Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સંત પુનિત મહારાજની ગુરૂવારે ૫૮મી પુણ્યતીથી

સરળ રાગ અને માનવ જીવનને સ્પર્શે તેવા ૪ હજાર ભજનોની ભેટ આપી જનાર

ગરીબ માનવીઓ માટે અન્ન દાનથી માંડીને નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ જેવા અનેક સેવાના કાર્યો કરનાર તેમજ ભાખરીદાન અને રાહત રસોડાની પ્રેરણા આપનાર સંત પુનિત મહારાજની તા. ૧૬ ના ગુરૂવારે ૫૮ મી પૂણ્યતીથી છે.

તેમનો જન્મ સંવંત ૧૯૬૨ માં વૈશાખ વદી બીજને ૧૯-૫-૧૯૦૮ માં જુનાગઢ મુકામે થયો હતો. વાલમ બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા ભાઇશંકર અને માતા લલિતાબેનના પરિવારમાં જન્મેલા આ દિવ્ય આત્માને બાળપણથી જ ભકિતના સંસ્કાર તેમજ ઇશ્વર પ્રત્યેનો ગજબનો નેડો હતો. માતા પિતાએ તેમનું નામ બાલકૃષ્ણ રાખ્યુ હતુ.

બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવતા નાની વયે જ તેમના ઉપર કુટુંબની જવાબદારી આવી પડી. બાલકૃષ્ણને મા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રેલ્વે સ્ટેશન પર હમાલીથી માંડીને અન્ય કામ કરવા પડતા. કામ કરતા કરતા તેમને ઇશ્વર સ્મરણ છોડયુ ન હતુ. માનવ સેવા પણ કરતા. બે છેડા ભેગા કરવાની દોડાદોડીમાં શરીર તુટી જતુ. પરંતુ આ સમયે રામનામના રટણથી ગજબની શાંતિે મેળવતા. ભારે મજુરી અને કામના બોજના કારણે તેમને ક્ષય રોગ લાગુ પડયો ત્યારે પણ શ્રીરામ નામ એમના માટે ઔષધ પુરવાર થયુ.

બાલકૃષ્ણ અમદાવાદ આવ્યા. મિલ મજુરીથી માંડીને અનેક કામ કર્યા. અખબારી આલમમાં પણ હાથ અજમાવ્યો. નોકરી કરતા કરતા તેઓ શ્રી રાધેશ્યામ મહારાજના સંપર્કમાં આવ્યા. શ્રી રાધેશ્યામ મહારાજે તેમને 'પુનિત'નું બિરૂદ આપ્યુ હતુ. એમના ભજનો સાંભળવા ભારે ભીડ જામતી. સ્વરચિત ભજનો અને સેવાસભર વ્યાખ્યાન સાંભળવા મેદની જામતી.

પુનિત મહારાજે ભજનનો અનોખો વેપાર માંડયો. આ કાર્યમાંથી થતી નાણાની આવકમાંથી ૧ હજાર વાર જમીન ભેટમાં મળી હતી. આ જમીન પર ટ્રસ્ટ બનાવી શ્રી પુનિત સેવા આશ્રમની સ્થાપના કરી. જે આજે પણ અમદાવાદ મણીનગર વિસ્તારમાં શોભી રહી છે.

૧૯૫૬ માં તેઓ પૂર્વ અફ્રિકાના પ્રવાસે ગયેલા. ત્યાં પણ શ્રી રામ નામનો પ્રચાર કર્યો. ત્યાં ટુંકા સમયમાં છ લાખ જેવી રકમ મળી તે શુભ કાર્યોમાં સદ્દઉપયોગ અર્થે આપી દીધી. ત્યાંથી પરત ફર્યા બાદ નર્મદા નદીના પટાંગણમાં મોટી કોરલ ગામે શ્રી પંચકુબેરેશ્વર મહાદેવની જગ્યા પસંદ કરી. ત્રણ વર્ષ માટે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવા નિર્ણય કરેલ. પૂ. પુનિત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન ૪ હજાર જેટલા સરળ રાગ અને માનવ જીવનને સ્પર્શે તેવા સુંદર ભજન લખેલા હતા. જે આજે પણ દરેક સંપ્રદાયમાં પ્રચલિત છે.

એક દિવસ ભજનમાંથી મોડી રાત્રે પરત આવ્યા બાદ તેમની તબિયત લથડી. સંવત ૨૦૧૮ ના અષાઢ વદી ૧૧ ના શુક્રવાર તા. ૨૭/૭-૧૯૬૨ ના રાજા રણછોડને નજર સમક્ષ રાખી રામ રામ રટણ કરતા પંચ મહાભૂતમાં નશ્વર દેહનો ત્યાગ કર્યો.

આવા પરમ સંતની કાલે ૫૮ મી પૂણ્યતિથી હોય રાજકોટ સહીતના શહેરોમાં ઉત્સાહભેર ઉજવણી કરી ભાવવંદના કરાશે.

(2:41 pm IST)