Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઇકો ગાડી મુસાફરમાં ચલાવવી હોય તો દર મહિને એક હજારની લાંચઃ ટ્રાફિક પોલીસમેન સહિત બે પકડાયા

એસીબીએ ટોલ ફ્રી નંબર-૧૦૬૪ પર મળેલી ફરિયાદને આધારે માધાપર ચોકડીએ સફળ ટ્રેપ ગોઠવી કોન્સ. મયુરસિંહ જાડેજા અને તેના વતી લાંચ સ્વીકારનાર ઇન્દ્રજીતસિંહ ઉર્ફ મુન્ના જાડેજાની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૪: એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ કરી છે. શહેરની ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ અને તની સાથેના અન્ય એક શખ્સને માધાપર ચોકડીએ એક ઇકો ગાડીના ચાલક પાસેથી રૂ. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ પકડી લેતાં પોલીસબેડામાં ચર્ચા જાગી છે. ઇકોના ચાલકને જો તેને રાજકોટ-જામનગર પાટા પર મુસાફરો ભરીને ફેરા કરવા હોય તો દર મહિને રૂ. ૧૦૦૦ આપવા પડશે તેવું કહી લાંચ માંગવામાં આવી હતી.

ઇકો ગાડીના ચાલક લાંચ આપવા ઇચ્છતા ન હોઇ તેણે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર ફોન કરી પોતાની ફરિયાદ જણાવતાં એસીબીની ટીમે આજે માધાપર ચોકડી ખાતે છટકુ ગોઠવ્યું હતું. જેમાં પોલીસમેનની હાજરીમાં તેના વતી લાંચ સ્વીકારતાં બંનેને રંગેહાથ પકડી લેવાયા હતાં.

જાગૃત નાગરિકની ફરિયાદ પરથી ટ્રાફિક શાખાના હથીયાર પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ નિર્મલસિંહ જાડેજા (ઉ.૪૪-રહે. પોલીસ હેડકવાર્ટર) તથા તેની સાથેના ઇન્દ્રજીતસિંહ ઉર્ફ મુન્નાભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.૩૯-રહે. રાજકોટ) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદી રાજકોટ-જામનગર પાટે ઇકો ગાડી ચલાવે છે અને મુસાફરના ફેરા કરે છે. તેને આ પાટે ગાડી નિયમીત ચલાવવી હોય તો દર મહિને રૂ. એક હજાર આપવા પડશે તેમ કહી પોલીસમેને લાંચ માંગી હતી. જે ફરિયાદી આપવા ઇચ્છતા ન હોઇ જામનગર એસીબીમાં ફરિયાદ કરતાં આજે પીઆઇ એ. ડી. પરમાર (એસીબી જામનગર, દેવભુમિ દ્વારકા) તથા તેમની ટીમે મદદનીશ નિયામક એચ. પી. દોશીના સુપરવિઝનમાં આ કામગીરી કરી હતી.

(4:19 pm IST)