Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોરોનાથી મૃત્યુ દર ઘટાડવા એકશન પ્લાનઃ જયંતી રવી

રાજકોટ તા. ૧૪ :.. શહેરમાં કોરાનાથી થતાં મૃત્યુનો દર વધવા લાગ્યો છે ત્યારે આજે રાજકોટ દોડી આવેલા આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી અને રાજય સરકારે  કોરોનાથી થતાં મૃત્યુનો દર ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રીત કરીને આ માટે ખાસ એકશન પ્લાન બનાવ્યાનું જાહેર કર્યુ હતું.

આ અંગે આરોગ્ય સચિવશ્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગઇ સાંજથી તેઓએ રાજકોટમાં કોરાનાની સ્થીતીની સમીક્ષા કરી છે જેમાં રાજકોટની સ્થીતી સારી હોવાનું જણાવ્યું કેમ કે કલેકટર, મ્યુ. કમિશનર, પોલીસ આરોગ્ય તંત્ર, ડી. ડી. ઓ. વગેરે તમામ વહીવટી તંત્રોએ ખુબ જ સારી કામગીરી કરી કોરોનાને કેન્ટ્રોલમાં રાખ્યો છે.

તેઓએ  આ તકે જાહેર કર્યુ હતું કે કોરોનાં સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા ધન્વંતરી રથ, વગેરે કામગીરી થઇ રહી છે.

અને મોટાભાગનાં એટલે કે ૮૦ ટકા લોકો દવા વગર સાજા થઇ જાય છે. અને ર૦ ટકા દર્દીઓ કે જેઓને ફેફસા ત્થા કીડનીની બિમારી હોય  તેવા લોકોને જ આઇ. સી.યુ. અને વેન્ટીલેટરની જરૂર પડે છે. અને મૃત્યુનુ જોખમ પણ આવા લોકો ઉપર જ રહે છે.

આરોગ્ય સચિવશ્રીએ જાહેર કર્યા મુજબ સરકાર હવે કોરાનાથી થતાં મૃત્યુનો દર ઘટાડવા માટે એકશનમાં આવી છે અને આ માટે ઇન્ફેકશનનાં નિષ્ણાંત ડો. અતુલ પટેલ ત્થા વેન્ટીલેટર - આઇસોલેશનની બાબતોનાં નિષ્ણાંત ડો. તુષાર ધ્રુવનો ખાસ ટાસ્કફોર્સ રચવામાં આવ્યો છે. જે સમગ્ર રાજયમાં કોરોનાં સંદર્ભે સુદૃઢ આયોજન કરી રહ્યા છે.

રાજકોટની ખાનગી હોસ્પીટલોમાં કોરોનાનાં દર્દીઓને સાજા કરવા સ્વીટઝલેન્ડની 'રોઝ' કંપનીની રૂ. ૪૦ હજારની કિંમતી દવાઓનો ઉપયોગ થઇ રહ્યાનું આરોગ્ય સચિવે જણાવેલ.

આરોગ્ય સચિવશ્રીએ જણાવેલ કે રોગ પ્રતિકારક શકિત વધુ હોય છે. તેવા લોકોને કોરોનાનું જોખમ ઓછુ રહે  છે  એતો છે જ પરંતુ જેની રોગ પ્રતિકારક શકિત જરૂરથી વધારે હોય તેઓને કોરોનાનું જોખમ વધે છે.

રાજકોટમાં ૪૮ કલાકમાં એન્ટીજન્સી ટેસ્ટ શરૂ કરાશે

આરોગ્ય સચિવશ્રીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતું કે રાજકોટમાં આગામી ૪૮ કલાકમાં કોરાનાના એન્ટીજન્સી ટેસ્ટ શરુ કરી દેવાશે આ માટે ર૦૦૦ થી રપ૦૦ જેટલી કીટની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સના ધ્યાનાકર્ષક મુદ્દા

રાજય કક્ષાએ વેન્ટીલેટર અને ઇન્ફેકશનનાં નિષ્ણાંત ડોકટરોનો ટાસ્ક ફોર્સઃ રાજકોટમાં દર્દીઓને સાજા કરવા સ્વીટઝરલેન્ડની મોંઘી દવાનો ઉપયોગઃ ૮૦ ટકા દર્દીઓ દવા વગર જ સાજા થાય છેઃ ર૦ ટકાને જ આઇસીયુ અને વેન્ટીલેટરઃ રાજકોટનાં તમામ વહીવટી તંત્રએ કોરોનાને કાબુમાં રાખ્યો છેઃ સરકારની કામગીરીથી રાજયમાં મૃત્યુ દર ૩ ટકા ઘટયાનો આરોગ્ય સચિવનો દાવો

તો...પત્રકાર પરિષદ બંધ કરો...

સોશ્યલ ડીસ્ટન્શ અને માસ્ક બાબતે ટકોર થતાં વહીવટી તંત્રનો ઉઘડો લેવાયો

રાજકોટ : કલેકટર  કચેરી ખાતે આરોગ્ય સચિવની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રાજય સરકારની ટાસક ફોર્સનાં નિષ્ણાંત ડો. અતુલ પટેલે પત્રકારોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા ટકોર કરી હતી. ત્યારે ઉપસ્થિત પત્રકારોએ ઉલ્ટાનો વહીવટી તંત્રનો ઉધડો લીધો હતો. અને અધિકારીઓને સ્પષ્ટ સંભળાવી દીધુ હતું કે, આવી સ્થીતીમાં પત્રકાર પરિષદ હકિકતમાં યોજવી જોઇએ નહીં કેમ કે આ બાબત જોખમી છે.

(4:14 pm IST)