Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આરટીજીએસના નામે જબરી ઠગાઇઃ ૧૭.૭૧ લાખનું ગાયનું ઘી તમિલનાડુની ઠગ ત્રિપુટીએ હજાર રૂપરડીમાં લઇ લીધું!

રાજકોટના નવા થોરાળાના વેપારી ભરવાડ યુવાન અનિલ ડાભીએ મોકલેલા ઘીના જથ્થાનું ૧૭.૭૦ લાખનું પેમેન્ટ ખોટી પહોંચથી કરી છેતરપીંડીઃ થોરાળા પોલીસે ગ્લોબલ ટ્રેડર્સ કંપનીના નામે ફોન કરનાર પવિત્રા મેડમ, મેનેજર જાહીર અને એમડી સોંદરજા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: થોરાળામાં રહેતાં વેપારી ભરવાડ યુવાન પાસેથી તમિલનાડુની કંપનીના નામે એક મહિલા સહિત ત્રણ શખ્સોએ ૧૭ લાખથી વધુના ગાયના ઘીના જથ્થાની ખરીદી કરી આરટીજીએસથી પ્રથમ ૧૦૦૦ રૂપિયા ભરવાડ યુવાનના ખાતામાં જમા કરાવી બાકીના ૧૭,૭૦,૨૩૩ જમા કરાવી દીધાની ખોટી પહોંચ વ્હોટ્સએપથી મોકલી ઠગાઇ કરતાં મામલો પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધાયો છે.

આ બનાવમાં થોરાળા પોલીસે ચુનારાવાડ-૬માં રહેતાં અને ઘર નજીક ૪ નંબરની શેરીમાં ડાભી ફ્રુટ એન્ડ એગ્રો નામે દૂકાન ચલાવતાં અનિલ બીજલભાઇ ડાભી (ઉ.૨૮) નામના ભરવાડ યુવાનની ફરિયાદ પરથી તમિલનાડુના ઇરોડ શહેરની ગ્લોબલ ટ્રેડર્સ કંપનીના જવાબદાર વ્યકિતઓ પવિત્રા મેડમ, મેનેજર જાહીરભાઇ તથા એમડી સોંદરાજભાઇ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૧૧૪ તથા આઇટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અનિલ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨/૬ના રોજ મેં મારા ફોનમાંથી ઓનલાઇન ઇન્ડિયા માર્ટ નામની એપ્લીકેશન મારફત તમિલનાડુના ઇરોડ શહેરમાં ગ્લોબલ ટ્રેડર્સ નામની કંપનીનો કોન્ટેકટ કર્યો હતો. એ જ દિવસે કંપનીના પરચેઝ ડિપાર્ટમેન્ટમાંથી પવિત્રામેડમ નામની મહિલાએ મને ફોન કર્યો હતો. ગાયના ઘી અને ઘીની કવોલિટી, જથ્થો અને લેબોરેટરી રિપોર્ટ બાબતે મારે વાત થઇ હતી. એ પછી ગ્લોબલના મેનેજર જાહીરભાઇએ મને ફોન કરી ઘી બાબતે અને ત્યારબાદ આ કંપનીના એમડી તરીકે ઓળખ આપનાર સિંદરાજ નામની વ્યકિતએ પણ ઘીના જથ્થા, કવોલીટી, લેબ રિપોર્ટ સહિતની વાત કરી હતી.

