 pm IST)
  • હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી હાહાકારઃ મંડીમાં આજે સ્કુલ કોલેજ બંધઃ ભુસ્ખલનની અનેક ઘટના : શિમલા કુલુ મનાલી સૌથી વધુ પ્રભાવીતઃ શિમલામાં ૨૪ કલાકમાં ૧૬ના મોત access_time 3:47 pm IST

  • બનાસકાંઠામાં થાવર સેલટેકસ ઓફિસમાં એસીબીના દરોડાઃ ટ્રક ચાલક પાસેથી એન્ટ્રી રૂપે ૨૦૦ ની લાંચ લેતા ૨ સેલટેકસ ઇન્સ્પેકટર અને એક એસઆરપી જવાન ઝડપાયાઃ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠાની ટીમનું સંયુકત ઓપરેશન access_time 3:47 pm IST

  • હવે મેડિકલ રીચર્સમાં ઉપયોગી થશે સોમનાથ ચેટર્જીનો પાર્થીવદેહ :મહાન વામપંથી નેતા અને લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીએ નિધન પહેલા જ પોતાનું શરીર ડેન કર્યું હતું :હવે તેના પાર્થિવ શરીર પર લેપ લગાવીને સુરક્ષિત સ્થળે રખાશે access_time 1:04 am IST