Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સાધુ વાસવાણી રોડ પર પામ યુનિવર્સના દસમા માળેથી પટકાતાં ૨વર્ષના કિસ્મતની જિંદગી પૂરી

નેપાળી યુવાન ડમ્મર સાફ સફાઇ કરતો હતો ત્યારે રમી રહેલો તેનો પુત્ર નીચે પટકાયોઃ હોસ્પિટલે ખસેડાયો પણ માસુમ બાળકે દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૪: સાધુ વાસવાણી રોડ પર નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં સાફસફાઇનું કામ કરતાં અને ત્યાં જ રહેતાં નેપાળી દંપતિનો બે વર્ષનો પુત્ર રમતો રમતો દસમા માળે દાદરા પરથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મુળ નેપાળનો વતની અને કેટલાક વર્ષથી રાજકોટ રહી અલગ-અલગ નવી બનતી બિલ્ડીંગની સાઇટ પર રહી મજૂરી કરતો ડમ્મપર ઘડરાતી (નેપાળી) અને તેની પત્નિ ગોપી હાલમાં સાધુ વાસવાણી રોડ પર શિલ્પન રેસિડેન્સી પાસે પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમેન્ટની સાઇટ પર રહી સાફસફાઇનું કામ કરે છે. દંપતિ સાથે તેનો ૨ વર્ષનો પુત્ર કિસ્મત પણ રહેતો હતો. ગઇકાલે સાંજે ડમ્મર દસમા માળે સાફસફાઇ કરતો હતો ત્યારે તેનો પુત્ર તેની બાજુમાં જ રમતો હતો.

એ દરમિયાન અચાનક તે રમતો રમતો દાદરા તરફ જતો રહ્યો હતો અને અકસ્માતે ત્યાંથી નીચે પટકાયો હતો. ડમ્મરનું ધ્યાન પડતાં તેણે દોટ મુકી હતી. બીજા માળેથી તેની પત્નિ તથા અન્ય કારીગરો પણ નીચે દોડ્યા હતાં. ગંભીર હાલતમાં કિસ્મતને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ કિસ્મતે સાથ આપ્યો નહોતો અને માસુમ કિસ્મતની જિંદગી પુરી થઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં યુનિવર્સિટીના એએસઆઇ કે. કે. ઝાલા તથા પ્રદિપભાઇ કોટડે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

નેપાળી દંપતિ આ બનાવથી શોકમાં ગરક થઇ ગયું હતું. તેનો બીજો ચાર વર્ષનો પુત્ર વતનમાં નાના-નાની સાથે રહી અભ્યાસ કરે છે.

(12:51 pm IST)