Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બળાત્કારના ગુનામાં પાંચ મહિનાથી ફરાર જામનગરના જયદિપ ડવને પકડી લેવાયો

મુળ ઉપલેટાના લીલખાના વતની આહિર શખ્સને યુનિવર્સિટી અને ક્રાઇમ બ્રાંચની ટીમે પોલીસે સકંજામાં લીધોઃ આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી : પરણેલો હોવાની વાત છુપાવી ફેસબૂકના માધ્યમથી ફરિયાદી યુવતિને ફસાવી હતી

રાજકોટ તા. ૧૪: બળાત્કારના ગુનામાં પાંચેક મહિનાથી ફરાર મુળ જામનગર ખંભાળીયા રોડ દેવપાર્ક સોસાયટી બ્લોક નં. ૧૩/૯માં રહેતાં તેમજ ઉપલેટામાં મહાવીર પાર્ક વોર્ડ નં. ૮માં પણ રહેતાં મુળ લીલાખાના જયદિપ દેવાયતભાઇ ડવ (આહિર) (ઉ.વ.૩૧) નામના ગાડીની લે-વેંચના ધંધાર્થીને યુનિવર્સિટી પોલીસે તે રાજકોટથી નીકળી રહ્યાની ચોક્કસ બાતમીને આધારે પકડી લીધો છે. કોરોના રિપોર્ટ બાદ અટકાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તા. ૮/૨/૨૦ના રોજ આઇપીસી ૩૨૩, ૩૭૬, ૪૨૦, ૪૯૩, ૪૯૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ભોગ બનનાર યુવતિની ફરિયાદ પરથી જયદિપ ડવ તેમજ અજય પરબતભાઇ ભાદરકા (રહે. વૃંદાવન સોસાયટી જામનગર), દર્શક વિનોદભાઇ ધ્રાંગા (ઉ.૨૨-રહે. ભાલેચડા તા. માણાવદર) અને અનિલ રાણાભાઇ બંધીયા (ઉ.૨૭-રહે. જામનગર અંધઆશ્રમ પાસે) સામે ગુનો નોંધાયો હતો. જેમાં જયદિપ સિવાયના ત્રણ આરોપીઓને તા. ૧૨/૩/૨૦ના રોજ પકડી લેવામાં આવ્યા હતાં.

મુખ્ય આરોપી જયદિપ ડવ હાથમાં આવ્યો નહોતો. ફેસબૂક થકી ભોગ બનનાર સાથે સંપર્ક કરી પોતે પરણેલો છે તેવી હકિકત છુપાવી ફરિયાદી સાથેના લગ્ન નોંધણીના ફોર્મમાં અપરિણિત દર્શાવી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. તેમજ લગ્નનો ખોટો પુરાવો ઉભો કરી ફરિયાદી પોતાની પત્નિ છે તેવું મનાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધી અવાર-નવાર મરજી વિરૂધ્ધ શારીરિક શોષણ કરી દારૂ પી ગાળો દઇ મારી નાંખવાની ધમકીઓ આપી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો. બીજા ત્રણ આરોપીઓએ આ ગુનામાં મદદગારી કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

લાંબા સમયથી આ ગુનામાં ફરાર જયદિપને ઝડપી લેવાની માંગણી સાથે ભોગ બનનારે અગાઉ આઇજી તથા પોલીસ કમિશનરને રજૂઆતો કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને એસીપી પી. કે. દિયોરાએ આરોપીને શોધી કાઢવા સુચના આપતાં યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સાયબર ક્રાઇમ સેલની મદદ લઇ તપાસ શરૂ કરાઇ હતી. ત્યાં જયદિપ રાજકોટથી નીકળનાર હોવાની બાતમી મળતાં તેને સકંજામાં લઇ લેવાયો હતો.

આ શખ્સ વિરૂધ્ધ અગાઉ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૩૯૫, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. પીઆઇ ઠાકર, પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, બી. જી. ડાંગર, એચ. બી. ધાંધલીયા, એએસઆઇ ધર્મેશભાઇ ખેર, હેડકોન્સ. બળભદ્રસિંહ, હરપાલસિંહ, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ, કોન્સ. લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ, સંજયભાઇ રૂપાપરા, જયંતિગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, અજયભાઇ, મહિપાલસિંહ, દિપકભાઇ, રવિભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(12:50 pm IST)