Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

યુરોપ પ્રવાસ મુલત્વી રહેતા બેસ્ટ ટુર્સ સાથે રીફંડ બાબતે સર્જાયેલ વિવાદનું સમાધાનથી નિવારણ

રાજકોટ તા. ૧૪ : બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા.લી. અને સરગમ કલબના સંયુકત ઉપક્રમે યોજવામાં મે માસમાં ગોઠવવામાં આવેલ યુ.કે. તથા યુરોપ ગ્રુપ પ્રવાસ કેન્સલ થતા પ્રવાસ ફી રીફંડ બાબતે  સર્જાયેલ ગેરસમજો પોલીસ કમિશ્નરશ્રીની મધ્યસ્થીથી દુર થઇ હોવાનું બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસની યાદીમાં જણાવાયુ છે.

યાદીમાં જણાવેલ છે કે કોરોના મહામારીના કારણે પ્રવાસ મુલત્વી રહેતા કલબના સભ્યોએ ચુકવેલ પ્રવાસ ફી પેટેની એડવાન્સ રકમ પર મેળવવા તથા એરલાઇન્સ, યુ.કે. વિઝા સહિતની વિવિધ સપ્લાયર્સને એડવાન્સ ચુકવેલ રકમના કારણે થનાર કપાતની રકમ માટે સવાલો ઉઠાવ્યા હતા.

દરમિયાન આ બાબતે નારાજ સભ્યોએ કલેકટરશ્રી તેમજ જિલ્લા પોલીસ કમિશ્નરશ્રી તથા અન્ય સરકારી અધિકારીઓને પ્રશ્નનું નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. જે સંદર્ભે પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલજીની દેખરેખ હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. શ્રી ગઢવીએ નારાજ પ્રવાસી સભ્યો અને બેસ્ટ ટુર્સના ડીરેકટર્સને સાંભળી યોગ્ય તપાસના અંતે વાસ્તવીકતા સમજાવતા બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવ્યુ હતુ.

હકીકતમાં સભ્યોએ ચુકવેલ એડવાન્સ રકમમાંથી એરલાઇન્સ, વિઝા, ફોરેન હોટેલ માટે સપ્લાયર્સને ચુકવેલ મોટી રકમ ક્રેડીટ સેલરૂપે ભવિષ્યમાં વાપરી શકાય તેવી ક્રેડીટ નોટ તરીકે જમા કરેલ છે. જેથી બેસ્ટ ટ્રાવેલ્સ આ રકમ પરત આપી ન શકે પરંતુ ભવિષ્યમાં લાભાર્થી સભ્યો ઉપયોગ કરી શકે. અથવા ભવિષ્યમાં જયારે પણ આ રકમ પરત આવે તો પ્રમાણિકતાથી દરેક મેમ્બર્સ વચ્ચે વહેંચી દેવાની બાહેંધરી અપાઇ હતી.

આમ બન્ને પક્ષે સમાધાનકારી વલણ અપનાવતા આ વિવાદનો સુખદ અંત આવ્યો હોવાનું બેસ્ટ ટુર્સ ફોરેકસ અને પ્રવાસ માટે નોંધાયેલ સભ્યોએ સહી કરેલ એક સંયુકત  યાદીમાં જણાવાયુ છે.

(2:38 pm IST)