Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અશોક ડાંગર હવે કોંગી અગ્રણીઃ રાજકોટ કોંગ્રેસમાં નવુ જોમ

રાજ્ય પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસી ખેસ પહેરાવીને આવકાર્યા : ડો. વસાવડા, ભટ્ટી, રાજપૂત, બથવાર, ગાયત્રીબા સહિત હોદેદારો તથા મોટાભાગના નગરસેવકોની પણ પ્રદેશ કાર્યાલયમાં હાજરી

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટના પૂર્વ મેયર તથા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે છ વર્ષના ભાજપમાં કરેલ મુકામ બાદ ગઈકાલે સતત અવગણના અને અન્યાયની લાગણી સાથે ભાજપને રામરામ કરી આજે પુનઃ કોંગ્રેસી ખેસ ધારણ કર્યો છે. આજે વહેલી સવારે રાજકોટથી ૧૫ મોટરકારના રસાલા સાથે રાજકોટના ડો. હેમાંગ વસાવડા સહિતના પ્રદેશ હોદેદારો, શહેર સમિતિના કાર્યકારી પ્રમુખ અને ગાયત્રીબા વાઘેલા, વિજય વાંક સહિતના મોટાભાગના કોંગ્રેસી નગરસેવકો પોણા અગીયાર વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં અશોક ડાંગરે હર્ષોલ્લાસ સાથે કોંગ્રેસ પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસના જુના જોગી અશોક ડાંગરના આવવાથી શહેર કોંગ્રેસમાં નવુ જોમ ઉમેરાયુ છે. ગઈકાલે સવારે સાડા નવ વાગ્યે બંધ કવરમાં ભાજપ શહેર કાર્યાલય ખાતે ભાજપમાંથી રાજીનામુ આપતો પત્ર સુપ્રત કરી ભાજપ સાથે છેડો ફાડનાર અશોક ડાંગરે આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ આગેવાનોની હાજરીમાં કોંગ્રેસી ખેસ ધારણ કરી પ્રવેશ મેળવ્યો હતો.

આજે પ્રદેશ કાર્યાલય ખાતે અશોક ડાંગરના કોંગ્રેસ પ્રવેશ સમયે ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, દિનેશ ચોવટીયા, નિદ્દત બારોટ, પ્રભાત ડાંગર, દિનેશભાઈ ડાંગર, દાનાભાઈ હુંબલ, વી.ડી. પટેલ, ભીખાભાઈ ગજેરા, હારૂન ડાકોરા, જયંતી બુટાણી, સંજય અજુડીયા, પરેશ હરસોડા, પ્રવિણ સોરાણી, ભરતસિંહ જાડેજા, અનિરૂદ્ધ ડાંગર, નિલેશ મારૂ, મયુરસિંહ જાડેજા, વલ્લભભાઈ પરસાણા, પરસોતમભાઈ, સુરેશ બથવાર, શ્યામ મકવાણા સહિતના શહેરના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અશોક ડાંગરે કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરતા રાજકોટ શહેરથી અમદાવાદ કાર્યાલય ખાતે પહોંચેલા મોટી સંખ્યામાં આગેવાનોએ અશોક ડાંગરને સ્વગૃહે હરખભેર આવકાર્યા હતા.

રાજ્ય પ્રભારી તથા પ્રદેશના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પરિવારના જ સભ્ય એવા અશોક ડાંગર સ્વગૃહે પરત ફરતા  રાજકોટ કોંગ્રેસ સમિતિમાં નવુ જોમ આવશે અને શહેર સમિતિ વધુ મજબુતાઈથી કામગીરી કરશે.(૨-૩)

અશોક ડાંગર સાથે અનિરૂદ્ધ કાકડીયા, વાલજી બથવાર તથા શિક્ષણ સમિતિના માજી સભ્ય પ્રફુલ્લ જોશી પણ કોંગ્રેસમાં

રાજકોટ, તા. ૧૪ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ મેયર અશોક ડાંગરે ભાજપ પ્રવેશ કર્યો તેમની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અનિરૂદ્ધ કાકડીયા, વાલજી બથવાર તથા ભાજપના શિક્ષણ સમિતિના માજી સભ્ય પ્રફુલ્લ જોશીએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મળતા અહેવાલો મુજબ ભાજપમાંથી હજુ વધુ દાંડી ડૂલ થશે તેવા નિર્દેશો મળે છે. (૮.૧ર)

(3:35 pm IST)