૧૫/૬ના રોજ મેં ગાયના ઘીનો જથ્થો રાજકોટથી પેકીંગ કરી યાતાયાત ટ્રાન્સપોર્ટના ટ્રક મારફત ગ્લોબલ ટ્રેડર્સ નામની કંપનીને ૩૦૦૦ કિલોગ્રામ (ત્રણ ટન) ઘી મોકલ્યું હતું. આ જથ્થો તમિલનાડુના ઇરોડ ખાતે ગ્લોબલ ટ્રેડર્સ કંપનીને પહોંચી ગયો હતો. એ પછી તેણે એક ડબ્બામાંથી ઘી ચેક કરી જાહીરભાઇ અને સોંદરાજે ફોન કરી કહેલુ કે તમે મોકલેલુ ઘી બરાબર છે. આથી મેં તમને ઘીનું પેમેન્ટ ૧૭ લાખ ૭૧ હજાર ૨૩૩ જમા કરાવાવ કહેતાં તેણે ૨૧/૬ના રોજ રૂ. ૧૦૦૦નું આરટીજીએસથી પેમેન્ટ કર્યુ હતું. ત્યારબાદ બાકીના રૂ. ૧૭,૭૦,૨૩૩ની મને આરટીજીએસની પહોંચ કંપનીના એમડી સોંદરાજે તેના મોબાઇલ પરથી વ્હોટ્સએપ મારફત મોકલી હતી. સોંદરાજે એ પછી કહ્યું હતું કે અમારી કંપનીના એકાઉન્ટમાંથી આ પૈસા કપાઇ ગયા છે અને તમને પેમેન્ટની સ્લીપ મોકલી છે. બે ત્રણ કલાકમાં તમારા ખાતામાં રકમ જમાઇ થઇ જશે. હવે મને ગાયના ઘીનો જથ્થો ઉતારવાની મંજુરી આપો. જેથી મેં મોકલેલો ઘીનો જથ્થો ઉતારવાની મંજુરી આપી હતી.

ત્યારબાદ ઘીનો જથ્થો કંપનીના ગોડાઉનમાં ઉતારાયો હતો. ડ્રાઇવર મહેશભાઇ પાંચાભાઇ શંખાવરા (રહે. મોરબી રોડ રાજકોટ) ઘીનો જથ્થો ઉતારીને નીકળી ગયા હતાં. પરંતુ ૨૨/૬ના રોજ મારા ખાતામાં પેમેન્ટ જમા ન થતાં કંપનીના એમડી સોંદરાજને ફોન કરતાં તેણે કહ્યું હતું કે અમારી કંપનીએ કરેલુ પેમેન્ટ આરટીજીએસ રિટર્ન થયું છે. આથી મેં તેને રિટર્ન થયેલ આરટીજીએસની પહોંચ મોકલવાનું કહ્યું હતું. તો તેણે કહેલ કે પછી મોકલી આપશું. એ પછી પણ મને પહોંચ મોકલી નહોતી અને આજ સુધી પેમેન્ટ જમા કરાવ્યું નથી. ગ્લોબલ કંપનીમાંથી મારી સાથે વાત કરનાર પવિત્રામેડમ, જાહીરભાઇ કે સોંદરાજ એમ કોઇએ પછીથી ફોન રિસીવ કર્યા નહોતાં.

એ પછી ૨૬/૬/૨૦ના રોજ ફરીથી ઉપરોકત કંપનીના પર્ચેસ ડિપાર્ટમેન્ટમાંથી અનુષ્યા મેડમે ફોન કરી કહેલ કે હજુ અમારે તમારી પાસેથી ગાયનું ઘી ખરીદવું છે. આથી મેં તેને કહેલું કે તમારી કંપનીએ અગાઉનું પેમેન્ટ મોકલ્યું નથી. આથી તેણે પોતે તપાસ કરીને કહે છે તેમ કહ્યું હતું. એ પછી મેં ગ્લોબલ ટ્રેડર્સ કંપનીએ મોકલેલી આરટીજીએસની રકમની રસીદના ફોટાની કેનેરા બેંક ખાતે રૂબરૂ જઇ તપાસ કરતાં આ રસીદ ખોટી હોવાની ખબર પડી હતી. તેમજ આરટીજીએસથી આવું કોઇ ટ્રાન્જેકશન પણ થયું નહિ હોવાનું કહેવાયું હતું. આથી મારી સાથે ઘીના જથ્થો મંગાવી આરટીજીએસથી પેમન્ટ કર્યાની ખોટી પહોંચી મોકલી છેતરપીંડી થયાની ખબર પડી હતી. જેથી ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.

થોરાળા પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એલ. બારસીયા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

(12:52 pm IST)